નશાનો ભોગ બનેલી એક 17 વર્ષીય સગીરાએ તેની માતાને આયેશાની જેમ આપઘાત કરવા માટેની ચીમકી આપી છે.
શહેરની યુવતી આયેશાએ વીડિયો બનાવીને કરેલા આપઘાતના ઘેરા પ્રત્યાઘાત ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. લોકોના મગજમાં પણ આ ઘટનાએ ઘર કરી લીધું છે. આયેશા બાદ જુહાપુરાના એક કોન્ટ્રાક્ટરે વીડિયો બનાવી આપઘાત કરી લીધો છે. ગઈકાલે નશાનો ભોગ બનેલી એક 17 વર્ષીય સગીરાએ તેની માતાને આયેશાની જેમ આપઘાત કરવા માટેની ચીમકી આપી છે.
પૂર્વ વિસ્તારની એક 17 વર્ષીય સગીરા એક યુવકના પ્રેમમાં પડી હતી. જે બાદ યુવકે તેને નશાની આદત બનાવી દીધી હતી. ચરસ-ગાંજાનો નશો કરતી સગીરાની હકિકત જ્યારે તેની માતાને ખબર પડી ત્યારે તેને તે યુવક સાથે બોલવાની ના પાડી દીધી હતી. નશાની આદતમાં સરેલી સગીરાને યુવક ભગાડીને લઇ ગયો હતો. જેમાં પોલીસે બંને જણાને ગણતરીના દિવસોમાં શોધી નાખ્યાં હતાં. પોલીસે યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.
હાલ યુવક જેલમાં છે અને તેને છોડાવવા માટે સગીરા તેની માતા પાસે જીદ કરી રહી છે.
ગઈકાલે સગીરાએ તેની માતાને ઇમોશનલ બ્લેકમેલ કરીને ધમકી આપી હતી કે, જો તું તેને જેલમાંથી નહીં છોડાવે તો હું આયેશાની જેમ વીડિયો બનાવી નદીમાં આપઘાત કરી મરી જઇશ. આયેશાના વીડિયો સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ થયો છે. તે પ્રમાણે હાલ લોકો આ પ્રકારનો વીડિયો બનાવી આપઘાત કરવા માટેની ધમકી આપી રહ્યા છે.