Lok Sabha winner BJP Four MLA Today give Resignation
રાજકારણ /
લોકસભામાં ચૂંટાયેલા ભાજપના આ ચાર ધારાસભ્યો આજે આપશે રાજીનામા
Team VTV09:25 AM, 06 Jun 19
| Updated: 12:10 PM, 06 Jun 19
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપ દ્વારા 4 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. તમામ ધારાસભ્યોની લોકસભાની ચૂંટણીમાં જીત થઈ છે. હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ, પરબત પટેલ અને ભરત ડાભી સાંસદ તરીકે ચૂંટાયા છે. સાંસદ તરીકે ચૂંટાતા આ ચારેય પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે.
ખેરાલુના ધારાસભ્ય ભરત ડાભીની પાટણના સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે થરાદના ધારાસભ્ય પરબત પટેલ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા છે. લુણાવાડા બેઠકના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પર સાંસદ ચૂંટાયા છે. જ્યારે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સાંસદ પદની શપથ લેતા પહેલા તમામ નેતાઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે એટલે ખાલી થનારી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. બાપુનગર, થરાદ, ખેરાલૂ અને લુણાવાડા વિધાસનભા બેઠક ખાલી થશે. જેથી અહીં પેટા ચૂંટણી યોજાશે.
ખેરાલુ બેઠક પર પેટા ચૂંટણીમાં ટિકિટ લેવા ભાજપના આગેવાનો લાઈનમાં:
ખેરાલુના ધારાસભ્ય ભરત ડાભી રાજીનામુ આપતા ખેરાલુ બેઠક ખાલી થશે. જેના કારણે ખેડાલુ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ખેરાલુ બેઠક પર પેટા ચૂંટણીમાં ટિકિટ લેવા માટે ભાજપના આગેવાનો લાઈનમા લાગ્યા છે. આ બેઠક પર ભરતસિંહ ડાભીના ભાઈને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. ભરતસિંહ ડાભીએ પક્ષ પાસેથી બાંહેધરી મેળવી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. રામસિંહ ડાભી અથવા કનકસિંહ ડાભીને ભાજપ ખેરાલુ બેઠક પર ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ પણ ટિકિટના દાવેદાર છે. ભાજપ દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તે આગામી દિવસોમાં જોવાનુ રહેશે.
થરાદથી શંકર ચૌધરીનું નામ ચર્ચામાં:
થરાદના ધારાસભ્ય પરબત પટેલ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા છે. જેથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા થરાદ બેઠક ખાલી થશે. જેના કારણે ચૂંટણી પંચ દ્વારા ખાલી બેઠક પર પેટાચૂંટણી કરવામાં આવશે. વિધાનસભાની પેટા ચૂંટણી લઈને થરાદમાં રાજકીય ગતિવિધીઓ શરૂ થઈ ચૂકી છે. ભાજપ તરફથી થરાદથી પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું નામ ચર્ચામાં ચાલી રહ્યુ છે. આ ઉપરાંત પરબત પટેલના મોટા પુત્ર શૈલેષ પટેલને ટિકિટ મળી શકે તેવી શક્યતા છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી માવજીભાઈ પટેલ અને ડી.ડી.રાજપૂતને ટિકિટ મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.