બાળક રમતો હતો ત્યારે સોસાયટીના સભ્યએ જ કર્યુ અપહરણ
રાહુલ પટેલ નામના શખ્સે કર્યુ હતું અપહરણ
અમદાવાદમાં બાળકના અપહરણના કિસ્સાઓ વધી રહ્યા છે. ક્યારેક કોઈ લાલચ આપી બદઈરાદાથી બાળકને ગુમ કરવામાં આવે છે તો ક્યારેક બાળ તસ્કરીને અંજામ આપી તેણે અન્ય રાજ્યમાં જઈ વેચી દેવામાં આવે છે. સલામતીના દાવા કરતી પોલીસ અને માતા પિતા માટે અમદાવાદ શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
CCTV ખંગાળતા આરોપી અપહરણ કરતો દેખાયો
અમદાવાદ હેબતપુરમાં પાર્ક વ્યૂ ફ્લેટમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બાળક જ્યારે સોસાયટીના કંપાઈન્ડમાં રમત રમતો હતો ત્યારે કાર સવાર ઈસમે તેનું અપહરણ કરી લીધું હતું. બાળક સમયસર ઘરે ન પહોંચતા પરિવાર ચિંતિત બન્યો હતો. સોસાયટીમાં તપાસ હાથ ધરી હતી. પણ કોઈ ભાળ ન મળતા આખરે પરિવારએ પોલીસ ફરિયાદ કરી હતી. તાત્કાલિકના ધોરણે પોલીસે સોસયાટીના લોકોનું પૂછપરછ તેમજ સીસીટીવી કબજે કરવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં સંદિગ્ધ ગતિવિધિ નજરે પડતાં પોલીસે તે દીશામાં તપાસ આરંભી હતી.
અપહરણ કરનાર શખ્સ સોસાયટીનો સભ્ય નીકળ્યો
પોલીસ તપાસમાં અપહરણ અંગે મોટો ખુલાસો થયો હતો. હેબતપુરમાં પાર્ક વ્યૂ ફ્લેટમાંથી જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તેના પરથી પડદો ઉઠ્યો હતો. બાળક રમતો હતો ત્યારે સોસાયટીના સભ્યએ અપહરણ કરવાનું ખૂલ્યું હતું. પોલીસે આ મામલે આરોપી રાહુલ પટેલની ધરપકડ કરી હતી.અપહ્યત બાળકને છોડાવ્યો હતો.
અપહરણ અને હત્યા પ્રયાસનો ગુનો નોંધાયો
હાલ પોલીસે બાળકનું અપહરણ કેમ કર્યું, શું ઈરાદો હતો તેમજ કેવી રીતે કર્યું અનેક સવાલોના જવાબ આરોપી રાહુલ પટેલ પાસેથી મેળવી રહી છે. તેમજ પોલીસે અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી વિરુધ્ધ કાર્યવાહી પણ કરી છે.