Junior Clerk exam in Gujarat had to be canceled due to paper leak
જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ /
સાહેબ, રાત્રે બે વાગ્યે ભાવનગરથી અમદાવાદ આવ્યા, પૈસાવાળી પાર્ટીએ પેપર ફોડી નાંખ્યું: પરીક્ષાર્થીનું આ દર્દ જુએ સરકાર
Team VTV08:16 AM, 29 Jan 23
| Updated: 08:44 AM, 29 Jan 23
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતા કરવી પડી રદ્દ, દૂર-દૂરથી પેપર આપવા પહોંચેલા ઉમેદવારોમાં ભારે આક્રોશ, VTV સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા ઉમેદવારો.
આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ
પેપર લીકની થવાને કારણે મંડળ દ્વારા પરીક્ષા કરાઈ રદ્દ
વારંવાર થતી પરીક્ષા મોકૂફથી પરીક્ષાર્થીઓમાં રોષ
ઉમેદવારોએ કહ્યું- અમે આખી રાતના ઉજાગરા કરીને આવ્યા છીએ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રખાતા પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પરીક્ષાર્થીઓમાં રોષ
ભાવનગર, પાલીતાણા સહિતના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ VTV સાથેની વાતચીતમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ઉમેદવારોએ કહ્યું, 'સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.'
અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છેઃ પરીક્ષાર્થીઓ
VTV સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા ઉમેદવારો ભાવુક થઈ ગયા. ઉમેદવારોએ કહ્યું કે, 'અમે પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે છેક પાલીતાણા અને ભાવનગરના ગામડામાંથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ.'
વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ'
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ કરવામાં આવશે. તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ' છે. વારંવાર બનતી આ ઘટનાઓના કારણે સવાલ એ થાય છે કે ગુજરાતમાં ક્યાં સુધી આ પ્રકારે પેપર ફૂટતા રહેશે અને વિદ્યાર્થીઓ રઝળી પડશે. સરકાર વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં ફેલ કેમ થાય છે. સવાલ એ પણ થાય છે કે શું પેપર લીકમાં કોઈ મોટા અધિકારીઓની પણ મિલીભગત છે?
કેમ રદ્દ થઈ આજની પરીક્ષા?
પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે. આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.