Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / 'મત'નાં નશામાં નેતાઓ ભૂલ્યાં ભાન! લોકશાહીનાં મૂલ્યો નેવે મૂકી લોકોની ધાર્મિક લાગણી સાથે ખિલવાડ

'મત'નાં નશામાં નેતાઓ ભૂલ્યાં ભાન! લોકશાહીનાં મૂલ્યો નેવે મૂકી લોકોની ધાર્મિક લાગણી સાથે ખિલવાડ

શું લોકસભા ચૂંટણીમાં આ વખતે ધર્મનાં નામે જ મત મળવાની એક માત્ર આશા બાકી રહી છે. સવાલ એટલાં માટે ઉભો થાય છે કે, હાલમાં ચૂંટણી પ્રચારમાં નેતાઓની એવી તસ્વીરો સામે આવવા લાગી છે કે જેમાં ઉમેદવારો ધર્મ અને શાસ્ત્રોનાં બહાને મતદાતાઓ પાસેથી વોટ ખંખેરવાની પેરવી કરી રહ્યાં છે. તો ક્યાંક વિકાસથી વંચિત રાખવાની આડકતરી ધમકી આપીને મત ખંખેરવાની પેરવી કરાઈ રહી છે.

લોકસભાની ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવારો ચાહે કોંગ્રેસનાં હોય કે ચાહે ભાજપનાં હોય મત અંકે કરવા એટલાં અધીરા બની ગયાં છે કે હવે વિનમ્રતા ભૂલીને રીતસર દાદાગીરી પર ઉતરી આવવા લાગ્યાં છે. થોડાં દિવસ પહેલા ભાજપનાં નેતા અને ઉન્નાવનાં સાંસદ એવા સાક્ષી મહારાજ એક જનસભામાં સંબોધન દરમિયાન પોતાનો સંયમ ખોઈ બેઠા. તેમણે કોપાયમાન ઋષિનો મિજાજ દાખવી કહ્યું, 'હું સન્યાસી છું. તમારા દરવાજે ભીખ માંગવા આવ્યો છું. જો તમે એક સંન્યાસીનો ઈન્કાર કર્યો તો તમારા પરિવારનું પુણ્ય હું લઈ લઈશ અને મારા પાપ તમને આપતો જઈશ. જે લોકો અમને વોટ નહીં આપે તેમને હું શ્રાપ આપીશ.'

તેમ કહીને લોકોની ધાર્મિક ભાવનામાં ડર પેદા કરીને મત મેળવવા આડકતરી રીતે ધમકી આપી હતી. તે પછી મેનકા ગાંધીએ પણ થોડાં દિવસ પહેલાં સુલતાનપુરમાં એક ચૂંટણી રેલીમાં મુસ્લીમ મતદાતાઓ અંગે એક નિવેદન કરીને વિવાદ ઊભો કર્યો હતો. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'હું એમ પણ જીતી જ રહી છું. પરંતુ આ જીત મુસ્લીમોનાં મત વગર મળશે તો મને સારું નહીં લાગે. જ્યારે તે લોકો મારી પાસે કામ લઈને આવશે ત્યારે હું વિચારીશ રહેવા દો આપણે ક્યાં મહાત્મા ગાંધીનાં છઠ્ઠા વંશજો છીએ.'

તેમનાં આ નિવેદન પછી ચૂંટણી પંચે તેમને નોટિસ પણ પાઠવી હતી પરંતુ એવું લાગે છે કે તે નોટિસની તેમનાં પર કોઈ જ અસર થઈ નથી. કેમ કે એ નોટિસ બાદ પણ મતદારો સામે વિવાદિત નિવેદન અંગે તેમનાં તેવર બદલાયાં નથી. ઉત્તરપ્રદેશનાં સુલતાનપુરથી બીજેપીનાં ઉમેદવાર મેનકા ગાંધીએ ફરી એક વાર વિવાદિત નિવેદનનાં કારણે ચર્ચામાં આવ્યાં છે.

આ વખતે તેમની જીભ પરથી મુસ્લીમ શબ્દ તો ન હતો પરંતુ તેમનો સંકેત સ્પષ્ટ હતો. પિલીભીતથી તેઓ પોતાનાં પુત્ર અને ભાજપનાં ઉમેદવાર એવાં વરુણ ગાંધીનાં સમર્થનમાં તેઓ રેલી કરી રહ્યાં હતાં. તેમણે ત્યાં ભાષણ દરમિયાન કહ્યું કે, જે વિસ્તારમાંથી જેટલાં મત મળશે એટલો જ વિકાસ થશે. મેનકા ગાંધીએ કહ્યું કે, તે વોટનાં આધારે જ એ વિસ્તારનું એ,બી,સી,ડીમાં વર્ગીકરણ કરશે. જે વિસ્તારમાં જેટલાં મતો મળ્યાં હશે તે પ્રમાણમાં જ તે વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.

ચૂંટણી પ્રચાર કરવા નીકળેલાં નેતાઓ પાસે પોતે કરેલા વિકાસ કાર્યો ગણાવવા જેવું કશું હોતું નથી. આથી નેતાઓ હવે તમામ પ્રકારનાં લોકશાહી મૂલ્યો ભૂલીને જનતાની ધાર્મિક લાગણી ઉશ્કેરી રહ્યાં છે. જ્યારે ધાર્મિક ઉશ્કેરણી કામે નથી લાગતી ત્યારે વિકાસ અને તકોથી વંચિત રાખી દેવાની ધમકી આપી રહ્યાં છે.

 
Election vote Lok Sabha Election 2019 religious

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ