રાજકોટ /
VIDEO: સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટઃ આ જગ્યા પર 60 હજાર વૃક્ષોથી બનાવાયું 'રામવન', ભગવાન રામની જીવન યાત્રા
Team VTV05:45 PM, 17 Aug 22
| Updated: 05:46 PM, 17 Aug 22
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટમાં રામવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
રામવનનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
મનપાના પદાધિકારીઓ રહ્યાં ઉપસ્થિત
તહેવારોમાં રામવનમાં નિઃશૂલ્ક પ્રવેશ અપાશે
પ્રવાસન માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને એક નવા નજરાણાની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે જેમાં આજે રાજકોટના ભાગોળે 47 એકર જગ્યામાં નિર્માણ પામેલા રામવનનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરાયું છે. આ પ્રસંગે પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત રાજકોટ ભાજપના નેતાઑ તેમજ મનપા અધિકારીઑ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મહત્તવનું છે કે જન્માષ્ટમી નિમિતે રામવનમાં નિઃશૂલ્ક પ્રવેશ અપવામાં આવશે. રામવનની વિશેષતા પર વાત કરીએ તો અહિં 30 ફૂટની ભગવાન શ્રી રામની પ્રતિમા તેમજ શ્રી રામની ચરણ પાદુકા આ ઉપરાંત હનુમાનજીની 25 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. અહિં રૂ.13 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે અને રૂ.1.61 કરોડના ખર્ચે ભગવાન શ્રી રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. તેમજ 55 પ્રજાતિના 60000 જેટલા વૃક્ષ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે રાજકોટ ખાતે ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોની ઝાંખી કરાવતા ‘રામ વન’નું લોકાર્પણ. https://t.co/5eBNtACLrQ
રામ વનમાં શું છે ખાસ ?
રામવનની વિશેષતાની વાત કરીએ તો અહીં તીર આકારનો વિશાળ મુખ્ય ગેટ બનાવાયો છે. આ ઉપરાંત રામાયણના પ્રસંગો જેવા કે વનવાસ, ચાખડી, સંજીવની પહાડ, રામ રાજયાભિષેક સહિતના સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની જીવંત લાગે તેવી મોટી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જુદા જુદા પ્રકારના સ્કલ્પચર સાથે પાથ-વે અને લાકડાના પુલ પણ બન્યા છે.
કુદરતની નજીક હોવાનો થશે અનુભવ
કુલ 1.92 લાખ ચો.મી. જગ્યામાં 3.4 કિલોમીટરના વિશાળ રસ્તા બનાવાયા છે. 2450 મીટરની કમ્પાઉન્ડ વોલ અંદર બે મોટા તળાવ છે. કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. રામસેતુ ઉપરાંત પ્લે ગ્રાઉન્ડ, એમ્ફી થિયેટર, રાશિવન, સોલાર લાઇટ વગેરે સાથે પિકનિક પોઇન્ટ અને ધાર્મિક અનુભૂતિનો અનુભવ કરાવતી આ વિશેષ જગ્યા છે.
રામવનમાં આકર્ષણનું કેન્દ્ર શું ?
47 એકરમાં રામવનનું નિર્માણ થયુ છે.
13.77 કરોડના ખર્ચે રામવનનું નિર્માણ કરવામાં આવ્યું
ભગવાન રામના જીવન પર જુદી જુદી પ્રતિકૃતિઓ રૂ.1.61 કરોડના ખર્ચે
80 હજાર પ્રજાતિના વિવિધ વૃક્ષો
25 જેટલા બ્લોકમાં કરાયુ છે પ્લાન્ટેશન
2 બ્લોકમાં મીયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન
30 ફૂટની ભગવાન શ્રીરામની પ્રતિમા
ભગવાન શ્રીરામની ચરણ પાદુકા
હનુમાનજીની 25 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર
રાશિવન જેમાં મુલાકાતીની રાશિ મુજબ ક્યું વૃક્ષ વાવેતર કરવું તેની માહિતી
ધનુષ્ય અને બાણ આકાર સાથેનો વિશાળ પ્રવેશદ્વાર
120 આર્ટિસ્ટિક બેન્ચ જેમાં લોકો બેસી પ્રકૃતિની મજા માણી શકે
અન્ય વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રામ વન અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થયું છે. આ ઉપરાંત 80 ફૂટ રોડ ખાતે રૂ.11.63 કરોડના ખર્ચે 15200 ચો.મી.માં ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું HT વીજ કનેક્શન, 2500 વોટનું ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વગેરે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ મેળો પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકાયો છે.