keep a close watch on situation govt to officials amid monkeypox cases in europe
BIG NEWS /
સ્વાસ્થ્ય મંત્રાલય થયું સતર્ક: મંકીપોક્સ પર નજર રાખો, એરપોર્ટ સહિતની જગ્યાઓ પર સાવધાની રાખવા અપાયા આદેશ
Team VTV10:57 AM, 21 May 22
| Updated: 11:02 AM, 21 May 22
અમુક દેશોમાં નવા વાયરસ મંકીપોક્સના કેસોની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને આઈસીએમઆરને સ્થિતિ પર કડક નજર રાખવાના આદેશ આપ્યા છે.
વિશ્વમાં એક નવા વાયરસની એન્ટ્રી
મંકીપોક્સની ગંભીરતા જોતા WHO પણ સતર્ક
ભારત સરકારે આપ્યા આ આદેશ
અમુક દેશોમાં નવા વાયરસ મંકીપોક્સના કેસોની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને આઈસીએમઆરને સ્થિતિ પર કડક નજર રાખવાના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એરપોર્ટ અને પોર્ટના સ્વાસ્થ્ય અધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. એક સત્તાવાર સૂત્રએ કહ્યું કે, તેમને નિર્દેશ આપવામા આવ્યા છે કે, મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી મુસાફરી કરીને આવેલા બિમાર મુસાફરોને અલગ રાખવામાં આવે અને તેમના ટેસ્ટ કરીને પુણેની નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની બીએસએલ4 સુવિધાને મોકલવામાં આવે. તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રીએ ગુરૂવારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને આઈસીએમઆરને ભારતમાં આવેલા સ્થિતિ પર કડક નજર રાખવાના આદેશ આપ્યા છે.
WHO એ બોલાવી ઈમરજન્સી બેઠક
દુનિયાના અમુક દેશોમાં મંકીપોક્સ વાયરસના વધતા કેસોએ ચિંતા વધારી છે. આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ મીટિંગનો મુખ્ય એજન્ડા આ વાયરસના ટ્રાંસમમિશનના કારણો અને માધ્યમ પર ચર્ચા કરવાનો રહેશે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સમલૈંગિક લોકોની વચ્ચે આ વાયરસના પ્રસાર થવાનો સૌથી વધારે ખતરો છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીએ શુક્રવારે આ પ્રકારનું તારણ કાઢ્યું હતું. મે મહિનાની શરૂઆતમાં બ્રિટેન, સ્પેન, બેલ્ઝિયમ, ઈટલી, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત કેટલાય દેશોમાં મંકીપોક્સ વાયરસના લક્ષણ મળ્યા છે.
ઈંગ્લેન્ડમાં નોંધાયો હતો પ્રથમ કેસ
યુકેની હેલ્થ એજન્સીએ 7 મેના રોજ ઈંગ્લેન્ડમાં મંકીપોક્સ વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ કરી હતી. સંક્રમિત દર્દી નાઈઝિરીયાથી આવ્યો હતો. તો વળી 18 મેના કોજ અમેરિકામાં પણ એક વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત મળ્યો હતો, જે કેનેડાથી મુસાફરી કરીને પાછો આવ્યો હતો.
વૈજ્ઞાનિકોના મતે મંકીપોક્સ શીતળાના વાયરસના પરિવાર સાથે સંબંધિત છે. જો કે તે બહુ ગંભીર નથી અને નિષ્ણાતો કહે છે કે, ચેપની શક્યતા ઓછી છે. તેના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, પીઠનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સામાન્ય સુસ્તીનો સમાવેશ થાય છે.
મંકીપોક્સના લક્ષણો
એકવાર તાવ ઉતરી જાય પછી, આખા શરીરમાં ફોલ્લીઓ થઈ શકે છે. આ ફોલ્લીઓ ઘણીવાર ચહેરા પર શરૂ થાય છે, પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, સામાન્ય રીતે હાથની હથેળીઓ અને પગના તળિયા. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી મંકીપોક્સ થઈ શકે છે.
આ વાયરસ ત્વચા, શ્વસન માર્ગ અથવા આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તે વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક દ્વારા અથવા વાયરસથી દૂષિત વસ્તુઓ, જેમ કે પથારી અને કપડાંના સંપર્ક દ્વારા પણ ફેલાય છે.