Team VTV02:23 PM, 04 Feb 21
| Updated: 02:31 PM, 04 Feb 21
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને ભાજપમાં પરિવારજનો માટે ટિકિટની માંગણી કરવામાં આવી રહી છે.
હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇને પરિવારજનો માટે માગણી કરવામાં આવી રહી છે.
ત્યારે ગુજરાત ભાજપમાં ટિકિટ વિતરણ માટે ભાઇ-જાતીવાદ પર રોક લગાવાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ ટકોર કરતાં કહ્યું કે મારા રેશનકાર્ડમાં નરેન્દ્ર ભાઇનું નામ નથી.
અમારા પરિવારના દરેક સભ્ય પોતાની મહેનતથી કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. રાશન ડિલર એસોસિયેશનના રાષ્ટ્રીય પદાધિકારી પ્રહલાદ મોદીએ દીકરી સોનાલી મોદી માટે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી બોડકદેવ વોર્ડની દાવેદારી નોંધાવી હતી.
મારા રેશનકાર્ડમાં નરેન્દ્ર મોદીનું નામ નહીં
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી વધારેની ઉંમરની સાથે સગાવાદ-પરીવારવાદ નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ સંદર્ભને લઇને પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદીને પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પારિવારિક સંબંધને લઇને શું સોનાલીને ટિકિટ આપવી યોગ્ય છે.
જેના જવાબમાં પ્રહલાદ મોદીએ કહ્યું કે મારા પરિવારનો કોઇસભ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોના ઉપયોગ કરતો નથી. ભારત સરકાર પરિવારની પરિભાષા માટે રાશનકાર્ડને એક બુનિયાદી પ્રમાણ માન્ય ગણે છે તથા મારા રાશનકાર્ડમાં નરેન્દ્ર મોદીનું નામ નથી.
દેશનો દરેક ભાઇ બહેન તેમના પરિવારનો સભ્ય
નરેન્દ્ર ભાઇ બાળપણથી દેશને પોતાનો પરિવાર માનતાની સાથે ઘર છોડી દીધું હતું, જેને લઇને આજતી દેશનો દરેક ભાઇ-બહે તેમના પરિવારનો સભ્ય છે. જો ભાજપ મારી દિકરીને પરિવારનો સભ્ય માની ટિકિટ નથી આપતી તો દેશનો દરેક યુવાન કેવી રીતે ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે, કારણ કે નરેન્દ્ર મોદી તો બધાને પોતાના પરિવારનો સભ્ય માને છે.