જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેદરકારી જોવા મળી છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા વિનુ અમિપરાનું નામ મતદારોની યાદીમાંથી ગાયબ જોવા મળ્યું છે. વિનુ અમિપરા જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે આવી વિગત સામે આવી હતી.
જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. મહાનગરપાલિકાની 14 વોર્ડની 56 બેઠકો માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યુ છે. મનપાની ચૂંટણીમાં કુલ 159 ઉમેદવારો મેદાને છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે.
મનપાની ચૂંટણીમાં ભાજપના 56 ઉમેદવાર, કોંગ્રેસના 52, NCPના 25, અપક્ષના 25 અને CPI(M)ના 3 ઉમેદવાર મેદાને છે. જિલ્લાના 2 લાખ 38 હજાર 116 મતદારો મતદાન કરશે. મહાનગરપાલિકાની 15 બેઠકમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. વોર્ડ નંબર-3ના ભાજપના ત્રણ ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ચૂંટણી યોજાઈ નથી.
જ્યારે મનપા ચૂંટણી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કાળવા ચોક, ગીરનાર, મોતીબાગ, જાંઝરડા ચોકડી, મધુરમ વિસ્તાર, ગાંધીગ્રામ, મજેડી દરવાજા વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયુ છે. ભારે વરસાદના કારણે મતદાન પર અસર થાય તેવી પણ શક્યતા છે.
તો ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેઓએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગિરીશ કોટેચાએ કહ્યું કે, કોંગ્રેસના શહેર પ્રમુખને રાજીનામું આપવું પડે તેવી વિપક્ષની સ્થિતિ છે. જૂનાગઢ કોંગ્રેસ હાલ વેન્ટિલેટર પર છે.