કુતિયાણામાં કોનું રાજ /
કાંધલ જાડેજા BJP-AAP-CONGને હંફાવે તેવી શક્યતા, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જુઓ કેટલા અપક્ષ જીતી શકે
Team VTV12:49 PM, 06 Dec 22
| Updated: 12:52 PM, 06 Dec 22
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે VTVના એક્ઝિટ પોલના આંકડા અનુસાર પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા બાજી મારી જાય તેવી શક્યતાઓ છે.
ચૂંટણી પૂર્ણ થયા VTV દ્વારા પણ ગુજરાતભરમાં સર્વે કરાયો
EXIT POLL અનુસાર ગુજરાતમાં ફરી બનશે ભાજપ સરકાર!
કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા મારે તેવી શક્યતા
8 ડિસેમ્બરના રોજ જાહેર થશે ગુજરાત ચૂંટણીનું પરિણામ
ગુજરાતમાં રંગેચંગે લોકશાહીનો પર્વ ઉજવાયો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ પૂર્ણ થઇ ગયું છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ વખતે Exit Pollમાં ફરીવાર ગુજરાતમાં મોદી લહેર ચાલશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. VTV News દ્વારા પણ રાજ્યની તમામ બેઠકોને લઇને સર્વે કરવામાં આવ્યો છે. VTVના એગ્ઝિટ પોલમાં સૌરાષ્ટ્રમાં ભાજપને સૌથી વધુ બેઠક મળવાનું અનુમાન છે. VTVના એગ્ઝિટ પોલમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને 'ગૉડમધર' સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા જીતી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા હતા ચૂંટણી
કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી પૂર્વ NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. આ વખતે ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી હતી. વિધાનસભાની આ ચૂંટણીમાં કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ આપવાનો ઈનકાર કર્યા બાદ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તો આમ આદમી પાર્ટીએ ભીમાભાઈ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા. કુતિયાણા બેઠક પર 1લી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આ વખતે 54 ટકા મતદાન નોંધાયું હતું. ગતરોજ બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જે બાદ VTV News દ્વારા રાજ્યની તમામ બેઠકોને લઇને સર્વે કરવામાં આવ્યો હતો. VTVના એગ્ઝિટ પોલમાં સૌરાષ્ટ્રમાં ભાજપને સૌથી વધુ બેઠક મળવાનું અનુમાન છે. ભાજપને 28, કોંગ્રેસને 20, AAPને 5 અને અન્યને 1 બેઠક મળવાનું અનુમાન છે.
કુતિયાણા બેઠક પર 'ગોડમધર'ના પુત્રનું રાજ
સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCPમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.
કાંધલ જાડેજાએ એકલા હાથે 11 ઉમેદવારોને આપ્યો હતો કારમો પરાજય
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ન હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ અને અપક્ષો સહિત 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી લીડથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને તેઓએ જંગી લીડથી હરાવ્યા હતા.
જુઓ સૌરાષ્ટ્રની કઇ બેઠક પર કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે?