Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

દુષ્કર્મ કેસ / કઠુઆ કાંડ: આપણું મૌન અને અસંવેદનશીલતા ખતરનાક

કઠુઆ કાંડ: આપણું મૌન અને અસંવેદનશીલતા ખતરનાક

સમગ્ર દેશને હચમચાવી દેનારા જમ્મુ-કાશ્મીરના કઠુઆ સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે દોષિતોને સજા મળી ગઈ. પઠાણકોટની સ્પેશિયલ કોર્ટે 373 દિવસોની સુનાવણી બાદ 380મા દિવસે સોમવારે આઠ આરોપીઓમાંથી છને દોષી જાહેર કર્યા.

જઘન્ય કાંડના મુખ્ય આરોપી સાંઝીરામ, દીપક ખજુરિયા (એસપીઓ) અને પ્રવેશકુમારને આજીવન કેદ અને ચાર-ચાર લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી. એસપીઓ સુરેન્દ્રકુમાર, સબ ઈન્સ્પેક્ટર આનંદ દત્તા અને હેડ કોન્સ્ટેબલ તિલક રાજને પૂરાવા નષ્ટ કરવા માટે પાંચ-પાંચ વર્ષની કેદ અને 50-50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. મુખ્ય આરોપી સાંઝીરામના પુત્ર વિશાલ જંગોત્રાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, જ્યારે આઠમો આરોપી સગીર વયનો હોવાથી તેને કોર્ટની પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ના સ્થાને રણવીર પીનલ કોડ લાગુ પડે છે. આથી દોષીઓને આરપીસી હેઠળ સજા સંભળાવવામાં આવી છે. ન્યાયાધીશ ડૉ. તેજવિંદર સિંહે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, આ અપરાધના ગુનેગારોએ એવું કૃત્ય કર્યું છે, જેનાથી સમાજમાં જંગલરાજ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ કેસમાં તથ્યો અનેક છે, પરંતુ સત્ય ફક્ત એક છે અને તે એ છે કે અપરાધિક ષડ્યંત્ર રચીને આઠ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું, તેને બંધક બનાવવામાં આવી, તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ તેની ક્રૂર હત્યા કરી દેવામાં આવી.

ભાજપ-PDP સરકારના પાયા હલાવી દીધા હતા

જાન્યુઆરી, 2018માં બનેલા કઠુઆ દુષ્કર્મ-હત્યા કેસે જમ્મુ-કાશ્મીરની ભાજપ-પીડીપી સરકારના પાયા હચમચાવી દીધા હતા. આખરે દોઢ વર્ષના સમય બાદ આખરે આ કાંડના આરોપીઓને સજા મળી છે. 

જે દેશમાં નારીનું પૂજન થાય છે ત્યાં એક દેવીસ્થાનમાં આચરવામાં આવેલું આ કૃત્ય રાજનીતિથી પર હોવું જોઈએ અને પીડિતાને ન્યાય મળે તે સિવાય બીજી કોઈ વાત ન થવી જોઈએ, પણ આપણા નિંભર અને દરેક ઘટનાનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરતા નેતાઓ કઠુઆ કાંડ પર પણ રાજકીય રોટલા શેકવા આતુર હતા. 

એક સમયે પ્રધાનોએ પણ આરોપીનું સમર્થન કર્યુ હતું

ધરપકડ કરાયેલા આરોપીઓના સમર્થનમાં સરઘસો કાઢવામાં આવ્યા અને તત્કાલિન પીડીપી-ભાજપ સરકારના બે પ્રધાનો પણ તેમાં જોડાયા. હિંદુ એકતા મંચની આ રેલીમાં ભાગ લેવા બદલ ભાજપે તેના બે પ્રધાનો ચૌધરી લાલસિંહ અને ચંદર પ્રકાશ ગંગાને સસ્પેન્ડ કરવા પડ્યા.

આપણું મૌન ખતરનાક

માસૂમ સાથે જ્યારે દુષ્કર્મની કોઈ ઘટના બને ત્યારે આપણે થોડો રોષ પ્રગટ કરીને, સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરીને, તંત્રને ભાંડીને અને કેન્ડલ માર્ચ કાઢીને થોડા દિવસોમાં બધુ ભૂલી જઈએ છીએ. આપણે એટલા સ્વાર્થી અને અસંવેદનશીલ સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ કે દરેક જઘન્ય ઘટનાના થોડા દિવસો બાદ જાણે કંઈ બન્યું જ નથી તેમ બીજી વાતોમાં મશગુલ થઈ જઈએ છીએ. કહેવાય છે કે, સમાજ માટે સજ્જનોનું મૌન સૌથી વધુ ખતરનાક નિવડતું હોય છે અને આપણને મૌન રહેવાની બહુ ખરાબ આદત પડતી જાય છે. 

આંકડાઓ અનુસાર, દેશમાં દર બેથી પાંચ મિનિટે કોઈને કોઈ બાળકી કે મહિલા યૌન ઉત્પીડનનો શિકાર બને છે. એક તરફ મોટા ઉપાડે ‘બેટી બચાઓ, બેટી પઢાઓના નારા’ છે અને બીજી તરફ આપણું અકળાવનારું જવાબદાર મૌન છે. કઠુઆ કાંડ બાદ પણ અનેક એવી ઘટનાઓ બની છે અને માસૂમ જિંદગીઓ રોળાઈ છે, પરંતુ માનવી તેની પશુતા છોડવા તૈયાર જ ન હોય તેવું લાગી રહ્યું છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ