બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ગુજરાતની એવી જગ્યા જ્યાં સ્નાન કરતા થાય છે ચર્મરોગનું નિવારણ, ઈતિહાસ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલો
Last Updated: 06:02 AM, 3 December 2024
લુણી નદી કિનારે આવેલું એક ગામ જે ત્રણ વાર વસ્યુ છે. પહેલા લુણપુર, પછી લેરપુર અને ત્રીજી વાર લસુન્દ્રા. હાલ જ્યાં લસુન્દ્રા ગામ છે તે સ્થળ એક સમયે હેડંબા વન હતુ. માતા સીતાની શોધ કરતા કરતા ભગવાન શ્રીરામ આ સ્થળે ભાઈ લક્ષ્મણ સાથે આવ્યા હતા. અને તે સમયે સરભણ ઋષિના ચર્મરોગનું નિવારણ કરવા ઠંડા ગરમ પાણીની ધારા ઉત્પન્ન કરી હતી. હાલમાં તે ધારા કુંડ સ્વરૂપે છે. અહિં આવતા દર્શનાર્થીઓ ઠંડા ગરમ પાણીના કુંડમાં સ્નાન કરીને રોગ મુક્ત થાય છે. અમદાવાદ ઈન્દોર હાઈવે પર અમદાવાદથી 60 કિલોમીટરના અંતરે લસુન્દ્રા ગામ આવેલુ છે. લગભગ આઠ હજાર ગ્રામવાસીઓ વાળુ આ ગામ રોચક ઈતિહાસ ધરાવે છે. આ ગામનો ઈતિહાસ ભગવાન શ્રીરામ સાથે જોડાયેલો છે. ભગવાન શ્રીરામે તે સમયે એક ઋષિનો રોગ મટાડવા જે ધારા પ્રગટ કરી હતી તે ધારા હાલ કુંડ સ્વરુપે છે અને અહિં આવતા દરેક દર્શનાર્થી સાચી શ્રદ્ધા અને આસ્થાથી તે કુંડના પાણીથી સ્નાન કરી પોતાના રોગનું નિવારણ કરે છે.
ADVERTISEMENT
લસુન્દ્રા ગામે બિરાજમાન ભગવાન શ્રી રામ
ADVERTISEMENT
લસુન્દ્રા ગામમાં આવેલા કુંડની બાજુમાં સુંદર રામજી મંદિર આવેલુ છે આ મંદિરમાં શ્રીરામજી લક્ષ્મણજી અને તેમની વચ્ચે ગરુડ પર લક્ષ્મીનારાયણ બિરાજમાન છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તે સમગ્ર દેશનું એક જ એવુ મંદિર છે, જ્યાં ભગવાન રામ સાથે માતા સીતા બિરાજમાન નથી. હાલ મંદિરમાં બિરાજમાન રામ લક્ષ્મણની મુર્તિઓ પહેલા એક ખંડેરમાં અપૂજ હતી. વર્ષો પહેલા ગ્રામવાસીઓએ તેને બ્રાહ્મણ પાસે એક ટેકરી પર બિરાજમાન કરાવી અને પતરાનું નાનું મંદિર બનાવી પૂજન અર્ચન ચાલુ કર્યા હતા. અને વર્ષો બાદ એટલે આજથી ત્રીસ વર્ષ પહેલા ગામલોકોના સહયોગથી સુંદર મંદિરનું નિર્માણ કરી મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વાલ્મિકી રામાયણના પ્રમાણે, જ્યારે પંચવટીમાંથી માતા સીતાનું હરણ થયુ ત્યારે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ તેમને શોધતા શોધતા આ સ્થળ એટલે કે હાલ લસુન્દ્રા ગામ છે ત્યાં આવ્યા હતા અને તે સમયે આ વિસ્તાર હેડંબા વનથી ઓળખાતો હતો. આ સ્થળે સરભણ ઋષિનો આશ્રમ હતો. કોઢથી પીડીત સરભણ ઋષિ શ્રીરામ અને લક્ષ્મણને જોઈને પામી ગયા હતા અને પોતાને કોઢના રોગથી મુક્ત કરવા વિનંતિ કરી કહ્યુ હતુ કે ભગવાન એવું કોઈ પાણી કાઢો કે જેનાથી મારો આ રોગ મટી જાય અને બીજા લોકોને પણ તેનો લાભ મળે. ઋષિની વાત સાંભળી સુર્યવંશી શ્રીરામે સુર્યદેવનો મંત્રોચ્ચાર કરી જમીનમાં બાણ મારી 125 ઠંડી અને ગરમ ધારા પ્રગટ કરી હતી. અને તે ધારામાં સરભણ ઋષિએ સ્નાન કરતા તેમના રોગનું નિવારણ થયું હતું.
સીતાજી શોધ કરતા ભગવાન આવ્યા હતા આ સ્થળે
રામ અવતારમાં ભગવાન શ્રીરામે સીતાહરણ બાદ શું લીલા કરી હતી તેવા લક્ષ્મીજીના પ્રશ્રના જવાબમાં શ્રી નારાયણે કહ્યુ હતુ કે તેમણે સરભણ ઋષિ માટે ઠંડા ગરમ પાણીના કુંડ બનાવ્યા હતા અને ત્યાં જ અંતરધ્યાન થયા હતા. એટલે જ રામજી મંદિરમાં રામ અને લક્ષ્મણ વચ્ચે ગરુડ પર લક્ષ્મી નારાયણને બિરાજમાન કરવામાં આવ્યા છે. લસુન્દ્રા ગામની ટેકરી પર આવેલા રામજી મંદિરમાં બિરાજમાન શ્રીરામ લક્ષ્મણની મુર્તિ અલૌકિક છે. સુંદર શણગાર કરેલી મુર્તિના દર્શન કરીએ ત્યારે જાણે ભગવાન સાક્ષાત આપણી સમક્ષ હોવાની અનુભૂતિ થાય છે. શ્રી રામ બિરાજમાન હોય ત્યાં રામભક્ત હનુમાનજી ના હોય તેવુ તો બની જ ના શકે આ મંદિરમાં હનુમાનજી સંજીવની પર્વત લઈને આવ્યા હતા તે પર્વત સાથેની મુદ્રામાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રીસ વર્ષ પહેલા જ્યારે નવુ રામજી મંદિર બનાવવામાં આવ્યુ અને મુર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે જે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો તે હાલ પણ અખંડ પ્રજવ્વલિત છે. ભગવાનના દરેક અવતારને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિ જાણે સ્વયં આપણી સામે સાક્ષાત હોય તેવી અનુભૂતિ કરાવે છે. લસુન્દ્રાના રામજી મંદિરે આવેલા ગરમ ઠંડા પાણીના કુંડમાંથી દેશવિદેશથી લોકો પાણી લેવા આવે છે અને શરીરના જે ભાગે તેમને ચામડીનો રોગ થયો હોય ત્યાં આ પાણીની માલીશ કરે છે અને નાહવાના પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરી રોગમુક્ત થાય છે. મંદિરે આવતા ચર્મરોગથી પીડાતા ભાવિકો સાચી શ્રદ્ધા અને વિશ્ર્વાસ સાથે પાંચ રવિવાર કુંડમાં સ્નાન કરી ભગવાન શ્રીરામના દર્શન કરે છે તો તેમને તે રોગમાંથી મુક્તિ મળવાની માન્યતા છે. અને તેના ઘણા પ્રમાણ પણ છે.
આ પણ વાંચો: મેશ્વો નદીના કિનારે દીવામાંથી સ્વયંભૂ પ્રગટ થયા મા વહાણવટી, ભક્તોની પૂર્ણ કરે છે તમામ મનોકામના
કુંડના પાણીથી સ્નાન કરતા થાય છે ચર્મરોગનું નિવારણ
દર પૂનમના દિવસે મંદિરે મેળો ભરાય છે. મેળામાં હજ્જારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે. વર્ષોથી ભરાતા આ મેળામાં અસંખ્ય ભાવિકો કુંડમાં સ્નાન કરે છે. આ કુંડમાં ક્યારેય પાણી ખુટ્યુ નથી. જ્યારે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો અને ગામલોકો માટે પીવાના પાણીના ટેન્કર લાવવામાં આવતા હતા ત્યારે પણ કુંડના પાણીમાં કોઈ ઓછપ આવી નહોતી. અને આ સત્ય સદીઓથી ચાલતુ આવ્યુ છે. ગ્રામવાસીઓ કુંડમાં દર બે ત્રણ દિવસે સ્નાન કરવા આવે છે અને રોજ બે હજારથી વધારે દર્શનાર્થીઓ કુંડમાં સ્નાન કરી સકારાત્મક ઉર્જા મેળવી ધન્ય થાય છે. અંબાજી, પાવાગઢ, ફાગવેલ અને ડાકોર પગપાળા જતા દરેક સંધ અહિં રોકાઈ રામજી મંદિરે દર્શન અને કુંડમાં સ્નાન કરી તેમનો થાક દૂર કરી નવી શક્તિના સંચાર સાથે આગળની યાત્રા કરે છે. સ્વામીનારાયાણ ભગવાન પણ આ કુંડમાં સ્નાન કરવા આવેલા અને રામજી મંદિરની બાજુમાં આવેલા સોમનાથ મંદિરમાં રાતવાસો કર્યો હતો. એટલે સ્વામિનારાયણ ભગવાનના પગલા પણ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે. લસુન્દ્રા ગામના લોકો નિયમિત રામજી મંદિરે સવાર સાંજ આરતીમા જોડાઈ અને ભગવાનના દર્શન કરી પરિસરમાં બેસી શાંતિનો અહેસાસ કરે છે. મંદિરે જન્માષ્ટમી, રામનવમી, દિવાળી અને મંદિરની પ્રતિષ્ઠાના પાટોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીમાં ભગવાન પર અભિષેક અને મહાપૂજા કરવા લસુન્દ્રા ગામના દરેક લોકો હર્ષોલ્લાસ સાથે જોડાય છે. ઉજવણીના દિવસે મોટો ભંડારો કરવામાં આવે છે જેનો લાભ લસુન્દ્રા ગામના લોકો અને તેની આજુબાજુના ગ્રામવાસીઓ લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT