Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સલામ / સરકારે 10 વર્ષ રાહ જોવડાવી, 80 લાખનો ચૅકડેમ ગ્રામજનોએ જાતે 5 લાખમાં બનાવી દીધો

સરકારે 10 વર્ષ રાહ જોવડાવી, 80 લાખનો ચૅકડેમ ગ્રામજનોએ જાતે 5 લાખમાં બનાવી દીધો

રાજ્યમાં ઉનાળો તેના અંતિમ પડાવ તરફ કદમતાલ કરી રહ્યો છે. જો કે તેમ છતાં રાજ્યમાં ચોમાસાના કોઈ ચિહ્નો જણાતા નથી. પરિણામે પાણીની સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે લોકો જળ વ્યવસ્થાપન માટે સરકાર સામે બાંયો ચડાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ રાજ્યમાં જોવા મળી રહ્યા છે. જળ માટેના આ લોકજંગથી વિપરિત જૂનાગઢના ખાંભાગીર ગામમાં એવા  દ્રશ્યો પણ જોવા મળ્યા કે જ્યાં જળસમસ્યાના કાયમી ઉકેલ માટે લોકોએ જાતે જ ઓજારો ઉપાડી લીધા છે. તો લોકફાળા અને સામૂહિક શ્રમદાનથી ગ્રામજનોએ શું કર્યું છે એવું કામ કે જેની  આપણે સહુએ લેવી પડે છે નોંધ.

ઉલ્લેખનીય છે કે, આજે જ્યારે સમગ્ર રાજ્યમાં પાણીની તંગીના પોકાર સંભળાઈ રહ્યા છે ત્યારે  વહીવટી તંત્ર  આ સમસ્યાના  ઉકેલ માટે નિક્રીય જણાઈ રહ્યું છે. ગણ્યાગાંઠયા પગલાં બાદ લોકોને સતાવતી જળતંગી હજુ યથાવત જ છે. પરિણામે ક્યાંક નાગરિકો સરકાર સામે વેદનાનું પ્રદર્શન કરી રહ્યા છે તો ક્યાંક પાણી માટે અંદરો અંદર બેડાંયુદ્ધ ખેલી રહ્યા છે. પાણી માટેના આ જંગ વચ્ચે  જૂનાગઢ જિલ્લાના ખાંભાગીર ગામમાં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યા.

 

ગ્રામજનોએ આપ્યું શ્રમદાન
ગીરખાંભા ગામમાં પણ પાણીની તંગી તો સતાવી જ રહી છે પરંતુ ગામના લોકોને આ માટે સરકાર સામે હૈયા વરાળ ઠાલવવા કરતાં પોતાના બાવડાના બળને શ્રમ માર્ગે વાળવાનું વધારે  યોગ્ય લાગી રહ્યું છે. ગ્રામજનોએ લોકફાળા અને સામૂહિક શ્રમદાન દ્વારા જાતે જ ચેકડેમ બનાવવાનું શરૂ કરી દીધું છે. કેમ કે તેમને પરેશાન કરતી  સમસ્યાનું સમાધાન તેમને સરકાર પાસેથી નહી પરંતુ પોતાની જાતમહેનત માંથી નીકળી શકશે તેવુ લાગી રહ્યું છે. 

આ ચેકડેમ સ્થાનિક બેલાથી બની રહ્યો છે. ગામ લોકોએ લોકફાળો ભેગો કરીને આ ચેકડેમનું કામ આદરી દીધું છે. એટલું જ નહીં તેઓ શ્રમફાળો પણ આપી રહ્યા છે. સિમેન્ટ હોય કે રેતી, કે બેલા હોય કે, પથ્થર આ ચેકડેમમાં બધું એ ગ્રેડનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યુ છે. નિર્માણ પામી રહેલો આ ચેકડેમ કહી રહ્યો છે કે આ ગામના ખુદ્દાર નાગરિકો સરકારી યોજનાઓના ઓસિયાળા નથી અને એટલે જ તો આ ચેકડેમના નિર્માણમાં તેમણે સરકારી ભ્રષ્ટાચાર આભડવા દીધો નથી. 

80 લાખના ખર્ચ સામે 5 લાખમાં બન્યો ચેકડેમ
તમને જાણીને નવાઈ લાગશે  કે ગામલોકો દ્વારા તૈયાર થઈ રહેલા આ 14 ફૂટ ઊંચા અને 75 ફૂટ પહોળા ચેકડેમના નિર્માણ માટે આજથી દસ વર્ષ પહેલા સરકારે 80 લાખના ખર્ચનો અંદાજ મુક્યો હતો. પરંતુ  આજે ગ્રામજનો એ જ  જગ્યા પર આ ચેકડેમ બનાવી  રહ્યા છે. તે માત્ર રૂપિયા ચારથી 5 લાખમાં જ તૈયાર થઈ જવાનો છે. સાંભળો તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખૂલી પાડતી આ વાત.. 

જાત મહેનત ઝિંદાબાદની કહેવત સાચા અર્થમાં સાકાર
જગતના તાતને આખરે જોઈએ શું? અન્નથી લોકોના પેટ ભરનારી આ જાતને તો બસ માત્ર પાણી જોઈએ. પાણી હોય તો આખી ધરતી નંદનવન કરી નાખે તેટલી તાકાત તેના બાવડામાં હોય છે. આ ચેકડેમ પર આ ગામના ધરતીપુત્રોની ઊંચી આશા છે. .તેમની મહેનતું ફળ આ ચોમાસામાં જ મળશે જ્યારે આ ચેકડેમ ચિક્કાર ભરાઈ જશે.

ગ્રામજનો  ધારે તો શું ના કરી શકે? એનું ઉદાહરણ આજે ખાંભા ગામ ના લોકો એ પૂરું  પાડયું  છે, ગામલોકોએ જાત મહેનત ઝિંદાબાદની કહેવત ને સાચા અર્થમાં  સાકાર કરી છે, બસ હવે તો મેઘો ચિક્કાર વર્ષે તો તેને પોતાનામાં સમાવી લેવા આ ચેકડેમ પોતાના હાથ   પ્રસારીને  બેઠો છે.  
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ