ગુજરાત સરકાર માટે બિનસચિવાલયનો વિવાદ હજુ નીપટ્યો નથી અને LRDનો વિવાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં આવતી કાલે એક ઔર ભરતી અન્યાયનો અધ્યાય શરૂ થઈ રહ્યો છે ત્યારે એક પછી એક મોટી હસતીઓ આ આંદોલનના સમર્થનમાં આવી છે. પહેલા ગાયિકા ગીતા રબારી અને હવે કિર્તીદાન ગઢવીએ માલધારી સમાજની આવતી કાલની મહિલા મહારેલીમાં જોડાવવા લોકોને અપીલ કરી છે.
LRDની ભરતીમાં માલધારી સમાજને થયેલા અન્યાયની બાબતને લઈને આવતી કાલે 16મી ડિસેમ્બરના રોજ મહિલા મહારેલી યોજાવાની છે જેમાં જોડાવવા માટે કિર્તીદાન ગઢવીએ લોકોને અપીલ કરી છે એટલું જ નહીં પરંતુ સરકાર ન્યાય કરે તેવી પણ રજૂઆત કરી છે. આ પહેલા ગીતા રબારી પણ આ રેલીમાં જોડાવવા માટે લોકોને આહ્વાન આપી ચૂકી છે.
ગીતા રબારીએ લોકોને એક થવા કરી અપીલ
ગીતા રબારીએ LRDની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે 16 ડિસેમ્બરે મહિલા મહારેલીમાં જોડાવા પણ આહ્વાન કર્યું છે. સમાજને ન્યાય મળે તે માટે માલધારી સમાજને એક થવા ગીતા રબારીએ અપીલ કરી છે
ધારાસભ્યએ પણ પત્ર લખ્યો હતો
ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ સરકારને પત્ર લખ્યો છે. LRD પરીક્ષામાં માલધારી સમાજને અન્યાય મામલે તેમણે પત્ર લખ્યો છે. જેમાં તેમણે માલધારી સમાજને ન્યાય આપવાની માંગ કરી છે. જે ઇસમોએ ખોટી પ્રવૃતી કરી હોય તેના વિરૂદ્ધ તેમણે કાર્યવાહીની માંગ કરી છે.
અગાઉ રેલીમાં 5000 લોકો જોડાયા હતા
LRD ભરતી બાબતે રબારી સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. રબારી સમાજને અન્યાય થયા હોવાનો આક્ષેપ લગાવાય રહ્યો છે. થોડા દિવસો અગાઉ જૂનાગઢ જિલ્લા રબારી સમાજ દ્વારા રેલી યોજી હતી. 5 હજારથી વધુ સમાજના લોકો જોડાયા હતા. રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
શું છે વિવાદ
ગરીબ અને નેસડામાં વસતા રબારી સમાજ અને ગરીબ માલધારી સમાજના વિદ્યાર્થીને અન્યાય કરવામાં આવ્યો છે જે સર્ટિફિકેટ સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. આદિજાતિના તે આ LRDની ભરતીમાં અમાન્ય ગણવામાં આવ્યા જેને લઈ વિદ્યાર્થી આ ભરતીથી વંચિત રહ્યા છે. તો તાત્કાલિક સરકાર યોગ્ય ન્યાય આપે તેવી અમારી માંગણી છે. સરકારી ભરતીમાં વિદ્યાર્થી પાસ થઈ ગયા અને સર્ટિફિકેટ અમાન્ય ગણવામાં આવ્યા. આદિજાતિ અધિકારી અને નેતા દ્વારા આ અન્યાય કરવામાં આવ્યો છે. હજુ આ પ્રથમ ચીમકી છે હવે જો સરકાર યોગ્ય નહીં કરે હજુ રાજ્ય ભર સળગી ઉઠશે તેવું આંદોલન કરવામાં આવશે.