કચ્છ /
અંજારમાં એક પોલીસ કર્મચારીની કુહાડીના ઘા મારીને હત્યા કરતા ચકચાર મચી
Team VTV09:51 AM, 26 Nov 20
| Updated: 10:41 AM, 26 Nov 20
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કચ્છમાંથી જૂની અદાવતને નજરમાં રાખી અંજારમાં એક પોલીસ કર્મચારીની માથામાં અને પગમાં કુહાડીના ઘા મારીને હત્યા કરવામાં આવતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
કચ્છના અંજારમાં એક પોલીસ કર્મચારીની કરાઇ હત્યા
માથા અને પગમાં કુહાડીના ઘા મારી કરાઇ હત્યા
વિજયનગર પાસે જૂની કોર્ટ નજીક બની ઘટના
કચ્છના અંજારમાં વિજયનગર પાસે જૂની કોર્ટ નજીક એક પોલીસ કર્મીની હત્યા કરવામાં આવી છે. પોલીસકર્મીના માથામાં અને પગમાં કુહાડીના ઘા મારી હત્યા કરતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
મૃતક વિજય ચૌહાણ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અંજારના સુનીલ ઉર્ફે મુન્નાએ ચાર દિવસ જૂની અદાવત રાખી કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીલ બગીચામાં જાહેરમાં થુંકવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે આવી નજીવી બાબતે હત્યા કરી દેતા પોલીસ બેડામાં દોડધામ મચી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.