K RAJESH CBI CASE: FORMER MP SOMA PATEL ALLGES OF MANY SCAM ON EX SURENDRANAGAR COLLECTOR
BIG NEWS /
કે.રાજેશ કેસ: પૂર્વ સાંસદ સોમા પટેલે ભ્રષ્ટાચારનું લીસ્ટ ખોલ્યું, અન્ય અધિકારીઓની પણ સંડોવણીના આરોપ
Team VTV02:31 PM, 23 May 22
| Updated: 03:08 PM, 23 May 22
પૂર્વ IAS કે. રાજેશની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે ભાજપના પૂર્વ સાંસદ સોમા પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે, તેમણે અનેક કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે.
કે. રાજેશ પર સોમા પટેલના ગંભીર આરોપ
900 વીઘા જમીન એક રૂપિયાના પટ્ટે આપી દેવાઈ
અન્ય અધિકારીઓના પણ હાથ હોવાની આશંકા
ઊંડાણપૂર્વક તપાસ અને કાર્યવાહીની PM સમક્ષ માંગ
અન્ય અધિકારીઓની પણ સંડોવણી?
ગુજરાતમાં કૌભાંડી અધિકારી કે રાજેશના કાંડ એક બાદ એક ખૂલી રહ્યા છે અને તપાસ આગળ વધી રહી છે ત્યારે આ સમગ્ર કેસમાં અનેક બીજા કૌભાંડો બહાર આવે તેવી શક્યતા છે. રાજ્યના દિગ્ગજ નેતા સોમા પટેલે મોટો ધડાકો કરતાં કૌભાંડોનું એક આખું લીસ્ટ VTVના માધ્યમથી બધા સામે મૂક્યું છે, સમગ્ર મામલે PM મોદી સમક્ષ આ કેસમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે સોમા પટેલે આ પહેલા પણ આ અધિકારી સામે કાર્યવાહી માટે પત્ર લખ્યો હતો.
દૂધ મંડળીને જમીનો અપાઈ
VTV સાથે ખાસ વાતચીતમાં પૂર્વ સાંસદ સોમા પટેલે પૂર્વ અધિકારી પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે, રિવોલ્વરના લાયસન્સ આપવામાં મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે, આ સિવાય બિનખેડૂતને પણ ખેડૂત બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય 70થી 80 દૂધ મંડળીને પૈસા લઈને જમીન આપી છે.
જમીનમાં કૌભાંડ, PMના કાર્યક્રમમાં ખોટો ખર્ચ: સોમા પટેલ
સોમા પટેલે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે ખાંડીયા ફોરેસ્ટની 900 વીઘા જમીન માત્ર એક રૂપિયાના ટોકને 30 વર્ષના પટ્ટે આપી દેવામાં આવી હતી. આ સિવાય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 7 કરોડથી વધારે ખર્ચો બતાવ્યો, જોકે કોઈ પણ PMના કાર્યક્રમમાં દોઢ કરોડથી વધારેનો ખર્ચ તો થાય જ નહીં, જયારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓએ કહ્યું કે વાઉચર ક્યાં ગયા તે તેમને ખબર જ ન હતી. આ સિવાય CMના કાર્યક્રમમાં પણ 1.19 કરોડનો ખોટો ખર્ચ કર્યો હતો.
મેં 141 અરજીઓ કરી હતી: સોમા પટેલ
સોમા પટેલે વધુમાં કહ્યું હતું કે મને પહેલાથી ખબર જ હતી, મેં છેલ્લા 10 મહિનાથી અરજીઓ કરી હતી તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં PM મોદી અને અમિત શાહને અરજીઓ મેં મોકલી હતી. મેં CBIમાં પણ કોપીઓ મોકલી હતી, મેં જે 141 અરજીઓ કરી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે હવે આ કૌભાંડીને જેલ કરવામાં આવશે.
આ સિવાય તેમણે કહ્યું હતું કે સુરેન્દ્રનગરની પ્રજાને કોઈ પણ કામ હોય અને તે કોઈ અધિકારી કામ ન કરે તો સોમા ગાંડાને યાદ કરો, હું કરી આપીશ.
કાર્યવાહીના 10 જ દિવસ પહેલા સોમા પટેલે ફોડ્યો હતો લેટરબોમ્બ
નોંધનીય છે કે આ IAS પર CBIની કાર્યવાહી શરૂ થઈ તેના 10 દિવસ પહેલા જ સોમા પટેલે PM મોદીને લેખિત પૂરાવા સાથે લેટર લખીને ફરિયાદ કરી હતી અને તેમાં CBI તપાસની માંગણી કરી હતી. તેમણે 11 મેના રોજ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખીને કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો, આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે.રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી.