મધ્યપ્રદેશની કુનો પાલપુર વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી હાલ ગુજરાતના ગીરથી આવી રહેલા મોંઘેરા મહેમાન સમા એક માત્ર ગુજરાતમાં મળતા એશિયાટિક સિંહોનું સ્વાગત કરવા થનગની રહ્યું છે તો એ જાણવું જરૂરી છે કે કેમ આ સિંહોના સ્થળાંતરને આટલો વધુ સમય લાગ્યો અને ગુજરાત કેમ આ યોજના માટે ખચકાટ અનુભવે છે?
ગુજરાતના શાન સમા ગીરના સિંહોમાંથી થોડાક પ્રાણીઓને મધ્યપ્રદેશની કુનો પાલપુર વાઈલ્ડલાઈફ સૅન્ચુરીમાં ખસેડવામાં આવી રહ્યા છે.
કુનો સૅન્ચુરી (Source : Google Maps Submission by Sachin Gour)
સિંહો માટે સાનુકૂળ છે આ જંગલ
અહીં સિંહો નીલગાય, ચિત્તલ, સાંભર, ચિંકારા જેવા પ્રાણીઓનો શિકાર કરી શકશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જમીન ઉપર આવેલા કુલ 1547 પરિવારોના 24 ગામડાઓને સાવજો માટે ખાલી કરી દેવાયા છે જેથી આખો વિસ્તાર હવે મનુષ્યો વગરનો થઇ ગયો છે.
આ જગ્યાને છેલ્લા 29 વર્ષથી સિંહો માટે સાનુકૂળ જાહેર કરી દેવાઈ છે. 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતમાં 523 સિંહો વસે છે જયારે ગીર જંગલનો વિસ્તાર 22,000 ચોરસ કિમી છે. એક જ વિસ્તારમાં જો કોઈ માંસાહારી જાતિના પ્રાણીઓ હોય તો તેમની ઉપર રોગોનો, શિકારની સંખ્યા ઘટી જવાનો, કુદરતી આપત્તિનો અને પર્યાવરણને લગતો ખતરો રહે છે.
શું છે આ કુનો સૅન્ચુરી?
ઉત્તર મધ્યપ્રદેશનું કુનો પહેલા રાજવી પરિવારો માટે શિકારનું સ્થળ હતું. 1981માં તેને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું. આ ક્ષેત્રમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ ગેરકાયદેસર શિકાર કે માનવ-જાનવર વચ્ચે હુમલાના કિસ્સા નોંધાયા નથી.
જો કે આ ક્ષેત્રમાં દીપડા, વરુ, શિયાળ, ચટાપટા વાળું ઝરખ જેવા માંસાહારી પ્રાણીઓ પહેલેથી રહે છે પણ અહીં ચિત્તલ, સાંભર, નીલગાય, ચિંકારા, જંગલી ભૂંડ, ચોસિંઘા, કાળિયાર જેવા પ્રાણીઓ પણ પુષ્કળ પ્રમાણમાં રહે છે.
આ છે સહેલાણીઓ માટે રહેવાની જગ્યાઓ
અહીંથી નજીકમાં શિવપુરી હાઇવે ઉપર 3 સ્ટાર હોટલ છે. અહીં એક ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પણ છે જે કુનો રિઝર્વના એન્ટ્રી ગેટથી 25 કિમી અંદર છે. વર્ષે 2000 થી વધુ સહેલાણીઓ કુનો રિઝર્વ આવે છે. સિંહો આવવાથી આ સંખ્યા વધશે તેવી શક્યતા છે.
ગુજરાત સિંહો આપવા માટે અવઢવમાં હતું
કુનોના 23 ગામડાને પહેલેથી વિસ્થાપિત કરી દેવાયા હતા. ત્યાર બાદ જયારે ગુજરાતે સિંહો સોંપવાનો ઇન્કાર કર્યો ત્યારે આ ગામડાના લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે તેઓએ સિંહો માટે પોતાની જન્મભૂમિ છોડી દીધી પણ હવે સિંહો આપવાની બાબતમાં ગુજરાત ગલ્લા તલ્લા કરે છે.
ગુજરાત સરકારની સામી દલીલ એવી હતી કે મધ્યપ્રદેશમાં પહેલા વાઘ હતા પણ સરકારની બેજવાબદારીના પગલે વાઘ નાશપ્રાય થઇ ગયા. આ પ્રકારનો અભિગમ રાખીને ગુજરાત પોતાના સિંહોને જોખમમાં મુકવા માંગતું નથી. આ ઘટના અદાલતના દરવાજે પહોંચી અને એપ્રિલ 2013માં આખરે સુપ્રીમ કોર્ટે IUCNની ગાઈડલાઇન્સનો કડક અમલ કરીને સાવધાનીપૂર્વક સિંહોના સ્થળાંતરની પ્રક્રિયા શરુ કરવાનો આદેશ આપ્યો. આ માટે 2016માં એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો.
ગુજરાતમાં પણ સિંહોની હાલત બની છે કફોડી
ગુજરાતમાં 2010માં 411 સિંહો હતા. 2015માં તેમની સંખ્યામાં 27%નો ઉછાળો આવ્યો અને આંકડો 523 ઉપર પહોંચ્યો. ચિંતાજનક રીતે ગીર નેશનલ પાર્કમાં સિંહોની સંખ્યા ફક્ત 6% (337 થી 356) વધી છે જયારે બહારના ક્ષેત્રમાં સિંહોની સંખ્યા તોતિંગ 126%(74 થી 167) વધી છે. 2018ના કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસમાં જયારે 23 સિંહો મોતને ભેટ્યા ત્યારે મોટા પાયે અફ્સરોશ ફાટી નીકળ્યો. ઘટી રહેલા રહેઠાણ વિસ્તારના પગલે સાવજો શહેર વિસ્તારમાં લટાર મારતા જોવા મળે છે. જુલાઈ 2019માં વિજય રૂપાણીએ 350 કરોડના ખર્ચે સિંહોના સંરક્ષણ માટે યોજના અમલમાં મૂકી છે.
ગીરના જંગલમાં વિસ્તારના અભાવે સિંહો જંગલની બહારના ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યાં છે Image Source : Wikipedia
4 તબક્કામાં થશે પ્રક્રિયા
આ 4 તબક્કામાં સિંહોને ગીરના જંગલથી પકડવા, કુનોના જંગલમાં છુટા મુકવા, તેમનું અવલોકન કરવું, તેમની પર રિસર્ચ કરવું, તેમના જનીનોને તપાસવા વગેરેનો સમાવેશ થાય છે.
કેટલા સિંહોની સંખ્યા વસ્તી ટકાવી રાખવા જરૂરી છે?
મધ્ય પ્રદેશ વન વિભાગ જંગલી ઘાસ નિવારણ, અગ્નિશામક આયોજન, લીલા ઘાસના મેદાનો, પાણીના સ્ત્રોત વગેરેને વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જો શાકાહારી પ્રાણીઓની વસ્તીને વધારી શકાય તો જ સિંહો માટે શિકારની વ્યવસ્થા થઇ શકે.
હાલ કુનોમાં 40 સિંહો રાખી શકાય તેટલી ક્ષમતા છે. હાલની યોજના પ્રમાણે અને દેશમાં વાઘની વસ્તીના આંકડા જોતા એમ કહી શકાય કે 40 સિંહો થતા 15 વર્ષનો સમય થાય છે. સિંહોએ જો પોતે પોતાની વસ્તી ટકાવવી હોય તો તેમણે 80નો આંકડો સ્પર્શવો પડે. આ આંકડા સુધી પહોચતા 30 વર્ષનો સમય લાગી શકે છે.