જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ઓનલાઈન ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ધાંધિયાગીરી હોવાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા.
ભાવાંતર યોજનાની તાત્કાલિક અમલવારી કરવાની ખેડૂતોએ માગ કરી છે અને ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ ખેડૂતોએ માગ કરી છે.
મહત્વનું છે કે ગુરૂવારથી મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ છે. એક ખેડૂતના રજિસ્ટ્રેશન માટે 15 મિનિટ જેટલો સમય લાગે છે અને સર્વર સ્લો થતાં ખેડૂતોની મોટી લાઈનો લાગી છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પણ ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી. જો કે જૂનાગઢ માર્કેટયાર્ડમાં પણ આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવતા એક તરફ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ રજિસ્ટ્રેશન પ્રોસેસમાં ધાંધિયાગીરી જોવા મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ભાવાંતર યોજનાનો તાત્કાલિક અસરથી અમલ થાય તેવી માગ ઉચ્ચારી હતી.
તો આ સાથે જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયાના બીજા દિવસે અમરેલીના સાવરકુંડલા APMCમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ઓનલાઈન સર્વર ધીમે ચાલતા રજીસ્ટ્રેશન માટે મોટી લાઈનો લાગતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. પરેશાની ન થાય તે માટે ખેડૂતોએ ટોકન સિસ્ટમની માગ કરી હતી. ખેડૂતોની નારાજગી ધ્યાને રાખી પ્રાંત અધિકારી APMC પહોંચ્યા હતા. પ્રાંત અધિકારીએ ખેડૂતોને પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ હાથ ધર્યા.