karnataka govt said no second chance for students who skipped exams over hijab issue
હિજાબ વિવાદ /
વિદ્યાર્થીઓ સામે સરકારે લીધા એક્શન, ફરી વાર નહીં આપી શકે આ પરીક્ષા, જાણો ક્યાં લેવાયો નિર્ણય
Team VTV11:07 AM, 21 Mar 22
| Updated: 12:25 PM, 21 Mar 22
કર્ણાટકમાં હિજાબ મુદ્દે પરીક્ષાનો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ફરી વાર પ્રેક્ટિકલ પરીક્ષામાં નહીં બેસવા દેવાનો સરકારે નિર્ણય કર્યો છે.
હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થીનીઓએ પ્રેક્ટિકલ પરીક્ષાનો કર્યો હતો બહિષ્કાર
કર્ણાટક સરકારે આવાં વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં આપવા દેવાનો લીધો નિર્ણય
ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થીનીઓએ પ્રેક્ટિકલ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે આવી વિદ્યાર્થીનીઓને ફરી વાર પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવશે તેવું અગાઉ કહેવાયું હતું. પરંતુ સરકારે રવિવારે સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ માટેના તે વિકલ્પને નકારી કાઢ્યો છે. આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ બોર્ડની પરીક્ષાનો એક ભાગ હતી, હવે પરીક્ષા છોડી દેનાર વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું કે, આપણે શક્યતા પર વિચાર પણ કેવી રીતે કરી શકીએ? જો અમે હાઈકોર્ટના વચગાળાના આદેશ બાદ પણ હિજાબ પહેરવાની પરવાનગી નહીં આપવા માટે પ્રેક્ટિકલનો બહિષ્કાર કરનાર વિદ્યાર્થીનીઓને અનુમતિ આપીએ છીએ તો અન્ય વિદ્યાર્થી અન્ય કોઈ કારણ દર્શાવીને આવશે અને બીજી તક માંગશે. આ અશકય છે.
70 ગુણની લેખિત પરીક્ષામાં થઇ શકે છે સામેલ
PU પરીક્ષામાં, પ્રેક્ટિકલમાં 30 ગુણ અને થિયરી 70 હોય છે, કુલ 100 પ્રતિ પેપર હોય છે. હિજાબના વિવાદમાં જે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા છોડી દીધી છે તેઓને હવે પૂરા 30 નંબરોનું નુકસાન થશે. જો કે, જે વિદ્યાર્થીનીઓ તેમના શૈક્ષણિક સત્રને બચાવવા ઇચ્છે છે તે 70 ગુણની લેખિત પરીક્ષામાં બેસી શકે છે અને વિષયમાં પાસ થઈ શકે છે.
'બીજી તક આપવા માટે ખોટી પ્રેક્ટિસ'
12માંની બોર્ડની પરીક્ષા 22 એપ્રિલથી શરૂ થઈ રહી છે. કાયદા મંત્રી જેસી મધુસ્વામીએ મૈસૂરમાં કહ્યું કે, ''અમે પહેલેથી જ કહ્યું છે કે, કોઈએ કોર્ટના આદેશનો અનાદર કરવો જોઈએ નહીં. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા માટે બીજી તક ન આપવાના અમારા વલણમાં કોઈ જ ફેરફાર નથી કરાયો.''
8, 9 અને 11નાં વિદ્યાર્થીઓને મળી શકે છે તક
મંત્રી નાગેશે કહ્યું કે, સરકાર 8, 9 અને 11માં ધોરણમાં શાળા સ્તરે લેવાતી પ્રાથમિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બીજી તક આપવાનું વિચારી શકે છે. જો કે, અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે છેડછાડ કરી શકતા નથી, કારણ કે આમ કરવાથી અલગ પરિણામો આવશે.