Junagadh Father of two sons suicide for LRD recruitment injustice
વિરોધ /
જૂનાગઢમાં LRD ભરતીમાં દીકરાઓને અન્યાયને કારણે પિતાનો આપઘાત, મૃતદેહ સ્વીકારવાની રબારી સમાજે ના પાડી
Team VTV09:18 AM, 18 Jan 20
| Updated: 09:49 AM, 18 Jan 20
જૂનાગઢમાં બે દીકરાના પિતાએ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી. બન્ને દીકરાઓને લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે હવે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રબારી સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. માગ નહી સ્વીકારાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
બે દીકરાના પિતાનો આપઘાત
સ્યુસાઈડ નોટમાં ભરતીનો ઉલ્લેખ
LRDની ભરતીમાં અન્યાય થયાનો ઉલ્લેખ
પરિવારની મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી
કોણ છે મૃતક
આપઘાત કરનારનું નામ માંજરભાઈ મુંજાભાઈ હુંણે હતુ અને તેની ઉમંર 49 વર્ષ હતી તે જૂનાગઢમાં બહુમાળી ભવનમાં આવેલી સહાયક વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. ગઇકાલે એટલે શુક્રવારે સવારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સ્યૂસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે તેમના બંને દીકરાને LRDની ભરતીમાં અન્યાય થતા તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. જેના પગલે રબારી અને ભરવાડ સમાજનાં લોકો મોટી સંખ્યામાં હૉસ્પિટલ એકત્ર થઇને ન્યાયની માંગ કરી હતી. આ સાથે આજે શનિવારે સવાર સુધીમાં પણ તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી.
શું લખ્યું છે સ્યુસાઈડ નોટમાં
ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓએ મારો જીવ લીધો છે, જેની પાછળ આદિજાતિ પ્રધાન ગણપત વસાવા, આદિજાતિ અધિકારીઓ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ વિભાગના સચિવ તથા અધિકારીઓએ રાજકીય દબાણમાં આવીને રિઝલ્ટ બહાર પાડી દીધું છે. મારા બંને પુત્રો રાજુ અને સંજય લોકરક્ષક દળની ભરતીમાં લેખિત અને શારીરિક પરીક્ષામાં પાસ કરી, જાતિ અંગેના અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ આદિજાતિ કમિશનર કચેરીમાં ગાંધીનગર માટે ખરાઈની કાર્યવાહી પુરાવા રજૂ કરવા છતાં ખરાઈ કરેલી નથી અને પરિણામ જાહેર કરી અમોને અન્યાય કર્યો છે. જેની પાછળ સરકારી અધિકારીઓ જવાબદાર છે. ભાજપ સરકાર હજારો ગરીબ માસૂમોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં ભાજપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહીં પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાઓની વેદના જોઈ ન શક્યો. મોઢે આવેલો કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. આ સરકાર ગરીબોને મારી નાખશે. મારા રબારી સમાજને વિનંતી છે કે ભાજપ સરકાર પ્રધાનપદ આપે તો પણ નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહીં, મારી ઓફિસના સ્ટાફ્ને કોઈ હેરાન કરશો નહીં, માફ્ કરશો.'