Saturday, July 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ધર્મ / યુધિષ્ઠિર: પાંચ પાંડવોના સૌથી જયેષ્ઠ ભ્રાતાને ઓળખીએ

યુધિષ્ઠિર: પાંચ પાંડવોના સૌથી જયેષ્ઠ ભ્રાતાને ઓળખીએ

દ્યુતસભામાં દુર્યોધને કપટી શકુનિ દ્વારા કપટ કરીને યુધિષ્ઠિરને હરાવ્યા અને દ્રોપદીને ભરસભામાં ઘસડી આણીને તેનું વસ્ત્ર ખેંચી અપમાન કર્યું ત્યારે ભીમસેન તેને મસળી નાખવા તૈયાર હતો પણ યુધિષ્ઠિરે વાર્યો. એમનામાં ધૈર્ય અને ક્ષમાની પરાકાષ્ઠા હતી. એ અજાતશત્રુ તથા પરમ દયાળુ હતા.

દુર્યોધન દુર્દશામાં સપડાયેલા પાંડવોને પોતાનો અતુલ વૈભવ દેખાડીને બાળવા માટે ઘોષયાત્રાના નિમિત્તથી દ્વૈતવનમાં ગયો હતો. તે વખતે ચિત્રસેન ગંધર્વે તેને કેદ કરીને ત્યાંથી પોતાના સ્થાને લઈ જવા માંડ્યો. આ વાતની યુધિષ્ઠિરને ખબર પડી, એટલે તેમણે તુરત ભીમસેન અને અર્જુનને મોકલીને દુર્યોધનને છોડાવ્યો. એ પ્રસંગે યુધિષ્ઠિરે દુરાત્મા દુર્યોધનને બે મીઠા શબ્દોમાં જ ઠપકો આપીને ત્યાંથી વિદાય કર્યો. અજાતશત્રુતાનું આવું ઉદાહરણ ભાગ્યે જ મળશે. યુધિષ્ઠિરની અજાતશત્રુતાનો બીજો દાખલો જોઈએ.

 દુર્યોધનને ચિત્રસેન દ્વારા બંદીવાળી ઘટનાના અરસામાં જયદ્રથે પાંડવો શિકાર કરવા ગયા હતા ત્યારે વનમાંથી દ્રોપદીનું હરણ કરીને પલાયન કર્યું. એટલામાં પાંડવો આવી પહોંચ્યા અને અર્જુને જયદ્રથને ઝબ્બે કર્યો. ભીમસેન જયદ્રથને ભારે શિક્ષા કરવાના મૂડમાં હતા પરંતુ યુધિષ્ઠિરે તેને ભીમસેનના સપાટામાંથી છોડાવીને વિદાય કર્યો. યુધિષ્ઠિર કેવા અજાતશત્રુ હશે કે ધૃતરાષ્ટ્ર જેવો નઠારો અને પુત્રમોહી માણસ પણ વનમાં ગયેલા યુધિષ્ઠિરના ગુણો સંભારીને કેટલીય વખત રડતા હતા અને તેમને વખાણતા હતા.  

યુધિષ્ઠિર પાંડવો સાથે વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે દ્રોપદી તથા બધા ભાઈઓ વનવાસ પડતો મૂકીને કૌરવો સાથે યુદ્ધ ખેલવાના મૂડમાં હતા. ‘તેર દિવસનો વનવાસ એ જ તેર સંવત્સરનો ગણાય’ વગેરે તર્કો કર્યા અને દ્રોપદીએ પણ યુદ્ધ માટે ઉત્તેજન આપ્યું પણ યુધિષ્ઠિર પોતાનાં વચનથી ડગ્યા નહીં. યુધિષ્ઠિર તપસ્વી, ધર્મપ્રિય, સરળ પ્રકૃતિના, મદ, માન, મોહ, દંભ, કામ અને ક્રોધથી રહિત, સત્યવાદી, સૌમ્ય, પ્રજાનું પુત્રની જેમ પાલન કરનારા, સમ ભાવવાળા, વત્સલ, મહાવિદ્વાન, જ્ઞાની અને શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તે શ્રીકૃષ્ણનાં વચનને કોઈ વાર ઉથાપતા નહીં. તેમના રાજ્ય કાર્યથી પ્રજા સંતુષ્ટ હતી. તેથી જ હજી પણ સારું રાજ્ય ધર્મરાજ્ય કહેવાય છે. ધર્મની સૂક્ષ્મતમ ભાવનાને વિવેકપૂર્વક પોતાના જીવનમાં ઉતારનાર આખા મહાભારતમાં યુધિષ્ઠિર અદ્વિતીય હતા. 

યુધિષ્ઠિરના આત્યંતિક પ્રજાવત્સલપણાનો એક દાખલો જોઈએ. પાંડવો હેમાળે હાડ ગાળવા ગયા. દ્રોપદી, સહદેવ, નકુલ, અર્જુન અને ભીમસેને ક્રમશઃ દેહત્યાગ કર્યો. એકલા યુધિષ્ઠિર અને તેની સાથે ચાલતો કૂતરો જ બચ્યા. ત્યારે ઇન્દ્ર પોતે રથ લઈને આવ્યો અને યુધિષ્ઠિરને તેમાં બેસી સ્વર્ગે આવવા કર્યું. ત્યારે યુધિષ્ઠિરે ઇન્દ્રને કહ્યુ કે હું મારા ભાઈઓને તથા દ્રોપદીને છોડીને સ્વર્ગમાં નહિ આવું. ઇન્દ્રે કહ્યું કે તમે તેમને સ્વર્ગમાં જોશો. તેઓ દેહ છોડીને સ્વર્ગમાં ગયા છે, તમે સદેહે સ્વર્ગમાં ચાલો.

યુધિષ્ઠિરે કહ્યું કે આ કૂતરો મારો ભક્ત છે તેથી તે પણ મારી સાથે સ્વર્ગમાં આવવો જોઈએ. ઇન્દ્રે કહ્યું, તમે દેવપણું, મારી બરોબરી, સમગ્ર ઐશ્વર્ય, મહાન સિદ્ધિ અને સ્વર્ગ સુખને પ્રાપ્ત થયા છો. માટે તમે આ અપવિત્ર કૂતરાને છોડી દો. એમાં કંઈ નિર્દયતા નથી. ત્યારે યુધિષ્ઠિર સ્વર્ગારોહણના ૧૩માં અધ્યાયમાં બોલ્યા કે, અનાર્યમાર્યેણ સહસ્ત્રનેત્ર શક્ય ક્રતુ દુષ્કરમેતદાર્ય, મા મે શ્રિયા સગમન તયાસ્તુ યસ્યા કૃતે ભક્તજન ત્યજેયમ્. અર્થાત હું આર્ય છું, મારાથી એવું અનાર્ય કર્મ થશે નહી. મારે ભલે એ ઐશ્વર્ય ત્યાગવું પડે. 


આવા નિર્મળ ચરિત્ર ઉપર લાગેલી કલંકની નાની ટીલડીને જોઈએ. યુદ્ધમાં દ્રોણાચાર્ય સામાન્ય મનુષ્યો ઉપર પણ અસ્ત્રોનો પ્રયોગ કરીને જીવ પર આવીને લડતા હતા. ત્યારે શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે આ બ્રાહ્મણ અધર્મયુદ્ધ કરે છે, માટે તમે હજારોના જીવ બચાવવા ખાતર અશ્વત્થામા મરાયો એમ કહો. એટલામાં ભીમે અશ્વત્થામા નામનો હાથી માર્યો અને દ્રોણે પૂછ્યું. શ્રીકૃષ્ણનાં વચનથી યુધિષ્ઠિરે કહ્યું કે હતઃ કુંજર ઇત્યુત કહ્યું.

નરો વા કુંજરો વા એવું મહાભારતમાં નથી. જોકે એમાં સર્વનિયંતાની આજ્ઞા અને હજારોનો બચાવ જોતાં એ ક્ષમ્ય ગણાય. યુધિષ્ઠિર માત્ર ધર્મના જ નહીં, શસ્ત્રોના પણ જ્ઞાતા હતા. ઘણી વખત તેમણે ધનુષ્ય ધારણ કરીને યુદ્ધો કર્યાં છે. શ્રીકૃષ્ણ જોડે યુદ્ધ કરવાની ઇચ્છા રાખનારા શલ્ય જેવા સમર્થ યોદ્ધાને યુધિષ્ઠિરે હણ્યો હતો. અર્જુન અને ભીમસેન જેવા બે સમર્થ યોદ્ધા પાસે હોવાથી યુદ્ધમાં કૌવત બતાવવાનું યુધિષ્ઠિરના ભાગે ભાગ્યે જ આવતું.•

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ