Kudrat Kopayaman: 29 talukas of Gujarat received 1 inch of rain, the highest in Vadgam
કમોસમી વરસાદ /
કુદરત કોપાયમાન: ગુજરાતનાં 29 તાલુકામાં માવઠું, સૌથી વધુ વડગામમાં 1 ઈંચ વરસાદ, જુઓ ક્યાં કેટલો વરસાદ
Team VTV07:58 AM, 30 Jan 23
| Updated: 07:59 AM, 30 Jan 23
રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો, બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની સાથે અંબાજીમાં ગઇકાલે મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
ગુજરાતના 29 તાલુકામાં કમોસમી વરસાદ
સૌથી વધુ વડગામમાં 1 ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી હોઇ છેલ્લા 24 કલાકમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. જોકે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડગામ પંથકમાં 1 ઈંચ નોંધાયો છે. મહત્વનું છે કે, ઉત્તરના બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની સાથે અંબાજીમાં ગઇકાલે મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો. વધુમાં બનાસકાંઠાના ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રીથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે અગાઉ જ કમોસમી વરસાદની આગાહી કરી હતી. જોકે કડકડતી ઠંડીની વચ્ચે પણ વરસાદ આવતા રોગચાળો ફેલાય તેવી પણ એક સંભવના રહેલી છે. જોકે છેલ્લા 24 કલાકમાં આવેલા કમોસમી વરસાદે ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે. જોકે હવે વાદળછાયું વાતાવરણ હટે અને પાકને સુર્યપ્રકાશ મળે તો પાકને જીવતદાન મળી શકે.
મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ
મહેસાણા જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી ખેડૂતો માથે ઉપાધિના વાદળો ઘેરાયા હતા. જિલ્લામાં સવારથી ગોરંભાયેલા વાદળો વચ્ચે સાંજના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો.ખેતીને ભારે નુકશાનની ભીતિ હોવાથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સાબરકાંઠામાં બરફ વરસ્યો
બનાસકાંઠાના પાલનપુર વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારે ઝાપટું પડયા બાદ સમગ્ર પંથકમાં વીજળી ડૂલ થઈ હતી. સાથે સાથે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ધરમપુરના આંતરિયાળ વિસ્તાર એવા વિલ્સન હિલ અને આસપાસના વિસ્તારમાં માવઠાએ મોકાણ સર્જી હતી. એજ રીતે સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પણ વીજળીના કડાકા સાથે માવડું પડ્યું હતી. તો વડાલી ઇડર વિસ્તારમાં બરફના કરા પડતા હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.
લગ્નના આયોજકોને દોડધામ
શિયાળાની સીઝન હાલ પિક પર છે આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જેને લઈને ગઈકાલે કચ્છ, બોટાદ, સાબરકાંઠા, અમરેલી, જામમગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે પણ કમોસમી વરસાદનો કહેર યથાવત રહેવા પામ્યો હતો. મહત્વનું છે કે એક બાજુ લગ્નગાળાની સિઝનને લઈને રાજ્યમાં અનેક પરિવારોને ત્યા લગ્નનો રૂડો અવસર છે. આવી સ્થિતી વચ્ચે માવઠાએ મોકણ સર્જતાં યજમાનોને દોડાદોડી થઈ પડી હતી.