બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / જેમણે મુખ્યમંત્રીપદ ઠુકરાવ્યું, નવ દિવસના સીએમ, મહારાષ્ટ્રના એક્સિડેન્ટલ સીએમ કોણ હતા?, શરદ પવારના દાવપેંચ, મુખ્યમંત્રીનું ડિમોશન, રોચક કિસ્સાઓ

મુખ્યમંત્રી / જેમણે મુખ્યમંત્રીપદ ઠુકરાવ્યું, નવ દિવસના સીએમ, મહારાષ્ટ્રના એક્સિડેન્ટલ સીએમ કોણ હતા?, સીએમનું ડિમોશન, શરદ પવારના દાવપેંચ, રોચક કિસ્સાઓ

Last Updated: 07:55 PM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની ભવ્ય જીત બાદ ચોરેચૌટે ચર્ચાતો સવાલ એક જ હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી એટલે મુખ્યમંત્રી ભાજપના બનવાની નક્કર સંભાવના જણાતી હતી પણ ભાજપની સરખામણીએ ઓછી બેઠક હોવા છતા પણ મુખ્યમંત્રી બનવાની જીદે ચડેલા એકનાથ શિંદેને કારણે કોકડુ ગુંચવાયું હતું. ઘણા તર્કવિતર્ક થતા હતા. રાજકીય વિશ્લેષકો મહારાષ્ટ્રમાં નવાજૂની થવાના એંધાણ કરી રહ્યા હતા. પણ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. છેલ્લી ઘડી સુધીના સસ્પેન્સ બાદ આખરે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાની તળે મહાયુતિની સરકાર બની છે. આ લખાઇ રહ્યું છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને એકનાથ શિંદે અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદ સાથે ઘણા રસપ્રદ પ્રકરણો-કિસ્સાઓ જોડાયેલા છે. કેવા કિસ્સાઓ?

ચેપ્ટર-1: નવ દિવસના સીએમ
એમનું નામ પીકે સાવંત. પીકે સાવંત કોંકણથી બિલોંગ કરતા હતા અને વકીલાતનું ભણેલા હતા. એક શાળામાં શિક્ષકની નોકરીથી એમણે કરિઅરની શરૂઆત કરેલી. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન સંગઠનમાં એમણે ખૂબ મહત્વની કામગીરી કરી હતી. આ જ સંગઠનના પાયા પર એમણે મુંબઇ પાલિકાની ચૂંટણી લડી અને નગરસેવક તરીકે ચૂંટાયા.

એ સમયે તત્કાલીન કોંગ્રેસને લાગ્યું કે પીકે સાવંતની પ્રતિભાને નગરસેવક પૂરતી સિમીત ન કરી દેવાય. એટલે કોંગ્રેસે વેંગુલી બેઠક પરથી પીકે સાવંતને ટિકીટ આપી. આ વર્ષ 1952ની ચૂંટણીની વાત છે. પીકે સાવંત આ ચૂંટણી જીતીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને સંસદીય સચિવ તરીકે કામગીરીનો આરંભ કર્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણે એમને પોતાના મુખ્યમંત્રી મંડળમાં સામેલ કર્યા. પીકે સાવંતને કૃષિ અને ગૃહખાતુ સોંપવામાં આવ્યું. પોતાના કાર્યકાળ દરમિયાન પીકે સાવંતે એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું નિર્માણ કર્યું અને ગ્રામીણ વિકાસ યોજનાઓ અમલમાં મુકી.

સંગઠનના અધ્યક્ષ પદ માટે મંત્રીપદ છોડવા હતા તૈયાર!
પીકે સાવંત સત્તાના મોહથી પર નેતા હતા. તેઓ જ્યારે મંત્રી હતા ત્યારે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન સંગઠનના અધ્યક્ષનું દેહાવસાન થયું. પીકે સાવંત ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયનનું સુકાન અધ્યક્ષ તરીકે હાથમાં લેવા માગતા હતા અને એને માટે મંત્રીપદ છોડવાનો નિર્ણય પણ એમણે લઇ નાખ્યો હતો. સીધીવાત છે કે કોઇ સંગઠનના અઘ્યક્ષ કરતા મંત્રીપદની વિસાત મોટી જ હોવાની પણ પીકે સાવંતને મન પદ કરતા કામનું મહત્વ હતું. યશવંતરાવ ચવ્હાણને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેઓ પીકે સાવંત પર થોડા અકળાયા. ચવ્હાણ પોતાના મંત્રીમંડળમાંથી આવો વિદ્વાન મંત્રી ખોવા દેવા નહોતા માગતા. યશવંતરાવ ચવ્હાણે પીકે સાવંતને મંત્રીપદ ન છોડવા માટે માંડમાંડ મનાવ્યા.

આ પછી મહારાષ્ટ્રના બીજા નંબરના મુખ્યમંત્રી મારોતરાવ કન્નમવારનું અવસાન થયું ત્યારે મુખ્યમંત્રી તરીકે એમની પસંદગી કરવામાં આવી. જો કે મુખ્યમંત્રીપદ એમની પાસે તારીખ 25 નવેમ્બર,1963થી 5 ડિસેમ્બર 1963 સુધી એમ માત્ર નવ દિવસ સુધી રહ્યું.. શંકરરાવ ચવ્હાણને મુખ્યમંત્રી પદ આપવું પડ્યું. પીકે સાવંત મહારાષ્ટ્રના ત્રીજા મુખ્યમંત્રી હતા કે જેઓ માત્ર નવ દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. પીકે સાવંતને પછી વસંતરાવ નાઇકની સરકારમાં એગ્રીકલ્ચર, મેડિકલ એજ્યુકેશનનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો. એક રીતે આ પીકે સાવંતનું ડિમોશન થયું હતું પરંતુ આમ છતા જ્યારે મુખ્યમંત્રીપદ છોડવાની વાત આવી ત્યારે પીકે સાવંતના ચહેરા પર અફસોસની એક લકીર સુદ્ઘા જોવા મળી ન હતી.

ચેપ્ટર-2: ‘મને મુખ્યમંત્રીપદનો મોહ નથી’
મુખ્યમંત્રીપદના મોહથી પર આવા જ એક બીજા રાજનેતાની વાત કરીએ. એમનું નામ ભાઇ ઉદ્ધવરાવ પાટીલ. ઉદ્ધવરાવ પાટીલનો જન્મ તારીખ 30 જાન્યુઆરી, 1920ના રોજ ઉસ્માનાબાદ જિલ્લાના ઇરલે ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ આર્યસમાજના સદસ્ય હતા અને વકીલાતના અભ્યાસ બાદ તેઓ રાજનીતિ અને સામાજિક પ્રવૃતિઓમાં સક્રિય થયા હતા. ઉસ્માનબાદ અને તુલજાબાદ ક્ષેત્રમાંથી તેમણે ચૂંટણી લડી અને હૈદરાબાદ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1958માં તેઓ વિપક્ષના નેતા બન્યા. ભાઇ ઉદ્ધવરાવ પાટીલ શેતકારી કામદાર પક્ષના માધ્યમથી ખેડૂતો અને મજૂરોનો મુદ્દો ઉઠાવતા હતા.

ઓફર: ‘કોંગ્રેસમાં આવો અને સીએમ બની જાઓ’
1962માં યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં રક્ષામંત્રી બન્યા. એમને બદલે કોણ મુખ્યમંત્રી બને એ સવાલ હતો. પાર્ટીમાં મોસ્ટ સિનીયર વસંતરાવ નાઇક હતા એટલે સૌના મનમાં આગામી મુખ્યમંત્રી તરીકે એમનું નામ જ ચાલી રહ્યું હતું. પણ યશવંતરાવ ચવ્હાણ મુખ્યમંત્રી તરીકે ભાઇ ઉદ્ધવરાવ પાટીલને જોઇ રહ્યા હતા. એના માટે ભાઇ ઉદ્ધવરાવ પાટીલને શેકપમાંથી કોંગ્રેસમાં લાવવા પડે. યશવંતરાવ ચવ્હાણે ઉદ્ઘવરાવ પાટીલને મનાવવાની જવાબદારી સોંપી રાજ્યસભા સાંસદ રામરાવ આવરગાવકરને. આવરગાવકર જ્યારે ભાઇ ઉદ્ધવ પાટીલના ઘરે ગયા ત્યારે ઉદ્ધવરાવે એમના માટે ચા બનાવી. રામરાવે ચા પીતા પીતા યશવંતરાવ ચવ્હાણ તરફથી આવેલી મુખ્યમંત્રીપદની ઓફર મુકી.

જોકે આ પ્રસ્તાવની ભાઇ ઉદ્ધવરાવ પાટીલ પર લગીરેય અસર ન થઇ. એમણે કહ્યુ, ‘જુઓ, હું વામપંથી આંદોલન સાથે જોડાયેલો છું. મારું શરીર ખેતમજૂરોના લાલ કપડામાં લપેટાયેલું હશે. મને સત્તાની કોઇ મહત્વકાંક્ષા કે ઇચ્છા નથી’

રામરાવ આવરગાવકરે જ્યારે યશવંતરાવ ચવ્હાણને ઉદ્ધવરાવ પાટીલનો આ સંદેશો સંભળાવ્યો ત્યારે એમને થોડું દુખ થયું પણ સાથે એ વાતની ખુશી પણ થઇ કે એમણે એક સાચા માણસ પર વિશ્વાસ મુક્યો હતો!

Screenshot 2024-12-05 182155

ભાઇ ઉદ્ધવરાવ પાટીલે મુખ્યમંત્રીપદની ઓફર ઠુકરાવીને પાર્ટી પ્રત્યેની વફાદારી બરકરાર રાખી હતી

ચેપ્ટર-3: પુલોદ, પવાર અને ચવ્હાણ
ઇન્દિરા ગાંધી બાંગ્લાદેશના યુદ્ધ બાદ તાકાતવાન અને લોકપ્રિય નેતા તરીકે દેશમાં પ્રસ્થાપિત થયા. જૂના જોગીઓને માત આપીને ઇન્દિરા સત્તાનું સુકાન હાથમાં લીધું હતું. બાંગ્લાદેશ યુદ્ધ બાદ ઇન્દિરા ગાંધીએ પોતાની ગુડબુકમાં સામેલ નેતાઓને રાજ્યની મુખ્યમંત્રીની ધુરા સોંપવા માંડી જેમાં એક શંકરરાવ ચવ્હાણ પણ સામેલ હતા. વસંતરાવ નાયક પછી 1975માં શંકરરાવ ચવ્હાણ મહારાષ્ટ્રમા મુખ્યમંત્રી બન્યા. શંકરરાવ ચવ્હાણ એક એવા મરાઠા નેતા હતા કે જેમણે મેયરપદથી લઇને મુખ્યમંત્રી પદ સુધીની સફર ખેડી હતી. શંકરરાવ ચવ્હાણ એક કડક શાસક હતા. અધિકારીઓ એમનાથી ફફડતા. શંકરરાવ ચવ્હાણને રાજકીય સહયોગીઓ હેડમાસ્ટર કહીને સંબોધતા.

શંકરરાવ ચવ્હાણ વર્સિસ વસંતદાદા પાટીલ
શંકરરાવ ચવ્હાણનું સહકારી સમિતીઓ પર વર્ચસ્વ હતું. શંકરરાવ ચવ્હાણના કાર્યકાળમાં એમના મંત્રીમંડળમાં સિંચાઇમંત્રી વસંતદાદા પાટીલ સાથે થયેલો વિવાદ બહુ ચર્ચિત છે. બંને દિગ્ગજ હતા. બંનેએ સિંચાઇ યોજનાઓ પર અભ્યાસ કર્યો હતો. વસંતદાદા પાટીલ ખેડૂતો સાથે જોડાયેલા નેતા હતા તો શંકરરાવ ચવ્હાણને આધુનિક ભગીરથ કહેવામાં આવતા હતા. એમણે મહારાષ્ટ્રમાં જયકવાડી, અપર વર્ધા, કાલીસરાર, અરુણાવતી, વિષ્ણુપુરી જેવા બંધોનું બંધાવ્યા હતા. શંકરરાવ ચવ્હાણ અને વસંતદાદા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો કે વસંતદાદા પાટીલે રાજકીય સંન્યાસની ઘોષણા કરી નાખી.

WhatsApp Image 2024-12-05 at 4.11.41 PM

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાની યાદીમાં શંકરરાવ ચવ્હાણની ગણના થાય છે

ઇમરજન્સીનું પરિણામ, કારમી હારનું ઠીકરું શંકરરાવ પર ફોડવામાં આવ્યું
શંકરરાવ ચવ્હાણના મુખ્યમંત્રી બન્યા બાદ ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી. મહારાષ્ટ્રના કેટલાય નાના-મોટા નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઇમરજન્સી બાદ બ્રહ્માનંદ રેડ્ડી અને યશવંતરાવ ચવ્હાણે ઇંદિરા ગાંધી સામે વિદ્રોહ કર્યો. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ફૂટફાટ પડી અને યશવંતરાવ ચવ્હાણ સાથે શરદ પવાર અને વસંતદાદા પાટીલ રેડ્ડી કોંગ્રેસમાં જોડાઇ ગયા. ઇમરજન્સીનું પરિણામ 1977ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું કે જેમાં કોંગ્રેસ 48માંથી 28 બેઠકો હારી ગઇ. હારનું ઠીકરું શંકરરાવ ચવ્હાણ પર ફોડવામાં આવ્યું. શંકરરાવની વિરોધીઓએ આ હારનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

વસંતદાદા પાટીલ કે જેઓ રાજકીય સંન્યાસ લઇ ચૂક્યા હતા અને સામાજિક કાર્યો કરવા માટે સાંગલી ચાલ્યા ગયા હતા એમણે 'કોંગ્રેસના ઘરમાં આગ લાગી ગઇ છે' કહીને ફરી રાજકારણમાં પ્રવેશ કર્યો. મુંબઇમાં આયોજિત કોંગ્રેસની બેઠકમાં શંકરરાવ ચવ્હાણની ભરપૂર ટીકા થઇ.

શંકરરાવ ચવ્હાણે પાર્ટીને રામરામ કર્યા
એમ કહેવાય છે કે આ બેઠકમાં અપમાનિત થયેલા શંકરરાવ ચવ્હાણૌ ઘરે આવીને સીધો ઇન્દિરા ગાંધીને ફોન જોડ્યો હતો. આ રાજકીય અરાજકતાનો દૌર હતો. ખુદ ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. રેડ્ડી કોંગ્રેસ જેવી પાર્ટીઓ કોંગ્રેસમાંથી ફંટાઇને અલગ પડી હતી. જેમાં શંકરરાવ ચવ્હાણની મહારાષ્ટ્ર સમાજવાદી કોંગ્રેસ એટલે કે મસ્કાનો ઉમેરો થયો. આ પાર્ટીમાં શંકરરાવ ચવ્હાણ સાથે બાલાસાહેબ વિખે પાટિલ પણ જોડાયેલા હતા. એમણે મસ્કા કોંગ્રેસનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું.

1978ની વિધાનસભા ચૂંટણીમાં શું થયું?
1978માં ઇન્દિરા કોંગ્રસ અને રેડ્ડી કોંગ્રેસ બંનેએ અલગ અલગ ચૂંટણી લડી. ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે રેડ્ડી કોંગ્રેસને 62 બેઠકો, ઇન્દિરા કોંગ્રેસને 69 બેઠકો જનતાદળને મળી 99. આ દરમિયાન શંકરરાવ ચવ્હાણે મસ્કાની સ્થાપ્ના કરી હતી. જોકે 1978ની વિધાનસભા ચૂંટણીમાં મસ્કાને માત્ર બે જ બેઠકો મળી હતી.

1978માં વસંતદાદા પાટીલ મુખ્યમંત્રી બન્યા અને ઇન્દિરા કોંગ્રેસના નાસિકરાવ તિરપુડે નાયબ મુખ્યમંત્રી બન્યા. શરદ પવારે નાસિકરાવ તિરપુડેની દખલઅંદાજીનું કારણ આગળ ધરીને પોતના 40 ધારાસભ્યો સાથે વસંતદાદાની સરકાર છોડવાનો નિર્ણય કર્યો આ કારણે રેડ્ડી અને ઇન્દિરા કોંગ્રસ લઘુમતીમાં આવી ગઇ. વસંતદાદા પાટીલ અને નાસિકરાવ તિરપુડેએ રાજીનામું આપ્યું. સરકાર ભાંગી પડી. આ પછી શરદ પવારે પુલોદનો પ્રયોગ કરીને સરકાર બનાવી. જેમાં શરદ પવાર મુખ્યમંત્રી બન્યા અને શંકરરાવ ચવ્હાણને શરદ પવારના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને જળસંસાધન ખાતુ મળ્યું. જોકે ઇન્દિરા પ્રત્યે નિષ્ઠા ધરાવતા શંકરરાવે પછીથી પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી દીધો હતો.

Sharad_Pawar_addressing_the_National_Conference_on_Cooperatives_for_the_celebration_of_International_Year_of_Cooperatives,_2012,_in_New_Delhi_on_May_15,_2012_(cropped)

શરદ પવારે પુરોગામી લોકશાહી દળ(પુલોદ)નું ગઠન કર્યું હતું

શરદપવારે જનતાપાર્ટીના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો કેવી રીતે છીનવી લીધો?
શરદ પવારની એક ચાલે જનતા પાર્ટીના મોં સુધી આવેલો સત્તારૂપી કોળિયો છીનવી લીધો હતો. વર્ષ 1978ની ચૂંટણીમાં જનતા પાર્ટી બહુમતથી વેંત એક દૂર હતી. બાર અપક્ષ ધારાસભ્યોનો ટેકો લઇને જનતા પાર્ટીની સરકાર બને એમ હતી. દિલ્હીથી મોરારજી દેસાઇએ જ્યોર્જ ફર્નાન્ડિઝને જનતા પાર્ટી વતી મહારાષ્ટ્રના રાજ્યપાલ સાદિક અલીને મળવા રવાના કર્યા. જ્યોર્જ ફર્નાન્ડિઝે સાદિક અલીને મળીને જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એસએમ જોશીના મુખ્યમંત્રીપદે સરકાર બનાવવાનું આમંત્રણ આપવાનો અનુરોધ કર્યો. એસએમ જોશી સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ, ઇમરજન્સી વિરુદ્ધ આંદોલનોમાં નેતૃત્વ કર્યું હતું. એસ એમ જોશીની આગેવાની તળે સરકાર બનવાનું નક્કી હતું. પણ ત્યાં જ શરદ પવારે બાજી પલટી નાખી.

શરદ પવારે સવારના ત્રણ કલાકે એસઆરપીએફની એક ટુકડી રાજ્યપાલના રાજભવન મોકલી. એ સમયે યુવા શરદ પવાર કાર્યવાહી ગૃહમંત્રી હતા. જવાનોની પલટન જોઇને ગવર્નર હાઉસમાં અફરાતફરી મચી ગઇ. રાજ્યપાલ સાથેની ટેલિફોનીક વાતચીતમાં શરદ પવારે કહ્યું, ‘સર, માફ કરો પણ વિદર્ભમાં ઇન્દિરા કોંગ્રેસનો યુવા વર્ગ બહુ આક્રમક મિજાજમાં છે. એમને એવું લાગે છે કે જનતા પાર્ટી પાસે બહુમત ન હોવા છતા પણ તમે એમને રાજ્યપાલ બનાવવા આમંત્રણ આપો છો. એવી માહિતી મળી છે કે આ કાર્યકર્તાઓ પોતાનું મોઢુ કાળું કરીને રાજભવન આવી રહ્યા છે. એટલે જવાનોને સુરક્ષા માટે મોકલવામાં આવ્યા છે’

સાદિક અલી ડરી ગયા. એમણે જનતા પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાનું ટાળ્યું આ દરમિયાન બંને કોંગ્રેસ વચ્ચે સત્તાના ગઠનની ફોર્મ્યુલા તૈયાર થઇ ગઇ. વસંતદાદા પાટીલ મુખ્યમંત્રી અને નાસિકરાવ તિરપુડે ઉપમુખ્યમંત્રી બન્યા. શરદ પવારની એક ચાલથી એસએમજોશી મુખ્યમંત્રી પદથી દૂર થઇ ગયા હતા.

ચેપ્ટર-4: એક્સિડેન્ટલ સીએમ
1980માં વિધાનસભા ચૂંટણી થઇ. કોંગ્રેસની સરકાર બની. બે વર્ષની અંદર જ સિમેન્ટ ગોટાળા પ્રકરણમાં સીએમ અંતુલેને રાજીનામુ આપવું પડ્યું. ઇંદિરા ગાંધી સામે દુવિધા એ હતી કે આખરે રાજ્યનો મુખ્યમંત્રી કોણ બને? બધાને આશ્ચર્યનો આચંકો આપતા ઇન્દિરા ગાંધીએ એક નામની પસંદગી કરી. આ નામ પસંદ થવા પાછળની વાત બહું રોચક છે.

ઇન્દિરા ગાંધીએ બાબાસાહેબ ભોસલેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. બાબાસાહેબ સતારાથી હતા. બાબાસાહેબના વિવાહ કોંગ્રેસ નેતા તુલસી જાદવના પુત્રી લીલાવતી સાથે થયા હતા. તુલસી જાદવ એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન એમની ધરપકડ થઇ હતી અને એમને પુણેની યરવડા જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.

આ તુલસી જાદવના જમાઇ એવા બાબાસાહેબ પોતાની હાઇકોર્ટની ધીકતી વકીલાતની પ્રેકટિસ છોડીને સક્રિય રાજનીતિમાં આવ્યા હતા. 1980માં એમણે કોંગ્રસ તરફથી મુંબઇના નેહરુનગર બેઠક પરથી ચૂંટણી લડી હતી. 1980માં એઆર અંતુલેના મંત્રીમંડળમાં બાબાસાહેબને કાયદામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

bba7b092-f6a0-4535-8299-ca14e2be5e28

બાબાસાહેબ ભોસલે(જમણે): મુખ્યમંત્રી માટે જેમની પસંદગી સૌ કોઇ માટે કૌતુકનો વિષય હતી!

કોંગ્રેસ કાર્યાલય પર ભીડ ઉમટી, સીએમનું નામ જાહેર થયું અને...
અંતુલેએ રાજીનામુ આપ્યા બાદ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર વંસતદાદા પાટીલ, પ્રતિભા તાઇ પાટિલ પણ દિલ્હીમાં ધામા નાખ્યા હતા. તુલસીદાસ જાદવને ચિંતા હતી કે એમના જમાઇને આગામી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે કે નહીં. બાબાસાહેબની છબી અંતુલેના માણસ તરીકેની હતી. એમનું નવા મંત્રીમંડળમાં સ્થાન પામવું લગભગ અશક્ય મનાતું હતું.

મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રીની ઘોષણા 24, અકબર રોડ સ્થિત કોંગ્રસ કાર્યાલય બહાર કરવામાં આવવાની હતી. ભારત બંધનો દિવસ હોવા છતા પણ પત્રકારોની ભીડ ઉમટી પડી હતી. મહારાષ્ટ્ર પ્રભારી જીકે મુપનાર ઇન્દિરા ગાંધીને મળવા પહોંચ્યા.

કોંગ્રેસ કાર્યાલય પર ઉમટેલી નેતાઓની ભીડમાં તુલસીદાસ જાદવ પણ સામેલ હતા. મુપનાર આવ્યા. પત્રકારોએ એમને ઘેરી લીધા. સવાલો શરૂ થયા. મુપનારને મુખ્યમંત્રીનું નામ યાદ ન હતું. એમણે પોતાના ખિસ્સામાંથી મહારાષ્ટ્રના ધારાસભ્યોની એક યાદી કાઢી. એક નામ આગળ પેન્સિલથી એક રેખા ખેંચી. એ નામ હતું: બાબાસાહેબ ભોસલે. ઘણા પત્રકારોને તો ખબર પણ ન હતી કે બાબાસાહેબ ભોસલે છે કોણ? જ્યારે લોકોને ખબર પડી કે બાબાસાહેબ સતારા જિલ્લાના છે ત્યારે તર્કવિતર્ક અને ચણભણ શરુ થઈ. એક અનુમાન પ્રમાણે ઇન્દિરા ગાંધી સતારાના છત્રપતિ શિવાજી મહારાજના પરિવારમાંથી અભયસિંહ રાજે ભોસલેને પસંદ કરવા માગતા હતા. પણ કંઇક ગેરસમજણથી એમણે બાબાસાહેબ ભોસલેની પસંદગી કરી.

સૌથી મોટો આંચકો તો તુલસીદાસ જાદવને લાગ્યો. એ તો માત્ર પોતાનું જમાઇનું મંત્રીપદ જાળવા રાખવા માટે દિલ્હી આવ્યા હતા. એમણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે પોતે જીવતેજીવ જમાઇરાજાને મુખ્યમંત્રી બનતા જોઇ શકશે. એમ કહેવાય છે કે ઇન્દિરા ગાંધીએ મરાઠા જાતિય સમીકરણોને ધ્યાનમાં રાખીને બાબાસાહેબને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Sharad Pawar Maharashtra CM Shankarrao Chavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ