ગુજરાતીમાં કહેવત છે કે પોલુ છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી? સાંબેલુ બજાવે તો હું જાણું કે તું શાણો છે. બસ આ જ કહેવતને સાર્થક કરતો એક વીડિયો સામે આવ્યો છે. પણ હા અહીં સાંબેલુ નથી પણ એક ફાયબરની લાકડી છે. ફાયબરની લાકડીને વાંસળી બનાવીને વાંસળી વગાડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો છે બેંગાલુરૂમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલનો. કોન્સ્ટેબલ ચંદ્રકાંત બેંગાલુરૂ પોલીસમાં ડ્યૂટી બજાવે છે. તેઓએ એક ફાયબરની લાકડીમાંથી વાંસળી બનાવી છે. આ વાંસળીથી તેઓ વિવિધ ધૂન પણ વગાડે છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આવામાં આપણાં સમાજમાં જ્યાં પોલીસની છબી ખરડાયેલી જોવા મળતી હોય છે ત્યારે ખાખી વર્દીની બીજી બાજુ પણ જોવા મળી છે. ત્યારે જો એક પોલીસકર્મી કલાકાર પણ હોય તો તેના માટે એક અલગ માન મનમાં પેદાં થઈ જતું હોય છે. એટલે જો પોલીસ ખરેખર એક કલાકારની જેમ ઈમાનદારી અને સાચા મનથી સમાજની સેવા કરે તો સમાજ સહર્ષ સ્વીકારી લે તેમાં કોઈ બેમત નથી.