કચ્છમાં બની રહેલો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિવાદમાં આવ્યો છે.
કચ્છમાં બની રહેલા રિન્યૂએબલ એનર્જી પાર્કમાં નિયમો કોરાણે મુકાયા છે તેવી ફરિયાદો ઉઠી છે. આ પાર્કમાં પ્રતિ મેગાવોટ ઉર્જા ઉત્પાદન કરવા માટે 2 લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ ફરજિયાત જમા કરાવવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે આ નિયમ બન્યો તે પહેલા જ આ ડિપોઝિટના નાણાં જમા થઇ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
આમ નિયમો જાહેર થયા અગાઉ ડેવલપરોએ નાણાં ભર્યાં હોવાથી અન્ય સોલર અને વિન્ડ પાવર કંપનીઓનો પ્રશ્ન ઉઠ્યા છે. કંપનીઓએ સિક્યોરિટી ડિપોઝિટ બેન્કમાં જમા કરાવવી ફરજિયાત હતી જેમાં પસંદગીની કંપનીઓએ પહેલા જ ભર્યાં નાણાં હોવાના અહેવાલ સામે આવ્યા છે.
શું છે આ પાર્ક?
વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બનવા જઈ રહ્યો છે. અહીં 50,000 હેક્ટર જેટલી જમીન 40 વર્ષ માટે ભાડે આપવામાં આવી રહી છે. આ પાર્કની 28000 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન ક્ષમતા હશે જેમાં સોલર અને વિન્ડ પાવર જનરેશન થશે. ડેવલપરોએ ત્રણ વર્ષમાં 50% અને પાંચ વર્ષમાં 100% ક્ષમતા સ્થાપવાની રહેશે.
પ્રતિકાત્મક તસ્વીર
શું છે વિવાદ?
25 જાન્યુઆરી 2019ના દિવસે જયારે આ પાર્ક માટે લેન્ડ એલોટમેન્ટ પોલિસી જાહેર થઈ હતી તેમાં ક્યાંય રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની વાત નહોતી. 14 સપ્ટેમ્બર 2020ના રોજ નીતિમાં સુધારો કરીને રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ ઉમેરાયો.
જોકે આશ્ચર્યની વાત એ છે કે કેટલીક કંપનીઓએ આ નિયમ ઉમેરાયો અગાઉ જ આ ડિપોઝિટ ભરી દીધી હતી. આ મુદ્દે સોલર પાવર ફેસીલીટેશન કંપનીએ મૌન જાળવ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીફ પ્રોજેક્ટ ઓફિસર રાજુ મિસ્ત્રીએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે અને આ મુદ્દે મંત્રી સાથે વાત કરવા જણાવ્યું છે. MD એસ બી ખ્યાલીયાએ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અહીં સોલાર કંપનીઓ GPSL ઉપર શંકાની સોય તાકી રહી છે.
પાર્કમાં કઈ કંપનીઓ કેટલું વીજ ઉત્પાદન કરશે?
અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) 10,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. તેમાં 8,000 મેગાવોટ સોલર અને 2,000 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન થશે. આ માટે અદાણી જૂથ રુ. 30,000 કરોડ રોકાણ કરવા જઈ રહી છે. અદાણી જૂથને 20,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને પણ 20,000 હેક્ટર જમીન ફાળવણી કરવામાં આવી છે.