Karan Johar will make a film based on a Gujarati drama, Sara Ali Khan will play the role of Usha Mehta
VTV એક્સક્લુઝિવ /
ગુજરાતી નાટક પરથી ફિલ્મ બનાવશે કરણ જોહર, સારા અલી ખાન નિભાવશે ઉષા મહેતાનો રોલ
Team VTV05:52 PM, 27 Jan 23
| Updated: 01:33 PM, 31 Jan 23
IPTAની ઇન્ટર-કોલેજિએટ ડ્રામા કોમ્પિટિશનમાં બેસ્ટ સ્ક્રિપ્ટ અને બેસ્ટ ડ્રામા એમ બે ઍવોર્ડ જીતી ચૂકેલું નાટક ‘ખર ખર’ ગુજરાતી સ્વાતંત્રસેનાની ઉષા મહેતાની લાઇફ પર આધારિત છે, ફિલ્મમાં ઉષાબહેનનું કૅરેક્ટર સારા અલી ખાન કરે છે
કોમેડી-કિંગ સંજય ગોરડિયાના દીકરાની ઊંચી છલાંગ
અમાત્ય સંજય ગોરડિયાના નાટક પરથી કરણ જોહર બનાવી રહ્યા છે ફિલ્મ
‘રાઝી’ અને ‘શેરશાહ’ની સકસેસ પછી હવે કરણ જોહર ગુજરાતી ફ્રીડમ-ફાઇટર ઉષા મહેતાની લાઇફ પરથી ‘એ વતન મેરે વતન’ બનાવે છે,જેમાં ઉષા મહેતાનું કૅરેક્ટર સારા અલી ખાન કરે છે. મજાની વાત એ છે કે ઉષા મહેતા પર બનનારી આ ફિલ્મ જાણીતા એક્ટર-પ્રોડ્યુસર અને ડિરેક્ટર સંજય ગોરડીયાના દીકરા અમાત્ય ગોરડીયા અને પ્રિતેશ સોઢા લિખિત-ડિરેક્ટેડ સુપરહીટ થયેલા નાટક ‘ખર ખર’ પર આધારિત છે. ચાર વર્ષ પહેલાં યોજાયેલી IPTAની ઇન્ટર-કોલેજિએટ ડ્રામા કોમ્પિટિશનમાં ‘ખર ખર’ને બેસ્ટ સ્ક્રિપ્ટ અને બેસ્ટ ડિરેકશનના એવોર્ડ પણ મળ્યા હતાં. ‘ખર ખર’ નાટકથી ઉષા મહેતા બોલીવૂડની નજરમાં આવ્યા અને એના રાઇટ્સ લઈને કરણ જોહરે એમેઝોન પ્રાઇમ માટે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ.
આ વાતનેને લઈને હાલ અમાત્ય ગોરડિયા નૅચરલી બહુ ખુશ છે. આ વિશે વાત કરતાં અમાત્યએ કહ્યું હતું, ‘એ સબ્જેક્ટ જ એવો છે કે કોઈ પણ ક્રીએટિવ વ્યક્તિને એમાં દિલચશ્પી જાગે.’
ઉષા મહેતા વિશે થોડી જાણકારી
-ઉષા મહેતાનો જન્મ સુરત પાસે આવેલા સરસ નામના ગામમાં થયો હતો. ઉષા મહેતાએ આઝાદીની ચળવળમાં બહુ મહત્વનો રોલ નિભાવ્યો હતો અને ૧૯૪૨માં તેમણે અન્ડરગ્રાઉન્ડ રહીને કૉન્ગ્રેસ રેડિયો શરૂ કર્યો હતો, જે રેડિયોએ બ્રિટિશરોને ધ્રુજાવી દેવાનું કામ કર્યુ. -ઉષા મહેતાએ અનઓફિશિયલ શરૂ કરેલો કૉન્ગ્રેસ રેડિયોના મેગાહર્ટઝ પકડીને એના આધારે બ્રિટિશ ગવર્મેન્ટ દરેક જગ્યાએ રૅડ પાડતી હતી પણ દર વખતે ઉષા મહેતા અને તેની ટીમ નીકળી જતી. જોકે એક વખત એક ટેકનિશ્યિન ફૂટી જતાં ઉષા મહેતા સહિત કેટલાક લોકો રંગેહાથ પકડાઈ ગયા, જેમાં ઉષાબહેનને ચાર વર્ષની સખત કેદની સજા થઈ અને તેમને યેરવડા જેલમાં રાખવામાં આવ્યા હતાં.
-કૉન્ગ્રેસ રેડિયોના કારણે સ્વતંત્ર ચળવળમાં એ સમયની નવી જનરેશન પણ જોડાઈ, જેણે દેશને આઝાદી અપાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો.
-ઉષા મહેતાએ જે પ્રકારે દેશદાઝ દેખાડી હતી અને બ્રિટિશરો સામે શરૂ થયેલી એ ચળવળમાં હિંમતપૂર્વક તથા સાવ નવી જ રીતે હિસ્સેદારી લેવા બદલ ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત પણ કર્યા હતાં.
ગુજરાતી નાટકો પરથી ફિલ્મ
અગાઉ ‘કાનજી વિરુદ્ધ કાનજી’ નાટક પરથી ‘ઓહ માય ગોડ’, ‘૧૦૨ નોટ આઉટ’, ‘શારદા’ નાટક પરથી ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ જેવી સુપરહીટ ફિલ્મ બની ચૂકી છે તો આવતાં દિવસોમાં ‘કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલ’ પરથી શર્મન જોષી અને પરેશ રાવલની ફિલ્મ ‘આંખમિચૌલી’ તો મનોજ જોષીના સુપરહીટ નાટક ‘ચાણક્ય’ પરથી અજય દેવગણની ‘ચાણક્ય’ નામની ફિલ્મો પણ જોવા મળશે.