કુંભમેળામાંથી પાછું આવવું મોંઘું: અલ્હાબાદથી અમદાવાદ ફ્લાઈટનું ભાડું આસમાને પહોંચ્યું

By : admin 09:16 PM, 13 February 2019 | Updated : 09:16 PM, 13 February 2019
આસ્થાનું મહાપર્વ એવો કુંભમેળો હાલ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુ દેશ અને વિદેશમાંથી ઉમટી ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. કુંભ મેળામાં પહોંચવાની તાલાવેલીને કારણે પ્રયાગરાજ જતી દરેક ટ્રેન હાઉસફુલ દોડી રહી છે. તો અલ્હાબાદ-અમદાવાદ ફ્લાઈલટનું ભાડુ પણ આસમાને પહોંચી ગયું છે.

અલ્હાબાદ-અમદાવાદ ફ્લાઇટનું ભાડુ ત્રણ ગણુ થયું
આસ્થાના મહાપર્વ કુંભમાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ તટે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. પ્રતિદિન લાખો લોકો અહીં પહોંચી રહ્યા છે અને અનેક લોકો પહોંચવા માટે થનગની રહ્યા છે. જેના કારણે પ્રયાગરાજ જતા તમામ માર્ગો લોકોની ભીડથી ઉભરાઈ ગયા છે. તો પ્રયાગરાજ પહોંચાડતી ટ્રેન, બસો, પ્રાઈવેટ પરિવહન અને ફ્લાઈટ્સ પણ હાઉસ ફુલ જોવા મળી રહી છે. પ્રવાસીના મોટા ધસારાને કારણે અલ્હાબાદથી અમદાવાદની ફ્લાઈટનું ભાડું લગભગ ત્રણ ગણું વધી ગયું છે. અલ્હાબાદ-અમદાવાદ ફ્લાઈટનું ભાડું રૂપિયા 21 હજારે પહોંચી ગયું છે. તો લખનઉ અને વારાણસીની ફ્લાઈટ્સના રિટર્ન ભાડામાં પણ આટલો જ વધારો જોવા મળી રહ્યો છે.

4 માર્ચે મહાશિવરાત્રીએ છઠ્ઠા શાહી સ્નાન
કુંભસ્નાન માટે આ વખતે NRIની સંખ્યા પણ વધારે જોવા મળી રહી છે. કુંભમેળામાં ગંગા સ્નાનનો પવિત્ર લાભ લેવા મોટી સંખ્યામાં ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે. 19 ફેબ્રુઆરીએ મહા મહિનાની પૂનમે પાંચમા અને 4 માર્ચે મહાશિવરાત્રિએ છટ્ઠા શાહીસ્નાન પહેલાં અમદાવાદથી અલ્હાબાદ, લખનઉ અને વારાણસી જતી તમામ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ 300થી 400 સુધી પહોંચી ગયું છે.

સામાન્ય દિવસોમાં ભાડુ 3500-4000 હોય છે
પ્રયાગરાજ કુંભમેળામાં જવા માટે અમદાવાદથી અલ્હાબાદ ઉપરાંત લખનઉ અને વારાણસી જતી ફ્લાઈટ મળે છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી અલ્હાબાદ, લખનઉ અને વારાણસી જતી ફ્લાઈટોનું ભાડું 3500થી 4 હજાર રૂપિયા હોય છે. પરંતુ પાંચમા અને છઠ્ઠા શાહી સ્નાન પહેલા આ શહેરોમાં જતી ફ્લાઈટનું ભાડુ ત્રણ ગણું વધીને 10 હજારથી 11 હજાર જેટલું થઈ ગયું છે.

કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કોઈ કિંમત કે ખર્ચો નજરે આવતો નથી. બસ કંઈ આવુ જ જોવા મળી રહ્યું છે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં. દરેક પરિવહનનું ભાડુ આસમાને પહોંચી ગયું હોવા છતાં શ્રદ્ધાળુઓની સંસ્યામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. ઉલટું સંખ્યા સતત વધી રહી છે.Recent Story

Popular Story