યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયો લેસર શો, શક્તિપીઠના ઉદય...

By : hiren joshi 05:13 PM, 12 October 2018 | Updated : 05:13 PM, 12 October 2018
પંચમહાલઃ પ્રથમ વખત લેસર શોની શરૂઆત આજથી યાત્રાધામ પાવાગઢ ખાતે કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન આ લેસર શોમાં પાવાગઢ ખાતે ચાંપાનેરના ઇતિહાસને લેસર શો મારફતે દર્શનાર્થીઓને બતાવવામાં આવશે. 

૫૧ શક્તિપીઠો માંનું એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલું છે, હાલ આસો નવરાત્રી ચાલી રહી છે. ત્યારે પાવાગઢ ખાતે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે યાત્રાધામ પાવાગઢના પ્રવાસનને પણ વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા માતબર રકમ પાવાગઢના વિકાસ માટે ફાળવી છે. 

પર્યટકો પણ આકર્ષાય તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આવો જ એક પ્રયત્ન રાજ્ય સરકાર તથા પાવાગઢ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પાવાગઢ ખાતે જિલ્લાનો સર્વ પ્રથમ લેઝર શો શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા આજે શક્તિપીઠ પાવાગઢ પર આ શોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાવાગઢ ખાતે શરૂ કરવામાં આવેલો આ લેસર શો નવરાત્રિના નવ દિવસ સુધી ચાલશે. પાવાગઢ ખાતે શરૂ કરવામાં આવેલા આ લેસર શોમાં પાવાગઢનો ઇતિહાસ, શક્તિપીઠનો ઉદય, ચાંપાનેરનો ઇતિહાસ અને વિશ્વામિત્રી નદીનો ઉદભવ જેવી માહિતી આપતા જેવા વિવિધ આકર્ષક લેસર શો બતાવવામાં આવશે. 

કાંકરિયા ખાતે આવેલા લેસર શો જેવો જ આ અદભૂત લેસર શો પાવાગઢ ખાતે દર્શનાર્થીઓને વિનામૂલ્યે જોવા મળશે. પાવાગઢ ખાતે આવેલા દુધિયા તળાવ પાસેથી તેનું સંચાલન કરવામાં આવશે. માતાજીના નિજ મંદિરના પર્વત પર આ લેસર શોનું આલેખન કરવામાં આવશે. આસોના બીજા નોરતે શરૂ કરવામાં આવેલા આ લેસર શોને પર્યટકો નવરાત્રી સુધી માણી શકશે.

હાલ નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ત્યારે પાવાગઢ ખાતે આજથી લેસર શોની શરૂઆત કરવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્ર, પાવાગઢ ગ્રામ પંચાયત અને પાવાગઢ ટ્રસ્ટ દ્વારા આ લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પાવાગઢના વિકાસ માટે યોજના અમલમાં મૂકી છે જે પૈકી આ લેસર શોની શરૂઆત કરવામાં આવી છે.Recent Story

Popular Story