Know the Dengue Fever, Symptoms and reports information and prevent your self
ચેતો /
મોંઘી દવા લેતા પહેલાં જાણી લો ડેંગીના પ્રકાર, લક્ષણો અને રિપોર્ટને, બચશો મોટા બિલથી!
Team VTV02:27 PM, 10 Oct 19
| Updated: 03:02 PM, 10 Oct 19
ચોમાસું અને ડેંગીએ બંને જાણે એક બીજાના પર્યાય બની ગયા હોય એવું લાગે અને તે પણ ખાસ કરીને મહાનગરમાં. ચોમાસું લગભગ પતવા આવે અને ભાદરવો મહિનો બેસે ત્યાં જ ડેંગીનો કહેર ચાલુ થઇ જાય છે. જોગાનુજોગ સાવ ગરીબ લોકો, ઝુંપડપટ્ટી વગેરેમાં આ જોવા નહિ મળે પણ સૌથી વધારે લોકો મધ્યમ વર્ગના હેરાન થાય છે. ડેંગીની બીક પણ બહુ છે આથી લોકો ગભરાઈ જાય છે, ડોક્ટર એનો ફાયદો ઉઠાવે છે.
ચોમાસું અને ડેંગી છે એકમેકના પર્યાય
ડેંગીનો કહેર એટલો છે કે નામથી જ લોકો ગભરાય છે
ડેંગીની કોઈ ચોક્કસ દવા નથી, છતાં પેઈન કિલર્સ ઉપયોગી છે
રિપોર્ટ પણ 4 દિવસ પછી કરાવવો તે જ યોગ્ય છે
ક્યારેક લોકોની અતિશય ચિંતા અને કંઈ થશે તો નહિ ને? આ પ્રશ્ન એમને આવું કરવા પ્રેરે છે. સામાન્ય રીતે ડેંગી એટલે દાખલ જ થવું પડે એવી માન્યતા છે અને દવાનું બિલ પાંચ આંકડામાં બને એટલે મધ્યમ વર્ગની નવરાત્રી અને દિવાળી બંને બગડે જ છે તો શું કરવું? જાણી લો ડેંગી વિશેની ખાસ અને સચોટ માહિતિ.
ડેંગી શું છે ?
ડેંગી એક પ્રકારનો વાયરસથી થતો રોગ છે જેનો ફેલાવો મચ્છરથી થાય છે. આ મચ્છર મોટા ભાગે દિવસના સમયે કરડે છે, અને ચોખ્ખા પાણીમાં રહે છે. એટલે ભાદરવામાં જયારે દિવસે ગરમી પડે, લોકો ઉનાળાની જેમ ગંજી પહેરીને ફરે અને શહેરોમાં સિમેન્ટ રોડ હોય જ્યાં ચોખ્ખું પાણી ભરાયું હોય ત્યાં જ આ મચ્છર ભેગા થઇને અટેક કરે. યાદ રાખો બાજુના ઘરનો નહિ પણ આપડા જ ઘરનો મચ્છર કરડે છે આથી સૌથી પહેલા ઘર અને પછી બિલ્ડીંગની સફાઈ જરૂરી છે.
ફાઈલ ફોટો
ડેંગી થાય તો શું લક્ષણો આવે?
સૌ પ્રથમ તો વાયરસના તાવના લક્ષણ જેવા કે અચાનક તાવ આવવો, માથું દુખવું અને ખાસ આંખોના ભાગે દુઃખે, પેટ દુઃખવું, ક્યારેક ક્યારેક ઉલટી થવી, શરીર લાલ લાગવું. દર્દીના પીઠના ભાગે પંજો દબાવવો અને છોડી દેવો તમને આખો પંજો દેખાશે, સોળ ઉઠ્યા હોય એમ આંખો પણ લાલ જોવા મળે, weakness લાગે એવું બને. યાદ રાખો આ વાયરલ ફીવરના લક્ષણ છે. લક્ષણોની વાત કરીએ તો ૩-૪ કે ૫ દિવસ ચાલે પછી તાવ મટી જાય પણ તાવ મટ્યા પછી જ ખરી રામાયણ ચાલુ થાય. દર્દી ને અતિશય weakness લાગે, પથારીમાંથી ઉભા જ થવાનું મન ના થાય, લાલાશ વધે, ઉલટી ઉબકા ચાલુ થાય, પેશાબનું પ્રમાણ ઘટે.
દવા કઈ લેવી ?
સામાન્ય રીતે આ ચર્ચા કરવાની જ ના હોય દવા કઈ લેવી એવું હોય કે ડોકટરો આપે એ લેવાની હોય. પણ ના હવે દર્દીઓ ડાહ્યા/દોઢ ડાહ્યા થયા છે એટલે એ ડોક્ટર ને સમજાવે અને ડોક્ટર પાસે જોબ વર્ક કરાવે છે. ઘણીવાર એવું બને છે કે તમારા સવાલોને રાહત આપવા માટે ડોક્ટર તમને વાયરલની દવા આપે છે અથવા તો બાટલો ચઢાવી આપે છે. જો તમને ડેંગીની અસર છે તો તમે થોડી વાર તડકામાં બેસવાનું રાખો અને ગરમ સૂપ પીઓ. તાવ વધારે લાગે તો પેરાસીટેમોલ જેવી સાદી ગોળી લો. હેવી દવાઓ લેવાનું ટાળો તે હિતાવહ છે.
રીપોર્ટ
યાદ રાખો વાઈરલ તાવના પહેલા દિવસે રીપોર્ટનું કોઈ મહત્વ નથી. સિવાય કે મલેરિયાની ઠંડી વાળો તાવ આવ્યો હોય. તમે બેહોશ થયા હોવ કે તમને શ્વાસ ચઢતો હોય તો તમે ટેસ્ટ કરાવો તે હિતાવહ છે.
કાઉન્ટ ?
આ કાઉન્ટ કઈ બલા છે? મને તો એ જ નથી સમજાતું. હું તો ભણેલા ગણેલા (કહેવાતા)ને પૂછું કોને કાઉન્ટ કહેવાય ?? તમે બીમારી મટાડવા માંગો છો કે રીપોર્ટ? લોહીનો રીપોર્ટ જુઓ તો hb પણ એક પ્રકારના કાઉન્ટ જ છે જે રક્તકણનું માપ બતાવે, WBC પણ કાઉન્ટ છે તે ઇન્ફેકશન સામે શરીર કેવું લડી રહ્યું છે એ બતાવે. WBC એ શરીરની પોલીસ છે એ ભેગી થયેલી દેખાય એનો મતલબ કઈ લોચો છે એ સાચું પણ ૭૦ ટકા કિસ્સા માંજ.
ડેંગી થાય એ કયા રીપોર્ટથી ખબર પડે?
સામાન્ય રીતે ડેંગીના લક્ષણ ૧૦૦૦૦૦ કરતા ઓછા ત્રાક –કણ અને ખાસ ખાસ ખાસ વધતું hb હા વધતું hb નવું આવ્યું ને? આ બધું આવે એટલે અમે /ડોકટરો ડેંગીનો ટેસ્ટ IGG,IGM અને NS 1 એમ ત્રણ ટેસ્ટ થાય. દરેક જુદું છે પણ એમાં જવાની જરૂર નથી અને એમાં બધા નેગેટીવ આવે એટલે ડેંગી તો નથી (MOSTLY) ટેસ્ટ નેગેટીવ આવે અને ડેંગી હોય એવો નવો વાયરસ આવ્યો છે. એવા હાસ્યાસ્પદ સમાચાર પેપરમાં આવેલા.
ફાઈલ ફોટો
કેટલા પ્રકારના ડેંગી હોય ?
ડેંગીના પ્રકાર નથી તેના વાયરસના પ્રકાર છે. પરંતુ આ પણ સામાન્ય રીતે બહુ જરૂરી નથી, હા ડેંગીના લક્ષણોને આધારે આ રોગને ૩ ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે.૧) ડેંગી ફીવર ૨) ડેંગી હેમરેજીક ફીવર ૩) ડેંગી શોક સિન્ડ્રોમ. આપણે તેની ડીટેલમાં ચર્ચા આગળ કરીશું.
ડેંગી થયો એટલે શું કરવાનું ?
સામાન્યતઃ અમે જયારે દર્દી ને કહીએ કે તને ડેંગી થયો છે તો તરત એના પગ પાસે બોમ્બ ફોડ્યો હોય એવું એનું મોઢું થઇ જાય છે. યાદ રાખો ડેંગી એ એક વાઈરસથી થતો રોગ છે જેને આપણે ઓળખીએ છીએ. જરૂરી નથી કે બધા જ ડેંગી ના દર્દી સીરીયસ થઇ જાય અને બધા ને જ ICU માં દાખલ કરી દેવા પડે એવું નથી જ. મોટા ભાગના ડેંગી એ ડેંગી ફિવર હોય છે જેને સાવ સામાન્ય સારવાર અને મોનીટરીંગની જરૂર હોય છે અને યોગ્ય રીતે જો એની સારવાર આપીએ તો તેના લીધે ૧ ટકા જેટલા કિસ્સામાં જ ગંભીર પરિણામ આવે છે. આથી સૌથી અગત્યની વાત દર્દીએ ગભરાયા વગર સારા અને સાચા ડોક્ટરની સલાહ પ્રમાણે, શંકા કર્યા વગર કામ કરવું જોઈએ. ડેંગી ફીવરને ગભરાયા વગર શાંતિથી ડોક્ટર ઈચ્છે તો ઘરે પણ સારવાર આપી શકાય છે પરંતુ તેના માટે દર્દીનો સહયોગ ખુબ જરૂરી છે, જો દર્દી મોઢા વાટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લે અને વ્યવસ્થિત રીતે ડોક્ટરના ટચમાં રહે તો તે ઘરે પણ સાજો થઇ જાય.
ડેંગીના ગંભીર લક્ષણો કયા છે ?
ડેંગીના તાવના જે દર્દીને ૨-૭ દિવસનો તાવ ઝડપથી ઉતર્યા બાદ ખુબ જ અશક્તિ આવી જાય, જેમના નાડીના ધબકારા મંદ આવે, ખુબ જ રઘવાયા અથવા સાવ શાંત પડી રહે, હાથ પગ વધારે પ્રમાણમાં ઠંડા રહે, પેટમાં ખુબ દુઃખે, સતત ઉલટી થાય, શરીર પર લાલ લાલ ચકામાં થઇ જવા, પેઢામાંથી કે નાકમાંથી લોહી આવે, નસકોરી ફૂટે, લાલ પેશાબ કે કાળો ઝાડો, શ્વાસ લેવામાં તકલીફ, બેભાન જેવી અવસ્થા.
ડેંગીના પેશન્ટની સારવાર ચાલુ હોય તો પણ પ્લેટલેટ ઘટતા જ હોય તો શું કરવું ?
પ્લેટલેટ ઘટવા એ ડેંગીના તાવનું કોમન લક્ષણ છે. દર્દી સારવાર હેઠળ છે એટલે પ્લેટલેટ ના ઘટે એવું કઈ છે જ નહિ ,સામાન્ય સંજોગો કરતા અહી ઘણા ઓછા પ્લેટલેટ હોય તો પણ પ્લેટલેટ ચડવાની જરૂર કે બીજા શબ્દો માં કહી એ તો એનાથી કોઈ મોટો ફાયદો થતો નથી એનું કારણ છે કે ડેંગીમાં આપણે જોયું પ્લેટલેટ વપરાય છે એટલે કે તૂટે છે આથી પ્લેટલેટ ચડાવાથી કોઈ ફાયદો થતો નથી, હવે વાત રહી એના ઘટવાની તો ડેંગીના બધા લક્ષણમાં પ્લેટલેટ ઘટવા એ લગભગ સાત દિવસ સુધી ચાલુ રહેતી પ્રક્રિયા છે અને તે સૌથી છેલ્લે વધે છે જયારે દર્દી લગભગ સાજો થઇ ગયો હોય .
ડેંગીના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ કેમ પડે ?
ડેંગીના લીધે પડતી બીજી સૌથી મોટી તકલીફ છે લોહીની નળીઓમાંથી પાણી લીક થવું. આ પાણી જ્યાં જગ્યા હોય ત્યાં ભરાય છે અને આ જગ્યાઓ છે ફેફસાની બહારનું આવરણ, બાળકનું પેટ , આંતરડાની દીવાલ વગેરે. ફેફસાના બહારના આવરણ અને પેટમાં ભરાયેલ પાણીના દબાણના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ડેંગી શોક સિન્ડ્રોમ શું છે ?
આપણે આગળ જાણ્યું કે ડેંગીના લીધે લોહીની નળીઓમાંથી પાણી લીક થાય છે, આના કારણે લોહીનું જે વોલ્યુમ હૃદય અને લોહીની નળીને મળવું જોઈએ એ મળતું નથી આના કારણે દર્દીના શરીરનું બ્લડ પ્રેશર યોગ્ય રીતે જળવાતું નથી. સામાન્ય સંજોગોમાં વધારે તકલીફ ના હોય તો શરીરની સંરચના એવી છે કે તે એને પહોચી વળે પરંતુ જયારે આ વાત કાબુ બહાર જતી રહે અને લોહીના પ્રેશર ને જાળવી જ ના શકાય અને તે બીજા અંગો પર અસર કરવા લાગે આ તમામ વસ્તુઓને ભેગી કરીને જે રોગનું નામ કહેવાય તે એટલે ડેંગી શોક સિન્ડ્રોમ. ડેંગીમાં જયારે કેસ બગડે અથવા તો મૃત્યુ થાય એ મોટા ભાગે ડેંગી શોક સિન્ડ્રોમ માં થાય છે.
ડેંગી હેમરેજીક ફીવર એટલે શું ?
આપણે જોયું કે પ્લેટલેટ ઘટવા એ ડેંગીના તાવનું કોમન લક્ષણ છે. શરીર તેના માટે તૈયાર પણ હોય છે પરંતુ ક્યારેક સમયસર દર્દી સારવાર ના લે અને યોગ્ય સહાયક મીકેનીઝમ ના મળવાના કારણે શરીરની અંદર આવેલી પાટલી ત્વચા વળી લોહીની નળીઓ તૂટી જાય છે અને તેમાંથી લોહી વહેવા માંડે છે. આ વસ્તુને ડેંગી હેમરેજીક ફીવર કહેવાય.
આમ આપને બહુ સાદી ભાષામાં ડેંગીને સમજ્યાને એ પણ જોયું કે મોટા ભાગના સંજોગોમાં વહેલી સારવાર અને સામાન્ય દવાથી મટતો રોગ છે. વાઈરલ છે એટલે એનટીબાયોટીકની જરૂર મોટા ભાગે હોતી જ નથી. પ્લેટલેટ ચડવાથી પણ મોટો ફાયદો થતો નથી. હવે આના સિવાયની દવાઓ બહુ મોંઘી છે જ નહિ. આમ ગભરાયા વગર સારા અને સાચા ડોક્ટર પાસે ૪ આંકડાના બીલમાં પણ રોગ મટી શકે.
છેલ્લે એટલું જ કહેવાનું કે રોગને રોકો. તમારી આજુબાજુ પાણી ભરાવવા ન દો, ઘરમાં કુલર ,પાણીના કુંડાની સફાઈ કરો, આખી બાંયના કપડા પહેરો અને જાતે જાતે મોટી મોટી દવાઓ ના લો આમ જાણકારી જ બચાવ છે.