રાજ્યમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. જેનાં માટે ઉમેદવારીપત્રો ભરાઈ ચૂક્યાં છે. ક્યાંક લોકશાહી માટે આશાસ્પદ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો ક્યાંક કાયદાની છટકબારી શોધીને એવાં ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે. જેનાં કારણે લોકશાહીની ગરિમા ઝંખવાઈ શકે છે. સરેઆમ કાયદાનો ભંગ કરીને જેલવાસ ભોગવતા લોકોને પણ કાયદાનાં ઘડવૈયા બનવાનાં ઓરતા જાગ્યાં છે.
રાજ્યમાં લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે યોજાવાનું છે. જેનાં માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હજુ ગઈ કાલે જ સમાપ્ત થઈ છે. આ ઉમેદવારીપત્રો એ લોકશાહીની દેવી સામે પોતાની પ્રામાણિકતાના અને યોગ્યતાનાં સોગંદનામાં જેવાં હોય છે. એ વાત જુદી છે કે કેટલાંક સ્વસુખ ઉમેદવારો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને ઘણી માહિતી છૂપાવતા પણ હોય છે. તો કેટલાંક ઉમેદવારો કાયદાની કલમ આગળ ધરીને પોતાને દેશસેવા માટે પ્રમાણભૂત વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરતા હોય છે. કેટલાંક નેતાઓ ફોર્મ ભરતી વખતે શક્તિ પ્રદર્શન કરતા હોય છે. તો કેટલાકનો ભૂતકાળ જ એવો હોય છે કે તેને જ તેઓ પોતાની શક્તિ સમજતા હોય છે.
લોકશાહીનું પર્વ નજીક છે ત્યારે સમાજસેવાની ખેવના રાખનારા ઉમેદવારો સાથે સાથે પોતાને બાહુબલી અને શક્તિશાળી સમજતા ઉમેદવારો પણ ફોર્મ ભરવાથી કેમ બાકાત રહી શકે? અહીં બે તસવીરો જૂનાગઢનાં એક કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાની છે. જેમાં પ્રથમ તસ્વીરમાં કુખ્યાત બુટલેગર તરીકે કાયદાનો ભંગ કરીને પોલીસને પડકાર ફેંકી રહેલા ધીરેન કારિયા છે. જે એક સમયે કાયદા પાલન કરનારી પોલીસને ધમકી આપી રહ્યો હતો. તેને હવે કાયદો બદલવાનાં અભરખા જાગ્યાં છે. ત્યારે બીજી તસ્વીર દેશમાં લોકશાહીની ગરિમા કયા સ્તર પર જઈ રહી છે તેનો આબાદ નમૂનો છે. ધીરેન કારિયાએ જેલમાંથી પોલીસ જાપ્તા સાથે આવીને લોકસભાની ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું.
દેશમાં એક તરફ લોકશાહી મજબૂત બનાવવાની વાતો થઈ રહી છે. તો બીજી આ જ લોકશાહીનાં બંધારણની ભલમણસાઈનો લાભ કેટલાંક અસામાજિક તત્વો લઈ રહ્યાં છે. આરોપીઓ પણ પોતે ગુનેગાર સાબિત નથી થયાં તેવું પ્રમાણપત્ર દર્શાવીને ચૂંટણી લડવાની હિંમત કેળવી રહ્યાં છે અને એટલે જ 28થી વધુ વખત દારૂની હેરફેર અને ગેરકાયદેસર શસ્ત્રો રાખવાં ગુના હેઠળ જેલમાં રહેલાં ધીરેન કારિયાએ પણ સ્વ-ખર્ચે પોલીસનાં જાપ્તા હેઠળ કલેક્ટર કચેરીએ આવીને અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
જૂનાગઢનાં ઇતિહાસમાં પ્રથમ ઘટના એવી હશે કે કોઇ જેલમાંથી ફોર્મ ભરવા આવ્યું હોય. ફોર્મ રજુ કરવા આવેલા બુટલેગર ધીરેન કારીયાએ એક નેતાનાં અંદાજમાં એમ પણ કહ્યું કે, પેરોલ નહીં મળે તો જેલમાં રહીને ચૂંટણી પ્રચાર કરીશ. મારા ઉપર જે ગુના છે તે હજુ સાબિત થયાં નથી. એટલું જ નહીં જરા પણ શરમ વગર એણે એમ પણ કહ્યું કે, રાજકારણમાં આવીને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાનો પણ હું પ્રયાસ કરીશ. કદાચ આ કુખ્યાત બુટલેગરને હાલની કાયદાની સ્થિતિ માફક નહીં આવતી હોય.
દેશનાં બંધારણમાં લોકશાહીનાં રક્ષણ માટે તમામને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો છે અને દેશની ન્યાય પ્રણાલિકાનું હાર્દ પણ એ છે કે, સો ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. બસ અસામાજિક તત્વો લોકશાહીનાં આ જ હાર્દનો લાભ ઉઠાવી રહ્યાં છે અને લોકશાહીની ગરિમા ઝાંખી પાડી રહ્યાં છે. આનો ઈલાજ પણ બંધારણે જ કરવો રહ્યો.