આપણા દેશમાં કોઈ પણ મુદ્દે તમારો નિખાલસ અભિપ્રાય વ્યક્ત કરતાંં પહેલાં સો વખત વિચારજો. તમારી વિચારસરણી પર ગમે ત્યારે ‘ગુલામ’, ‘ભક્ત’ કે ‘દેશદ્રોહી’નું લેબલ લાગી શકે છે. તમે શાસન વિરુદ્ધ તમારો આક્રોશ, નારાજગી વ્યક્ત કરીને કે સરકારની આકરી ટીકા કરીને પણ રાષ્ટ્રવિરોધી બની શકો છો. ભલે આ વાત વધુ પડતી લાગતી હોય, પણ આ જ હકીકત છે.
જ્યાં એક તરફ ભારતમાં કોરોના મહામારી વિરુદ્ધ દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે અને આ ઘાતક વાઈરસ પર અંકુશ લગાવવા માટેના શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશમાં ફરી એક વખત અસહિષ્ણુતા વધતી નજરે પડી રહી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ‘જાડી ચામડીના માણસ, જેણે રાજ્યને જંગલરાજમાં બદલી નાખ્યું’ એવું કહેનાર કહેનારી વ્યક્તિ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી વેબસીરિઝ ‘તાંડવ’ના વિવાદના કારણે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ અને નિર્માતાઓ વિરુદ્ધ અનેક સ્થળે ક્રિમિનલ ફરિયાદ દાખલ થઈ છે.
ભાજપના એક ધારાસભ્યએ આપી ધમકી
મહારાષ્ટ્ર ભાજપના એક ધારાસભ્યએ આ વેબ સિરિઝના નિર્માતાઓ વિરુદ્ધ ‘જૂતાં મારો અભિયાન’ ચલાવવાની ધમકી આપી છે. આપણા નેતાઓ અને આપણી ધાર્મિક લાગણી વધારે પડતી સંવેદનશીલ થઈ ગયા છે. કોઈ પણ વ્યક્તિ કોઈ નાની વાતથી પણ આપણી ધાર્મિક લાગણી આસાનીથી દૂભવી શકે છે.
ફરિયાદ પણ નોંધાઇ
ભાજપના વરિષ્ઠ નેતા અને મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે અભિનેતા સયાની ઘોષ વિરુદ્ધ ટ્વિટર પર એક મીમ બનાવવા બદલ ફરિયાદ દાખલ કરાવી છે અને તેમાં કહેવાયું છે કે, ઘોષે હિંદુઓની ભાવનાઓને ઠેસ (આઘાત) પહોંચાડી છે. તેમણે ધમકી પણ આપી છે કે, તમે એક ગુનો કર્યો છે હવે તેનાં પરિણામો ભોગવવાં માટે તૈયાર રહો. વિભિન્ન હાઈકોર્ટે જોકે અનેક વખત તેમના ચુકાદામાં, તારણોમાં એ વાત સ્પષ્ટપણે જણાવી છે કે, અસહમતી એ લોકશાહીની વિશેષતા છે. અસહમતીના અસ્તિત્વ વગર લોકતંત્રની કલ્પના કરવી પણ અશક્ય છે.
આપણે સૌ આજકાલ ક્યાં ફસાયેલા છીએ એ જોવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે ખરો? શું આ બધા મુદ્દાઓથી તમને ખરેખર કોઈ ફરક પડે છે? આપણે લવજેહાદ, દરેક વાતે પાકિસ્તાનનો વિરોધ, તર્કવાદીઓની હત્યા, ગૌરક્ષાના નામે ગુંડાગર્દીથી હજુ પણ આગળ વધી શક્યા નથી.
૨૦૨૦માં દેશદ્રોહના કેસમાં ૧૬૫ ટકાનો વધારો નોંધાયો
તમને જાણીને નવાઈ લાગશે પણ વર્ષ ૨૦૨૦માં દેશદ્રોહના કેસમાં ૧૬૫ ટકાનો વધારો નોંધાયો છે.૨૦૧૯માં આ પ્રકારના ૯૩ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૦માં ૧૨૪ કેસ દાખલ થયા છે. ૨૦૧૮માં આવા કેસની સંખ્યા ૭૦, ૨૦૧૭માં ૪૭ અને ૨૦૧૬માં ફક્ત ૩૫ હતી. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના છે.
છેલ્લા ત્રણ મહિનામાં જ આ પ્રકારના આઠ કેસ નોંધાયા છે, જેમાંથી બે પત્રકારો વિરુદ્ધના છે. આ પત્રકારોનો ગુનો શું હતો એ જાણો છો? તેમને ઉત્તરપ્રદેશના હાથરસ જતી વખતે પકડવામાં આવ્યા હતા. આ પત્રકારો દલિત યુવતી પર ગેંગરેપની ચોંકાવનારી ઘટનાનું તલસ્પર્શી રિપોર્ટિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને યુપી પોલીસે પકડ્યા હતા. આ નિરંકુશ સત્તાનો કદરૂપો ચહેરો છે, જે લોકશાહીને ડરાવી રહ્યો છે.
જો આમ જ બનતું રહ્યું તો કાલે કોઈ બહાદુર વ્યક્તિ પણ નિરંકુશ સત્તાધિશો સામે બોલી નહીં શકે. સત્યનો અવાજ દબાવી દેવામાં આવશે તો ભવિષ્યમાં લોકતંત્ર પર વિશ્વાસ મૂકતા પણ આમ આદમી ડરશે.
સત્તાને નિર્ભય બનીને પડકારતા અવાજોની આપણે આજે ખાસ જરૂર છે. આ સમય તેમને સમજીને સાથ આપવાનો છે, તેમને એકલા પાડીને તેમનો અવાજ રૂંધવી દેવાનો નથી. આપણે બધાએ, ખાસ કરીને આપણા નેતાઓએ સંકુચિતતા છોડવી જ પડશે. આપણા વિચારો, કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને બુદ્ધિજીવીઓના અધિકારોનું કોઈ પણ કિંમતે રક્ષણ થવું જ જોઈએ અને એ સૌથી વધુ મહત્ત્વનું છે. ૧૩૦ કરોડથી પણ વધુ વસ્તીવાળા દેશમાં કોઈ એક વિચારસરણી સાથે વફાદારી કરવી કે સરકાર વિરુદ્ધ એક શબ્દ પણ ન બોલવો એ કદાચ લોકશાહીનું સૌથી મોટું અપમાન ગણાશે. •