બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / બાળપણમાં પેઈન્ટરે મેણું મારી બ્રશ પકડવાની ના પાડી, આજે લંડનમાં વેચાય છે કચ્છની આ દિકરીના પેઈન્ટિંગ, લગાન ફિલ્મમાં કરી ચૂક્યા છે કામ
Nidhi Panchal
Last Updated: 08:48 AM, 24 December 2024
ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' કદાચ તમે જોઈ હશે, આ ફિલ્મની વાર્તા એ એવી મહિલા વિશે છે, જે પોતાની અંદરની કલા લાંબા સમય સુધી બહાર નથી લાવી અને તેના જીવનમાં એક એવી ઘટના બની જે બાદ તે પોતાની કલા લોકો સુધી પહોંચાડે છે અને લોકલથી ગ્લોબલ સુધી પ્રખ્યાત થઈ જાય છે. જો કે, આ ફિલ્મમાં મહિલાની ભરતકામની કલા હોય છે. તે પોતાના હાથથી ભરતકામ કરેલા કપડા બનાવીને વેચે છે. આ ફિલ્મ જેવી જ ઘટના રિયલ લાઈફમાં પણ બની છે. કચ્છની જ એક એવી મહિલા જેમણે પોતાના વારસામાં મળેલી કલાને પોતાના આંગળીના ટેળવે નવી દિશા આપી, એટલું જ નહીં, આજે પોતાની કલાને સાત સમુદ્ર પાર પહોંચાડી.
ADVERTISEMENT
ગુજરાતનો છેવાડાનો અને સૌથી મોટો જિલ્લો કચ્છ, જેનું મુખ્ય મથક છે ભૂજ. આ ભૂજના કોટાય ગામમાં એક બહેન છે, જેઓ પોતાના ઘરના આંગણે બેસીને ભરતકામ કર્યા કરે છે. પહેલી નજરે જુઓ તો સામાન્ય ગૃહિણી લાગે, જે રોજિંદી પ્રવૃત્તિના ભાગરૂપે ભરતકામ કરે છે. પણ થોડીવાર તેમની સાથે બેસો, તેમને જાણો તો ખબર પડે કે આ સીધી સાદી દેખાતી મહિલા ખરેખર તો સેલિબ્રિટી છે. નામ છે એમનું ધર્મિલાબેન આહિર. કચ્છ પોતાની અનેક વાતો માટે જાણીતું છે, પરંતુ વિદેશોમાં હવે કચ્છ ધર્મિલાબેનને કારણે પણ ઓળખાય છે. ધર્મિલાબેન જે ભરતકામ કરે છે, તે પરંપરાગત આહિર ભરતકામ તરીકે ઓળખાય છે. એટલું જ નહીં, તેઓ પેઈન્ટિંગ પણ કરે છે. અને તેમની સ્ટોરી એકદમ ફિલ્મી પણ છે.
ADVERTISEMENT
આજે તો ધર્મિલાબેહન પોતાના પરંપરાગત આહિર ભરતકામની કલાને એક નવું રૂપ આપ્યું છે. તેમને બાળપણમાં એક પેઇન્ટરે મેણું માર્યું અને મનોબળથી મજબૂત ધર્મિલાબેને એજ સમયે વિચારી લીધું કે કંઇક કરીને બતાવવું છે અને હાથિયાર તરીકે સોયને હાથમાં લીધી અને એ જ પેઇન્ટરની હુબહુ ચિત્ર ભરત ગૂંથણથી કાપડ પર બનાવી લીધું અને તેમની જ પરંપરા ભરત કલાને એક નવો ચહેરો આપ્યો.
આહિર ભરતકામ છે શું?
જ્યારે અમે ધર્મિલાબેનને આહિર ભરતકામ વિશે પૂછ્યું તો તે હરખ સાથે બોલી ઉઠ્યા,"આહિર ભરતકામ તો અમારી પરંપરા છે, અમે વર્ષોથી આ કામ કરતા આવ્યા છીએ. શહેરોમાં ઉનના કપડા કે ડ્રેસ ઉપર ભરતકામ કરવામાં આવે છે, તે અમારું જ ભરતકામ છે." આહિર ભરતકામ એ ઊનની કલાકારી છે, ઊનના દોરાથી કોઈપણ કપડા પર ડિઝાઇન બનાવીને તે કલા રજૂ કરવામાં આવે છે. જો કે, ધર્મિલાબેન કહે છે કે આ વર્કને લોકો રાજસ્થાની વર્ક તરીકે પણ ઓળખે છે. તેમના ગામની કોઈ પણ છોકરીના લગ્ન હોય તો તે આહિર ભરતકામ કરેલી ચોલી કે પાનેતર પહેરે છે, કારણ કે તે તેમના પરંપરાગત ચાલતી આવતી રીત છે.
ગામની શાળામાં માત્ર ધોરણ 7 સુધીનો અભ્યાસ કરનાર ધર્મિલાબેન આહિરે પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને ધગશથી આહિર ભરતકલાને એક નવી દિશા આપી છે. છેલ્લા 15 વર્ષથી તેઓ ભરતકામ સાથે જોડાયેલા છે. તેમણે VTV સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તેમની આ કલા વારસામાં તેમની દાદી અને નાની પાસેથી મળી છે. નાનપણમાં તેમની જોડે આહિર ભરતકામ કરતા હતા જેથી તેમને નાનપણથી જ ચિત્રકામમાં રસ હતો. સાથે તેમને પેઇન્ટિંગમાં પણ થોડો રસ ધરાવતા હતા.
મહિલા હોવાથી પેઇન્ટરે શિખવાડવાની ના પાડી
ધર્મિલાબેન જણાવે છે કે, આજથી 7 વર્ષ પહેલા તેમના ગામમાં એક પ્રખ્યાત પેઇન્ટર આવ્યા હતા અને તે તેમની પાસે પેઇન્ટિંગ શીખવા માટે ગયા હતા. ત્યારે તેઓ મહિલા હોવાથી પેઇન્ટરે 'બ્રશ ઉપાડવાની તામરી ત્રેવડ નથી' તેવું કહી મેણું મર્યું હતું. બસ ત્યારથી ધર્મિલાબેને વિચારી લીધું હતું કે હવે કંઇક કરીને બતાવવું છે, પછી તેમણે પોતાની આહિર કલાથી ચિત્રકામ કપડા પર કંડારવાનું શરૂ કરી દીધું હતું અને ધીરે ધીરે તેમની કલા લોકો સુધી પહોંચી અને તે પ્રખ્યાત થયા.
લગાન ફિલ્મમાં પણ દેખાયા!
સુપરહિટ લગાન ફિલ્મનું શૂટિંગ કોટાય અને કુનરીયા વચ્ચે થયું હતું. એ સમયે ધર્મીલાબેન ફક્ત 5 વર્ષના જ હતા. તમે ફિલ્મમાં જોયું હશે કે ગામ બતાવવામાં આવ્યું છે અને ગામના બાળકો પણ બતાવ્યા છે તો, તેમાં બતાવવામાં આવેલા ચાંપાનેર ગામની બાળકી તરીકે તેમણે કામ કર્યું હતું. સાથે ધર્મિલાબેન જણાવે છે કે ફિલ્મમાં બતાવવામાં આવેલ સેટ ગામની જ મહિલાઓએ તૈયાર કર્યો હતો. તેઓ કહે છે તે તેમની દાદી અને નાની સાથે જતા, તે સમયે શૂટિંગ માટે તૈયાર કરાયેલો સેટ જોયો અને શીખવાની ઇચ્છા જાગી હતી.
વિદેશમાં પણ છે પ્રખ્યાત
આજના સમયે ધર્મિલાબેન પેઇન્ટિંગ બનાવે છે, સાથે તેમણે અત્યાર સુધી 45 જેટલા પેઇન્ટિંગ બનાવ્યા છે. જો કે તેમની કલા ભારત નહીં પરંતુ લંડન સુધી પહોંચી છે, ઘર આંગણેથી શરૂ કરાયેલી ચિત્ર ભરતકામની આ કલાએ લોકોમાં ધીરે ધીરે આકર્ષણ જમાવ્યું અને તેમને સ્થાનિકથી તો ઓર્ડર મળવાના શરૂ થયા હતા પરંતુ લંડનથી પણ 35 જેટલા ઓર્ડર તેમને મળ્યા છે જેનું કામ હાલ ધર્મિલાબેન કરી રહ્યા છે.
36,000 રૂપિયામાં વેચાયું પેઇન્ટિંગ
ધર્મિલાબેન જણાવે છે કે તેમનું સૌથી મોંધું પેઇન્ટિંગ 36,000 રૂપિયામાં વેચાયું છે. પેઇન્ટિંગની હાલમાં માંગણી વધી રહી છે. પહેલા તો તેમનું પેઇન્ટિંગ ફક્ત 5 કે 6 હજારમાં વેચાતું હતું. જો કે, આહિર ભરત કામની પેઇન્ટિંગ બનાવતી વખતે તેઓને લગભગ 3-4 મહિના જતા રહેતા હોય છે અને પેઇન્ટિંગની સાઇઝ પર આધાર રાખીને કિંમત નક્કી થયા છે. વિદેશ કરતાં ગુજરાતમાં તેમના પેઇન્ટિંગની વધુ માંગ જોવા મળે છે.
આ પણ વાંચો: 'કાંકરિયા કાર્નિવલ'માં જતાં પહેલા આટલું જાણી લેજો, નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ,નો યુ ટર્ન રસ્તા જાહેર
90 જેટલી મહિલાઓને પગભર કરી
ધર્મિલાબેન પોતે તો આત્મનિર્ભર બન્યા છે સાથે પોતાના ગામની મહિલાઓને પણ પગભર કરી છે. ભરતકામ થકી ચિત્રને કપડા પર કંડારવાની આ કલાને જોઈ તેમના ગામની અન્ય મહિલાઓ પણ આ તરફ આકર્ષાઈ હતી જે બાદ ધર્મિલાબેને તેમને પણ શીખવાડવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી 90 જેટલી મહિલાઓ તેમની સાથે આ વ્યવસાયમાં જોડાઈ છે. સાથે ઘરે બેઠા પણ અનેક મહિલાઓ આ કલાથી કમાણી કરી રહ્યા છે. ધર્મિલાબેન વધુમાં કહે છે કે શરૂઆતમાં એક્ટિવા પર ગામની મહિલાઓને ઓર્ડર મુજબની ચીજવસ્તુઓ પહોંચાડતા હતા, હવે વ્યવસાય સારો ચાલતા કારથી મહિલાઓ સુધી પહોંચી રહ્યા છે. ધર્મિલાબેન છેલ્લે કહે છે કે,'આહિર કલાને અત્યારે એક ઓળખાણ મળી છે તે જ મોટી વાત છે, બસ આ જ પ્રકારે કામ ચાલતું રહે અને વધુ મહિલાઓને મારી જેમ પગભર બનાવી શકું.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.