Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અમદાવાદ / કાંકરિયા અકસ્માત બાદ હવે તંત્ર અહીં પણ બેદરકારી ન દાખવે તો સારું, કારણ કે...

કાંકરિયા અકસ્માત બાદ હવે તંત્ર અહીં પણ બેદરકારી ન દાખવે તો સારું, કારણ કે...

કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં ગઇ કાલે સાંજે પ-૩૦ વાગ્યે રાઇડ તૂટી પડતાં બે સહેલાણીનાં મોત થયાં હતાં અને ર૯ ઘાયલ થતાં તેમને એલજી હોસ્પિટલમાં ઘાયલ કરાયા છે. સમગ્ર શહેરમાં રાઇડની દુર્ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે. જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે સુરતના ટયૂશન કલાસીસના અગ્નિકાંડના પગલે તંત્રે શહેરભરના ટયૂશન કલાસીસની ફાયર સેફટીની ચકાસણીના આદેશ કર્યા હતા, પરંતુ અમદાવાદીઓના કમનસીબે શહેરમાં મ્યુનિ. તંત્રની પીપીપી ભાગીદારી હેઠળ કુલ પાંચ સ્થળે રાઇડની કાયમી વ્યવસ્થા છે.

તેમ છતાં બહારથી રંગરોગાન કરાઇને આકર્ષક દેખાતી રાઇડ જોખમી છે કે કેમ? તેની ચકાસણીને સત્તાવાળાઓએ હજુ સુધી બિલકુલ મહત્ત્વ ન આપતાં આ પાંચ રાઇડની સલામતીનું શું? તે પ્રશ્ન ચચાના ચગડોળે ચઢયો છે. આવતી કાલે કોઇ નવો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની અને આ તમામ રાઇડ્સ સલામત જ છે તેની ખાતરી કોણ આપશે?

છેલ્લે સાબરમતી રિવરફ્રન્ટના આનંદમેેળાની એક રાઇડમાં માસૂમ બાળકો સહિત ર૯ લોકો ફસાયા હતા તે વખતે રાઇડની ફિટનેસ ચકાસણીનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો હતો. જોકે તંત્રે પોતાના પ્રિમાઇસીસમાં પીપીપી ધોરણે ચાલતા એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડની ફિટનેસ ચકાસણીને પણ ગંભીરતાથી લીધી નથી. રાઇડના ઇન્સ્પેકશનના નામે ધુપ્પલ ચાલી રહ્યું છે. એટલે ટેકનિકલ રીતે કોઇ સક્ષમ સત્તા રાઇડના કહેવાતા ફિટનેસ સર્ટિફિકેટના ક્રોસ ચેકિંગ માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે નથી. હોતી હૈ ચલતી હૈની જેમ ગાડું ગબડાવાઇ રહ્યું છે. 

રાજ્ય સરકારના આર એન્ડ ડી વિભાગ તરફથી અપાતા રાઇડ સેફટીના એક વર્ષના સર્ટિફિકેટની ચકાસણી તંત્ર કરતું નથી. કેમકે તંત્ર પાસે એવી કોઇ  વ્યવસ્થા નથી જ્યારે ફાયર બ્રિગેડ વિભાગ પણ ફાયર એનઓસીના મામલે બુકિંગ ઓફિસ ખાતે નિયત ધારાધોરણ મુજબનાં ફાયર એકસટિંગ્વિશર લગાવવામાં આવ્યાં છે કેમ? માત્ર તેની ચકાસણી કરે છે. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગના વડા દસ્તૂર કહે છે કે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડને ફાયર બ્રિગેડનું સર્ટિફિકેટ કાયદાકીય રીતે જરૂરી નથી. ગઇ કાલની દુર્ઘટનામાં સાંકડી જગ્યાના કારણે સીડીથી પાઇપ તૂટવાની જગ્યાની તપાસ કરાઇ નથી. કારણ કે આ જગ્યા જમીનથી ૬૦ ફૂટ ઊંચે છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ આર એન્ડ ડીના વાર્ષિક સર્ટિફિકેટના બદલે માસિક સર્ટિફિકેટનો આગ્રહ રાખીને તેનું ક્રોસ ચેકિંગ કરવાની નીતિ ઘડવી જોઇએ. અત્યારે કાંકરિયા લેકફ્રન્ટના ડાયરેકટર કે તેનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જે તે કોન્ટ્રાકટરના સેફટી એકસપર્ટનું ફિટનેસ સર્ટિફિકેટ રાબેતા મુજબ અપાયું હતું, પરંતુ આ ઉચ્ચ અધિકારીઓ પાસે કોઇ ટેકનિકલ સ્ટાફ ન હોઇ ડિસ્કવરી રાઇડની ફરીથી ચકાસણી થઇ શકી નહોતી.

વસ્ત્રાપુર, પ્રહલાદનગર ગાર્ડન, નરોડા અને કાંકરિયાનાં બે એમ્યુઝમેન્ટ પાર્ક એમ કુલ પાંચ સ્થળે મ્યુનિ. તંત્રના પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક હોવાથી તેની આવકમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનને ૩પથી ૪૦ ટકા રકમ મળતી હોઇ એક રીતે તંત્ર પણ ભાગીદાર છે. એટલે તંત્રની પણ રાઇડની સલામતી વ્યવસ્થાને તપાસવાની એટલી જ જવાબદારી બને છે. 

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને રાઇડની ફિટનેસ ચકાસણી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવા અંગે પૂછવામાં આવતાં તેઓ કહે છે કે અત્યારે તો હું ઇજાગ્રસ્તોની સારવારમાં વ્યસ્ત છું. એટલે હાલમાં આ પ્રશ્ન અસ્થાને છે. જોકે રાજ્ય સરકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ મૃતકો કે ઇજાગ્રસ્તોને આર્થિક વળતર આપવાની બાબત વિચારણા હેઠળ છે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ