કલોલ ભાજપમાં આંતરિક જુથવાદ હવે ચરમસીમાએ છે. આજે એક સાથે નગર પાલિકાનાં નવ કોર્પોરેટરો દ્વારા જીલ્લા પ્રમુખને રાજીનામાં ધરી દીધા હતા. નવા નગર પાલિકાનાં પ્રમુખની નિમણૂંક બાદ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેટરો નારાજ હતા.
કલોલ ભાજપમાં નવીન નપા પ્રમુખની નિમણૂંક બાદ ભડકો
એક સાથે 9 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં
છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો હતો
કલોલ ભાજપમાં ચાલી રહેલ આંતરિક જૂથવાદ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ કલોલ નગર પાલિકામાં અઢી વર્ષ માટે નવીન પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. જે બાદ આજે એક સાથે નગર પાલિકાનાં 9 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દેતા કલોલ ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. નગર પાલિકામાં અઢી વર્ષ માટે નવીન પ્રમુખ શૈલેષ પટેલની નિમણૂંકને લઈ નગર પાલિકાનાં સભ્યો છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. આજે એકાએક નગર સેવકો દ્વારા રાજીનામું ધરી દેતા સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આગામી સમયમાં હજુ પણ વધુ કોર્પોરેટરો રાજીનામાં આપે તેવી શક્યતાઓ છે.