આ બિલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આજીવન કેદ અને મૃત્યુદંડની સજા નક્કી કરવામાં આવી છે
આફ્રિકન દેશ યુગાન્ડાની સંસદે મંગળવારે સમલૈંગિકતાને લઈ બિલ પસાર કર્યું
આ બિલ હેઠળ સમલૈંગિક ઓળખ જાહેર કરવાને અપરાધ જાહેર કરવામાં આવ્યો
આ બિલમાં ગંભીર સમલૈંગિકતાના કેસમાં મૃત્યુદંડની સજા આપવાની જોગવાઈ કરાઇ
આફ્રિકન દેશ યુગાન્ડાની સંસદે મંગળવારે એક બિલ પસાર કર્યું છે. વાત જાણે એમ છે કે, આ બિલ હેઠળ સમલૈંગિક ઓળખ જાહેર કરવાને અપરાધ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે આ બિલમાં ગંભીર સમલૈંગિકતાના કેસમાં મૃત્યુદંડની સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, 30થી વધુ આફ્રિકન દેશોમાં જેમાં યુગાન્ડા પણ સામેલ છે ત્યાં સમલૈંગિકતા પર પ્રતિબંધ છે.
શું કહે છે યુગાન્ડાનું નવું બિલ ?
આ બિલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આજીવન કેદ અને મૃત્યુદંડની સજા નક્કી કરવામાં આવી છે. જે લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો સાથે સમલૈંગિક સંબંધો બાંધવા અથવા એચઆઈવી સંક્રમિત હોવા છતાં સજાતીય સંબંધો બાંધવા માટે દોષિત ઠરે તો આવા લોકોને આ બિલમાં સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ સમલૈંગિક લગ્નના દોષિતોને આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હવે આ બિલને રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીને મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ મુસેવેની પણ સમલૈંગિક સંબંધોના વિરોધમાં રહ્યા છે. વર્ષ 2013માં પણ યુગાન્ડામાં સમલૈંગિક સંબંધો વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો હતો. જોકે પશ્ચિમી દેશોના વિરોધ અને સ્થાનિક અદાલત દ્વારા તેના પર સ્ટે મૂક્યા બાદ તેનો અમલ થઈ શક્યો નથી.
શું કહેવું છે લોકોનું ?
આ તરફ હવે ત્યાંના સ્થાનિક લોકોએ બિલ પર ખુશી વ્યક્ત કરી હતી. પૂર્વ આફ્રિકન દેશો રૂઢિચુસ્ત અને ધાર્મિક રીતે કટ્ટરપંથી ગણાય છે. સંસદસભ્ય ડેવિડ બહાતીએ કહ્યું કે, જો આ બિલ કાયદો બનશે તો ભગવાન પ્રસન્ન થશે અને આપણા દેશના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે, તે આપણા દેશની સાર્વભૌમત્વ સાથે સંબંધિત છે.