બિલ અદ્ધરતાલ! /
તુવેરકાંડના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જ્યારે ખેડૂતોના બિલના ચૂકવણા હજુ બાકી
Team VTV09:43 PM, 23 Jun 19
| Updated: 10:34 PM, 23 Jun 19
રાજ્યમાં કૃષિ જણસ જાણે કૌભાંડ આચરવાનું હાથવગું સાધન બની ગયું હોય તેમ કૃષિ પાકના નામે એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યું છે. રાજ્યમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા મગફળી કાંડ અને તુવેરકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ફરીવાર પાછું ગાંધીધામમાં મગફળી કાંડ બહાર આવી ગયું. જો કે આ કૌભાંડે ફરી પાછો કેશોદ તુવેરકાંડના જખમ તાજા કરી દીધા છે. કેશોદ તુવેરકાંડના આરોપીઓ હાલ જામીન ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પરંતુ ખેડૂતોના મગફળીના ચુકવણા તુમારશાહીના નિયમોમાં અટવાઈ ગયા છે.
ખુલ્લેઆમ ફરતા આરોપીઓ અને કેદ થયેલા મહેનતના નાણાં....
રાજ્યમાં ક્યારેક તુવેરકાંડ, તો ક્યારેક મગફળી કાંડ, ક્યારેક વળી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ તો ક્યારેક ખાતરકૌભાંડ. આવા અનેક કૌભાંડોએ ખેડૂતોનો સરકાર પ્રત્યેનો ભરોસો તોડી નાખ્યો છે. રાજ્યમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા મગફળી ભેળસેળ કૌભાંડ અને તુવેર કૌભાંડ બાદ ફરી પાછું ગાંધીધામમાં જ મગફળીકાંડ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને કેશોદ તુવેરકાંડનો ભોગ બનેલા ખેડૂતોના જખ્મ તાજા કરી દીધા છે.
તમામ આરોપીઓ જામીન પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે
ગત એપ્રિલ માસમાં કેશોદમાં તુવેર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તે વખતે સરકારે આ કૌભાંડના આરોપીઓને ઝડપીને કડક સજા કરવાની બાયંધરી આપી હતી. પરંતુ આજે સ્થિતિ જુદી છે. તમામ આરોપીઓ જામીન પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તુવેરકાંડના આરોપીઓને તો સજા ન થઈ પરંતુ મહેનતકશ ખેડૂતોને આ કેસમાં જરૂર સજા થઈ છે.
300 જેટલા ખેડૂતોના બિલ બાકી
કેશોદ સેન્ટર ઉપર તુવેર આપનારા 300 કરતા વધુ ખેડૂતોના બિલના ચુકવાણા હજુ બાકી છે. અજાબ ગામના 70 જેટલા ખેડૂતોના બિલ બાકી છે. આ ખેડૂતો હાલ નવી સિઝનની વાવણી ટાણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
મગફળીના ચૂકવણા કરી દેવાનો મુદ્દો વિસરાઈ ગયો
ચોમાસાની શરૂઆત થઈ છે અને ખેડૂતોને પોતાના ખેતરોમાં વાવણી કરવા બિયારણ ખાતર લાવવા માટે નાણાની સગવડ કરવી જરૂરી બની ગઈ છે. તેમને આશા હતી કે તેમણે વેચેલી મગફળીના નાણાનો તેમને નવી સિઝનમાં આર્થિક ટેકો મળી રહેશે. પરંતુ તેમની આશા ઠગારી નીવડી છે. આ ખેડૂતોઓ ગત 11 એપ્રિલે કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પોતાની મહેનતની એ ગ્રેડની મગફળી વેચી હતી. પરંતુ વચેટિયાઓએ અને કૌભાંડકારીઓએ મગફળીમાં ભેળસેળ આચરીને કૌભાંડ આચર્યું હતી. તે રાજ્યમાં એવું તો ગાજ્યું કે, પછી બધા મગફળીકાંડના આરોપીઓને સજાની માગ કરવા લાગ્યા અને તપાસનો દૌર શરૂ થઈ ગયો. પરંતુ આ બધામાં મહેનતું અને ઈમાનદાર ખેડૂતોને તેમની મગફળીના ચૂકવણા કરી દેવાનો મુદ્દો વિસરાઈ ગયો છે.
આ કૌભાંડની સજા જાણે પ્રામાણિક ખેડૂતોને મળી
આજે આ મગફળી કૌભાંડના આરોપીઓ જામીન પર ફરી રહ્યા છે. પરંતુ તેની આ કૌભાંડની સજા જાણે પ્રામાણિક ખેડૂતોને મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી અનેક ખેડૂતોને તેમણે વેચેલી મગફળીના નાણાં મળ્યા નથી. ખેડૂતો અનેકવાર રાજ્યના કૃષિ મંત્રી આર.સી ફળદુ, મંત્રી જયેશ રાદડિયા, ઉપરાંત કેશોદ મામલતદાર, અને પ્રાંત અધિકારીને રજુઆત કરી ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. પોતાના હકના નાણા જલદી પરત મળે તે માટે ખેડૂતોની માગ તીવ્ર બની છે.
હજુ સુધી ખેડૂતોના નાણાં કેમ ચૂકવતી નથી સરકાર?
તુવેરકાંડના કૌભાંડીઓને સજા આપવાની વાત તો દૂર રહી. પરંતુ સરકારના વલણ દ્વારા જાણે પ્રામાણિક ખેડૂતોને સજા મળી રહી છે. ત્યારે હવે વાવણીની નવી સિઝનમાં ખેડૂતોની આર્થિક મુશ્કેલીને સમજીને સરકાર ખેડૂતોની મહેનનતા નાણાની જલ્દી ચૂકવણી કરે તેવી તેવી માગ ઉઠી છે. તુવેરકાંડના કૌભાંડીઓ લીલા લહેર કરી રહ્યા છે જ્યારે ખેડૂતોને પ્રામાણિકતાની સજા મળી રહી છે. ત્યારે સવાલ એ ઊભા થાય છે કે, હજુ સુધી ખેડૂતોના નાણાં કેમ ચૂકવતી નથી સરકાર? 7 કૌભાંડીઓને લીલાલહેર અને ખેડૂતોને ડામ કેમ? બિયારણ લેવા માટે ખેડૂતો હકના પૈસા છોડી વ્યાજે પૈસા લે?મંત્રીઓને અનેક રજૂઆતો બાદ પણ ખેડૂતોની મુશ્કેલી કેમ દૂર ન થઈ? શું વાવણીના સમયે ખેડૂતોની મુશ્કેલી સરકાર નહીં જ સમજે?