કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે વાહન ચાલકોએ હવે ટોલ ટેકસ પણ ભરવો પડશે. ભાદરવા ગામ નજીક આગામી બે મહિના એટલેકે દિવાળી સુધીમાં ટોલ પ્લાઝા કાર્યરત કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પર કારના 105, બસ અને ટ્રકના 205 અને હેવી વાહનો 260 રૂપિયા સુધીના ટોલના દર નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ 380 અને 1,000 રૂપિયાની ટીકીટ ખરીદતા હોય છે અને હવે તેમના માથે ટોલનું વધારાનું ભારણ આવશે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા હજુ થોડા વધુ રૂપિયા ખર્ચવા પડશે
ગુજરાતમાં આવનારા ટુરિસ્ટ્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહત્વનું આકર્ષણ બની ગયું છે. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉમેરો થયો છે, ત્યારથી ઠંડી હોય કે ગરમી, દરેક સીઝનમાં અહીં હવે પ્રવાસીઓની ભીડ ઉમટેલી જોવા મળે છે. 350 રૂપિયાનો ટિકીટ દર હોવા છતાં મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટે છે. હવે પ્રવાસીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોવા માટે હજી થોડા વધુ રૂપિયા ખર્ચવા લાગશે.
જોકે સ્ટેચ્યુને નિહાળવાની ટિકીટમાં કોઈ જ વધારો થયો નથી. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ટોલ પ્લાઝાની કામગીરી પૂર્ણતાના આરે છે. તેથી ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર મુસાફરો પાસેથી ટોલ વસૂલવામાં આવશે.
દિવાળી સુધીમાં ટોલ પ્લાઝા થશે કાર્યરત
ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રસ્તો બનાવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરથી ગરુડેશ્વર થઇ કેવડિયા સુધીના નવા રસ્તાનું નિર્માણ કરાયું છે. 450 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બની ગયા બાદ હવે સરકારે ટોલ વસૂલવાની કવાયત હાથ ધરી છે. આ માટે ભાદરવા ગામ પાસે ટોલ પ્લાઝા બનાવાઈ રહ્યો છે. જે દિવાળી સુધી ટોલ પ્લાઝા કાર્યરત થઈ જશે તેવું જાણવા મળે છે.
આવું જ ટોલ પ્લાઝા અંકલેશ્વર-કેવડીયા રોડ પર પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે. અમદાવાદ અને વડોદરા તરફથી આવતાં વાહન ચાલકોએ હવે ભાદરવા ખાતે ટોલ ભરવાનો રહેશે. બીજી બાજુ મહારાષ્ટ્રથી વાયા બોડેલી થઇ મધ્યપ્રદેશ જતાં વાહનોને પણ આ ટોલ પ્લાઝા માં ટેક્સ ભરીને જવું પડશે.