એલપીજી સિલિન્ડરની બુકિંગ માટે મોટી સંખ્યામાં લોકો પેટીએમ એપનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ડિજિટલ ફાઈનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મે શુક્રવારે જણાવ્યું કે, એલપીજી બુકિંગની સુવિધા લોન્ચ કર્યાના એક વર્ષની અંદર 50 લાખથી વધુ લોકો બુકિંગ કરાવી ચૂક્યા છે. આ સાથે જ પેટીએમ હવે એલપીજી સિલિન્ડર બુકિંગ માટે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે.
એલપીજી સિલિન્ડરની બુકિંગ માટે પેટીએમ એપનો કરો ઉપયોગ
50 લાખથી વધુ લોકો બુકિંગ કરાવી ચૂક્યા છે
પેટીએમ હવે એલપીજી સિલિન્ડર બુકિંગ માટે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે
ગયા વર્ષે પેટીએમએ 'Book a Cylinder' સુવિધા લોન્ચ કરી હતી. આ માટે કંપનીએ પહેલાં એચપી ગેસ અને પછી ઈન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી હતી. આ વર્ષે મે મહિનામાં ભારત ગેસ સાથે ટાઈઅપની પણ જાહેરાત કરવામાં આવી છે. પેટીએમ દ્વારા અત્યંત સરળ અને સુવિધાજનક રીતે ગેસ બુકિંગ સુવિધાને કારણે મોટી સંખ્યામાં લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે.
આ રીતે કામ કરે છે આ પ્લેટફોર્મ
પેટીએમ એપ્લિકેશન દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવા માટે ગ્રાહકે 'Book a Cylinder' ટેબ પર જવું પડશે. આ ટેબમાં, તેઓએ પોતાના ગેસ પ્રોવાઈડર, એલપીજી આઈડી / મોબાઇલ નંબર / ગ્રાહક નંબર આપવો પડશે. આ પછી તેમણે પેમેન્ટ પણ કરવું પડશે. ત્યારબાદ નજીકની એજન્સી ગ્રાહકના ઘરે ગેસ સિલિન્ડર ડિલિવર કરી દે છે.
પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે કહ્યું કે, 'એલપીજી સિલિન્ડર એ દેશની સૌથી મોટી યુટિલિટી કેટેગરીમાંની એક છે. આમાં બધાં સામાજિક-આર્થિક વર્ગો અને ભૌગોલિક ક્ષેત્રોના લોકો આવે છે. તે ઉચ્ચ પ્રાથમિકતાની શ્રેણીમાં આવે છે. સાથે જ આવશ્યક સેવાઓનું ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવા માટેનું એક પ્રમુખ ડ્રાઇવ પણ છે. અમે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં 1 કરોડ બુકિંગની સંખ્યાને પાર કરવા તરફ કામ કરી રહ્યા છીએ.
પેટીએમ માટે યુટિલિટી બિલ પેમેન્ટ એ અગત્યનો ભાગ છે, જ્યાં કંપની ઘણી કેટેગરીમાં માર્કેટ લીડર તરીકે સામે આવી છે. આમાં વીજળી, પાઇપ્ડ ગેસ, પાણી વગેરે જેવા યૂટિલિટી બિલ સામેલ છે. હવે કંપની દેશભરમાં તેની સેવાઓની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે.