અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી રમણ પાટકરની હાજરીમાં જ અરવલ્લી ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ સામસામે આવી ગયા હતા અને પછી જે થયું
અરવલ્લી જિલ્લા ભાજપમાં વિખવાદ
જૂથબંધીથી પ્રભારી મંત્રી નારાજ
મંત્રી રમણ પાટકર બેઠક છોડીને ચાલી નિકળ્યા
વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા હાલ ગુજરાતમાં ભાજપ સરકાર મંત્રીઓને જિલ્લા પ્રમાણે પ્રભારી બનાવી, દરેકને જિલ્લાને મજબૂત કરવા મથી રહી છે પરંતું અરવલ્લી જિલ્લામાં નિમાયેલા પ્રભારી મંત્રી રમણ પાટકરની હાજરીમાં બે ભાજપના મોટા ગજાના નેતાઓ બાખડી પડ્યા હતા. ઝઘડનાર નેતાઓ બીજા કોઈ નહીં પણ ભાજપના જ છે, એક જિલ્લાઆ પંચાયતન પ્રમુખ છે તો બીજા ભાજપના શહેર પ્રમુખ છે. પ્રભારી મંત્રી રમણ પાટકર જોતા જ રહી ગયા તેમની સામેજ બન્ને આગેવાનોએ શાબ્દિક તડાફડી કરતાં મામલો વધુ ગંભીર બન્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ V/S જિલ્લા ભાજપ પ્રમુખ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલની નિમણૂક થતાંની સાથે જ ભાજપના નેતાઓ કે આગેવાનો બધા જ સીધી લીટીએ ચાલવા લાગ્યા છે. અને અગાઉ જોવા પણ મળ્યું છે કે શિસ્ત બાબતે ભાજપ કોઈ નેતાનું સાંખી લે તેમ નથી, પણ અરવલ્લી જિલ્લા ભાજપના નેતાઓને કોઈની પડી ન હોય તેમ વિધાનસભાની ચૂંટણી માટે નિમાયેલા પ્રભારી મંત્રી રમણ પાટકરની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. અને એક બીજા પર કામ બાબતે આરોપ પ્રત્યારોપ કરી જિલ્લામાં થયેલા કામોની પોલ ખોલી રહ્યા હતા.
કેમ ભાજપના બંને નેતાઓ બાખડ્યા?
જિલ્લા પંચાયત પ્રમુખ લાલાસિંહ ચૌહાણે ભાજપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે વિકાસ કામોમાં કમિશનનો આરોપ લગાવતા બંને નેતાઓ મંત્રીની હાજરીમાં સામસામે આવી ગયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ લાલાસિંહે, રાજેન્દ્ર પટેલને હોદ્દા પરથી દૂર કરવા રજૂઆત કરી હતી અને કમિશનનું કારણ આગળ ધર્યુ હતું. સાથે જ જિલ્લા ભાજપ મહામંત્રી હસમુખ પટેલ સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ રાજેન્દ્ર પટેલની મનમાની સામે જિલ્લા ભાજપના આગેવાનો નારાજ હોવાની વાત પણ મંત્રીના કાને નાખવામાં આવી હતી. આ તરફ શરદ પટેલ અને હસમુખ પટેલના પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે જેમાં વિકાસના કામોમાં 10 ટકા કમિશન લેતા હોવાના આરોપ લગાવામાં આવ્યો છે.
જૂથબંધીથી પ્રભારી મંત્રી રમણ પાટકર નારાજ
મંત્રીની હાજર હોવા છતાં બંને નેતાઓ જાહેરમાં બોલાચાલી કરતાં રમણ પાટકર બેઠક છોડીને ચાલી નિકળ્યા હતા. અરવલ્લી જિલ્લા ભાજપમાં ચાલતી જૂથબંધીથી પ્રભારી મંત્રી નારાજ હોવાની વાત પણ થઈ રહી છે ત્યારે સમગ્ર ઘટનાની નોંધ ભાજપનું મોવડી મંડળ લઈ શકે છે. અને બંને નેતાઓ સામે સંગઠન શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવા પણ એંધાણ લાગી રહ્યા છે. આવનાર ચુંટણી પહેલા અરવલ્લી જિલ્લા ભાજપમાં થયેલો આ ભડકો વિપક્ષ માટે વિકાસના કામમાં કમિશન લેવાનો મુદ્દો બની શકે છે.
શું શિક્ષાત્મક પગલાં લેવાશે?
પેરાસુટ ઉમેદવારોની ભરતી હોય કે મહત્વના હોદ્દાઓની વહેંચણીમાં ખેંચતાણ, ભાજપનો આંતરીક ડખો એક બાદ એક જિલ્લામાં સામે આવી રહ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રભારીનીમી અંદારખાને ડખાને ડામવાના પ્રયાસ થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પણ અરવલ્લીની આ ઘટનાએ ભાજપની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. જેનો હિસાબ આગળના સમયમાં થઈ શેક છે.