Kotecha Girls School female principal corona Positive Rajkot
મહામારી /
કેશોદમાં 11 વિદ્યાર્થીનીઓ બાદ હવે રાજકોટમાં કોટેચા ગર્લ્સ સ્કૂલના મહિલા પ્રિન્સીપાલ સહિત 3 કર્મીઓ થયા કોરોના સંક્રમિત
Team VTV06:03 PM, 18 Jan 21
| Updated: 06:28 PM, 18 Jan 21
ગુજરાતમાં શાળાઓ શરૂ થયા બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેશોદમાં 11 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે હવે રાજકોટમાં કોટેચા ગર્લ્સ સ્કૂલના મહિલા પ્રિન્સીપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં કેશોદ પછી રાજકોટની સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટમાં કોટેચા ગર્લ્સ સ્કૂલના મહિલા પ્રિન્સીપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યો છે. તો પ્રિન્સીપાલ સહીત 3 કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ શાળાના ત્રણેય કર્મીઓ આઈસોલેટ થયા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ધોરણ 10અને 12ના વર્ગો ચાલુ થયા છે ત્યારે કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
કે.એ.વણપરિયા વિનય મંદિર શાળાની 11 વિદ્યાર્થીનીઓને કોરોના થયો છે. સ્કૂલમાં પ્રવેશતા એન્ટિજેન ટેસ્ટ કરાયા હતા. જેમાં 3 હોસ્ટેલની અને 8 શહેરની વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થઇ છે. આ બનાવને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થિનીઓને હાલ ક્વોન્ટાઇન કરી છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરન્ટાઇન થવાનું પણ કહેવામાં આવ્યું છે અને જરૂર પડ્યેથી કોરોના ટેસ્ટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
11 જાન્યુઆરીથી ગુજરાતમાં શરૂ થઇ છે શાળાઓ
આપને જણાવી દઈએ કે, 11 જાન્યુઆરીથી ગુજરાતભરમાં ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજરોજ 11 વિદ્યાર્થિનીઓ એકસાથે પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
રવિવારે રાજ્યમાં નોંધાયા છે કોરોના 518 નવા કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 518 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 255872 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.79 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 94 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે.
રાજ્યમાં 7 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 704 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,45,107 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 4365 એક્ટિવ કેસ છે. જેમાંથી 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે.