ટેલિવૂડનો સૌથી ચર્ચાતો અને જાણીતો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ આજે એટલે કે 19 ઓગસ્ટની રાતે 9 વાગ્યાથી ફરી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો સોમવારથી શુક્રવાર રાતના 9 વાગે આવશે.
સોની ટીવીના ટ્વિટર હેન્ડલથી શોનો પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન શોમાં સ્ટાઈલિશ અંદાજમાં એન્ટ્રી કરશે તેમ જણાવાયું છે. આ પ્રોમો વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને તે શેર પણ થઈ રહ્યો છે. પ્રોમો વીડિયોમાં અભિતાભ બચ્ચન કહે છે કે સોની વાળાએ બધું બનાવ્યું છે. જ્યારે સેટ સ્ટાઈલિશ છે તો મારી એન્ટ્રી પણ થોડી સ્ટાઈલિશ હોવી જોઈએ. આ પછી અમતાભ નવા અને આકર્ષક સેટ પર પોતાના કોટને સરખો કરતાં એન્ટ્રી કરે છે. અમિતાભ કહે છે, સારું લાગ્યું ને, બહુ મજા આવશે. સોમવારથી તમે અને હું મળીને રમીશું કૌન બનેગા કરોડપતિ રાતે 9 વાગે.
વીડિયોના કેપ્શનમાં સોની ટીવીએ લખ્યું, ખેલ વહી, અંદાજ નયા. અમિતાભ બચ્ચન આવી રહ્યા છે કેબીસીની નવી સીઝનની સાથે કાલથી. ઉલ્લેખનીય છે કે આ નવી સીઝનમાં કંઇક નવું થવા જઈ રહ્યું છે. આ વખતે રમતના નિયમોની સાથે સાથે ઈનામની ધનરાશિમાં પણ પરિવર્તન કરવામાં આવશે. પણ તે શું હશે તેની જાણકારી આપવામાં આવી નથી. શોની પહેલી સીઝન વર્ષ 2000માં શરૂ કરવામાં આવી હતી. ટેલીવિઝનના આ જાણીતા રિયાલિટી શોએ પહેલી સીઝનના દર્શકોને આર્કષ્યા હતા.
આપને જણાવી દઈએ કે વર્ષ 2000ની પહેલી સીઝન બાદ વર્ષ 2005માં બીજી સીઝન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2007 સુધી ત્રણ સીઝન સુધી બ્રોડકાસ્ટ કર્યા બાદ 2010માં ચોથી સીઝન આવી. 2010 પછી કેબીસીનું પ્રસારણ સતત દર વર્ષે ચાલુ રહ્યું. આ સમયે શોની ત્રીજી સીઝનને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. અન્ય 9 સીઝન અમિતાભ બચ્ચને જ હોસ્ટ કરી હતી અને આ વખતની 11મી સીઝન અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે.