દેશના સુપ્રીમ કોર્ટની 3 જજોની બનેલી એક બેન્ચે 2014માં અને 3 જજોની બીજી બેન્ચે 2018માં આપેલા ચુકાદા એકબીજા સાથે વિરોધાભાસી થઇ રહ્યા હતા. આ ગૂંચવાડાનું નિરાકરણ લાવવા માટે ચીફ જસ્ટિસ દ્વારા 2018માં 5 જજોની એક બેંચ બનાવીને તેનું નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો હતો. આ બેંચ આવતી કાલે કાર્યવાહી હાથ ધરશે. તો એ જાણવું જરૂરી છે કે જમીન સંપાદનને લગતા કાયદાના આ બે ચુકાદા કયા હતા અને આખરે આ ગૂંચ કાલે ઉકેલાશે કે નહીં.
શું કેસ હતો?
2014માં કોંગ્રેસની સરકારે નવો જમીન સંપાદન કાયદો પસાર કર્યો જેના સેક્શન 24(2) મુજબ જુના કાયદા મુજબ હસ્તગત કરેલી જમીનનો હવાલો જો 5 વર્ષ સુધીમાં લઇ લેવામાં ન આવ્યો હોય અથવા જમીનના માલિકોના ખાતામાં વળતર ન ચૂકવવામાં આવ્યું હોય તો તે કિસ્સામાં જમીનને હસ્તગત કરવી અમાન્ય ગણાશે.
થોડા જ મહિનાઓમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં આ મુદ્દે ઘણાં બધા કેસ દાખલ થયા. મોટા ભાગના કેસોમાં અદાલતે જમીન માલિકોના પક્ષમાં ચુકાદો આપ્યો.
ફેબ્રુઆરી 2018માં અરુણ મિશ્રાના વડપણ હેઠળ ચાલી રહેલા એક કેસમાં અરુણ મિશ્રાની 3 જજોની બેન્ચે ચુકાદો આપ્યો કે જો જમીન માલિકોને વળતર આપવામાં આવશે અને તેઓ વળતર નહિ સ્વીકારે તો આ જમીનો જમીન માલિકોને પાછી આપવામાં આવશે નહિ.
આ ચુકાદો 2014ના એક સુપ્રીમ કોર્ટના 3 જજોની બૅંચના ચુકાદા સાથે વિરોધાભાસી થઇ રહ્યો હતો જે ચુકાદાએ જમીન માલિકોની તરફેણ કરી હતી.
કેમ પાંચ જજોની બૅંચ બનાવવાની જરૂર પડી?
2018ની અરુણ મિશ્રાની બેંચને 2014ની બેંચના આ ચુકાદાની જાણ હતી. પરંતુ તેમણે એવું જણાવ્યું કે 2014ની બેન્ચે આ ચુકાદો "પર ઇન્ક્યુરીયમ" (per inqurium) પ્રકારનો આપ્યો હતો. per inqurium એટલે જેમાં અગાઉ અપાયેલા કોર્ટના ચુકાદામાં કાયદાકીય ઉપણ જણાતી હોય.
આ ગૂંચવાડાને ઉકેલવા માટે હજુ એક બેંચ 3 જજોની બેંચ બનાવવામાં આવી. આ બેંચમાં જસ્ટિસ મદન લોકર અને જસ્ટિસ જોસેફનો પણ સમાવેશ થતો હતો જે બંને જસ્ટિસ 2014ની બેંચના પણ સભ્યો હતા. જસ્ટિસ જોસેફે અરુણ મિશ્રાની બેંચના ચુકાદાની ટીકા કરતા જણાવ્યું હતું કે ૩ જસ્ટિસની બનેલી બેંચના ચુકાદાને "પર ઇન્ક્યુરીયમ" (per inqurium) ઠેરવી દેવો એ ખોટી વાત છે.
૩ જસ્ટિસની બનેલી એક બેંચ ૩ જસ્ટિસની બનેલી બીજી બેંચના ચુકાદાને ફેરબદલ કરી શકતી નથી. તે આ ચુકાદાને રીવ્યુ માટે બીજી મોટી સંખ્યાની બેંચને મોકલી શકે છે પરંતુ તે ચુકાદો ગેરમાન્ય ઠેરવી શકતી નથી. આ કારણથી ફાઈનલ ચુકાદો હવે ૫ જસ્ટિસની બેંચ વડે આપવામાં આવશે.
આ તમામ ગૂંચવાડો જયારે ફેબ્રુઆરી 2018માં ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો ત્યારે તેમણે આ મુદ્દાને ૫ જજોની બેંચ બનાવીને ઉકેલવાનો આદેશ આપ્યો.
પાંચ જજોની આ બેંચ જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળ આવતીકાલે ગોઠવાશે. અહી નોંધનીય છે કે જસ્ટિસ અરુણ મિશ્રાએ આ મુદ્દે આ પહેલા આગળ ઉલ્લેખ કર્યો તે મુજબ જમીન માલિકોની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે.