junior clerk exam paper leaked 2023, students are angry with the system
BIG NEWS /
કઈ રીતે ફૂટ્યું પેપર? અડધી રાતે આરોપીઓ ઝડપાયા, ATS, SOG અને પોલીસ સંયુક્ત ઓપરેશન
Team VTV09:55 AM, 29 Jan 23
| Updated: 10:08 AM, 29 Jan 23
જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડનારા શખ્સોની વડોદરાના માંજલપુર અને અટલાદરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઘટના અંગે ATS, SOG અને વડોદરા પોલીસ પૂછપરછ કરી રહી છે. આશરે 15 જેટલા લોકોની અટકાયત પોલીસે કરી છે.
વડોદરાના માંજલપુર અને અટલાદરા વિસ્તારમાંથી પકડાયા શખ્સો
ATS, SOG અને વડોદરા પોલીસની સંયુક્ત કામગીરી
અડધી રાત્રે પેપર ફોડનાર શખ્સો પકડાયા
ગાંધીનગર લઈ જઈ તમામ લોકોની કરાઈ રહી છે કડક પૂછપરછ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે. આ ઘટનાથી પરીક્ષાર્થીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાંથી પેપર ફોડનાર 15 જેટલા શખ્સોની અટકાયત કરાઈ હતી જેમાંથી અડધી રાત્રે પેપર ફોડનાર શખ્સો પકડાયા છે. આરોપીઓ વડોદરાના માંજલપુર અને અટલાદરા વિસ્તારમાંથી પકડાયા છે. આ ઘટના અંગે ATS, SOG અને વડોદરા પોલીસની સંયુક્ત કામગીરી ચાલુ છે.
પરીક્ષાર્થીઓમાં રોષ
ભાવનગર, પાલીતાણા સહિતના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ VTV સાથેની વાતચીતમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ઉમેદવારોએ કહ્યું, 'સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.'
ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો
સરકારની વાતોથી વિદ્યાર્થીઓ હાલ સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું નથી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ST બસ સ્ટેન્ડ પર જ કેટલાક ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટના પણ સામે આવી છે.
2,995 પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની હતી પરીક્ષા
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કર્યો પરિપત્ર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-01-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.29-01-2023ના રોજ સવારે 11-00 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.