ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ પણ મેદાનમાં આવ્યા છે.
ગુજરાતમાં ત્રીજો પક્ષ?
કોંગ્રેસ-ભાજપ સાથે AAP પણ મેદાને
અરવિંદ કેજરીવાલે કર્યુ ટ્વીટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના બ્યૂગલ વાગી ચૂક્યા છે. હવે મતદાન અને મતગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ સાથે AAP પણ મેદાનમાં ઉતર્યુ છે. દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના કર્તાહર્તા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ચૂંટણીઓને લઈને ટ્વીટ કર્યુ છે.
શું કર્યુ ટ્વીટ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ કે, એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને. આમ કહીને તેમણે ગુજરાતની જનતાને AAPને એક મોકો આપવા જણાવ્યું છે.
પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.
21 ફેબ્રુઆરીએ મતદાન
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જેથી મનપાના પરિણામો જાહેર થઈ જશે. જેની અસર પંચાયતોની ચૂંટણી પર થઈ શકે છે. 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 48 વોર્ડ અને 192 બેઠક
સીમાંકન બાદ અમદાવાદ મનપામાં હાલના 48 વોર્ડ અને 192 કોર્પોરેટરોની બેઠક યથાવત્ રહી છે. નવા ભળેલા બોપલ ઘુમા નગરપાલિકા અને ઔડાના વિસ્તારોનો હાલના વોર્ડમાં સમાવેશ કરાશે. તે જ રીતે અન્ય ચાર મહાનગરપાલિકામાં પણ આ જ સ્થિતિ રહેશે.
SMC 30 વોર્ડ અને 120 બેઠકો, મહિલાઓ માટે 60 બેઠક અનામત
નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. આમ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો થશે. મનપાની 120 બેઠકોમાંથી 3 બેઠક શિડ્યુલ કાસ્ટ અને તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.ચાર બેઠકો શિડ્યુલ ટ્રાઈબ માટે અનામત રાખવામાં આવી છે જેમાંથી બે બેઠક મહિલાઓ માટે રહેશે. 12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
VMCમાં ST અને SCની અનામત બેઠકોમાં ફેરફાર
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉના 19 વોર્ડ અને 76 બેઠક જ યથાવત રાખવામાં આવી છે. જોકે નવા સીમાંકન બાદ 40થી 50 હજાર મતદારોનો વધારો થશે. વડોદરા મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં અત્યારે 87 હજારની આસપાસ મતદારો છે. હાલ અનુસૂચિત જાતીની અનામત 5 બેઠકો છે. જેમાં 2 મહિલા અને 3 પુરૂષ માટે અનામત બેઠકો હતી. જોકે હવે નવા સિમાંકન પ્રમાણે 3 મહિલા અને 2 પુરૂષ માટે બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતી માટે 3 બેઠકો અનામત છે. જે પૈકી બે પુરૂષ માટે અને એક મહિલા માટે અનામત હતી. જોકે હવે નવા સીમાંકન બાદ 2 મહિલા અને 1 પુરૂષ માટે અનામત બેઠક જાહેર કરાઇ છે.
RMCમાં 18 વોર્ડ અને 72 બેઠકો યથાવત, 13 બેઠક અનામત
રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ પાંચ ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 72 કોર્પોરેટરો ચૂંટવાના રહેશે. જેમાં 36 બેઠકો મહિલા અનામત છે. કુલ 72 બેઠકો પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી 3 મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. 7 બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ 7માં 7 બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે. 1 બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે.
JMCમાં 16 વોર્ડ અને 64 બેઠક
જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે. 32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
ભાવનગર કોર્પોરેશનમાં 13 વોર્ડ અને 52 બેઠક
ભાવનગરમાં 13 વોર્ડ પર 52 બેઠક યથાવત છે. જેમાં 52 બેઠક પૈકી 3 SC માટે અને તેમા 2 SC મહિલાઓ માટે બેઠક રહેશે. 5 બેઠક પછાત વર્ગ માટે રહેશે. જેમાં 3 મહિલા માટે અનામત રહેશે. તેમજ 26 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
પોલીસનું જાહેરનામુ્ં
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસ પ્રશાસન સજ્જ થયું છે. 25 હજાર પોલીસ અને 15 હજાર 533 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. 287 સેકટર મોબાઈલ અને 136 QRTની ટીમ પેટ્રોલિંગ કરશે. EVM સ્ટ્રોંગરૂમ પર SRPના જવાનો તૈનાત રહેશે. મતદાન કેંદ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.