lpg price hike 105 rupees new rate from 1st march 2022
મોટો ઝટકો /
ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 1 માર્ચથી કિંમતમાં ફેરફાર
Team VTV09:22 AM, 01 Mar 22
| Updated: 09:25 AM, 01 Mar 22
આજે એટલે કે 1 માર્ચથી LPG ના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. આજે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે અને તે મુજબ આજથી જ LPG સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો થયો છે.
કોમર્શિયલ સિલિન્ડરમાં મસમોટો ભાવ વધારો
19 કિલોવાળો LPG હવેથી 105 રૂપિયા મોંઘો
ઘરેલું ગ્રાહકોને પણ વિધાનસભા ચૂંટણી બાદ લાગી શકે છે ઝટકો
જો કે, ઘરેલું બિન-ગ્રાહકો માટે કોઇ જ સમસ્યા નથી કારણ કે આ વધારો હાલમાં માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ કરવામાં આવ્યો છે. પરંતુ ઘરેલું ગ્રાહકો માટે પણ વિધાનસભા ચૂંટણી પછી આફત આવી શકે તેવાં એંધાણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, 7 માર્ચ બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ જશે.
આજથી કોમર્શિયલ સિલિન્ડર થઈ ગયા મોંઘા
જણાવી દઈએ કે, 6 ઓક્ટોબર 2021થી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો નથી કરવામાં આવ્યો. પરંતુ તે ન તો સસ્તો થયો છે અને ન તો મોંઘો થયો છે, જો કે, બીજી બાજુ ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $102 મોંઘી થઈ ગઇ છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.
ઓક્ટોબર 2021 થી 1 ફેબ્રુઆરી 2022 ની વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 1 ઓક્ટોબરે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736 રૂપિયા હતી. ત્યાર બાદ નવેમ્બરમાં તે 2000 થયો અને ડિસેમ્બરમાં 2101 રૂપિયા થઈ ગયો. પરંતુ ત્યાર બાદ જાન્યુઆરીમાં તે ફરીથી સસ્તો થયો અને ફેબ્રુઆરી 2022માં તે સસ્તું થઇને 1907 રૂપિયા થઈ ગયો છે.
19 કિલોવાળો LPG હવે 105 રૂપિયા થઇ ગયો મોંઘો
આજથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ હવેથી 19 કિલો LPG સિલિન્ડર દિલ્હીમાં 1907 રૂપિયાને બદલે 2012 રૂપિયામાં મળશે. તો બીજી બાજુ કોલકાતામાં હવે તેના 1987 ના બદલે 2095 રૂપિયા થઇ ગયા છે જ્યારે મુંબઇમાં તેની કિંમત હવે 1857 થી વધીને 1963 રૂપિયા થઇ ગઇ છે.
શું ઘરેલું સિલિન્ડર 100 થી 2000 રૂપિયા થશે મોંઘો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી માટે કેટલાંક મહિનાઓથી સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે અને આ રાહત ચૂંટણીને લઈને છે. પરંતુ હાલમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે અને તે પ્રતિ બેરલ 102 ડોલરને પાર કરી ગઈ છે. જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચૂંટણી બાદ એટલે કે 7 માર્ચ પછી ગમે ત્યારે ઘરેલુ ગેસના ભાવમાં વધારો થઈ શકે છે અને એક સમયે 100 થી 200 રૂપિયા સુધીનો વધારો પણ થઈ શકે છે.