પ્રકૃતિનું નિકંદન કાઢવામાં માણસે પાછળ વળીને જોયું નથી અને આ સંકટ તેનું જ પરિણામ છે. આ આપણી આંખ ખોલવા માટેની કુદરતી ચેતવણી છે, જેને આપણે સૌએ ગંભીરતાથી લેવી જ રહી.
હજારો ભારતીયોની શ્રદ્ધા અને વિશ્વાસનું સ્થળ એટલે જોશીમઠ
પવિત્ર નગર જેના વગર ચારધામની યાત્રા અધૂરી ગણાય
સમગ્ર ભારત માટે એક મોટો પડકાર બનીને ઊભું છે
હજારો ભારતીયોની શ્રદ્ધા અને વિશ્વાસનું સ્થળ એટલે જોશીમઠ. આ એક એવું પવિત્ર નગર જેના વગર ચારધામની યાત્રા અધૂરી ગણાય. કુદરતી સૌંદર્ય વચ્ચે રહેલું આ સ્થળ સ્વાભાવિક છે કે પર્યટકોને પોતાની પાસે ખેંચી લાવે સાથે-સાથે આ સ્થળ સાથે જોડાયેલા કેટલાયે લોકોનું ઠામ-ઠેકાણું જીવનનિર્વાહ અને સ્વપ્નનગરી ગણાતું આ સ્થળ હવે ધીરે ધીરે ભૂસ્ખલનમાં ઓગળી રહ્યું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ જોશીમઠ વિશે કહ્યું છે કે તે ધીમે ધીમે ડૂબી રહ્યું છે. જોશીમઠમાં આવેલ ભૂસ્ખલન હોનારત હાલમાં સમગ્ર ભારત માટે એક મોટો પડકાર બનીને ઊભું છે.
જોશીમઠ મધ્ય હિમાલયના પ્રદેશમાં આવેલા ચમોલી જિલ્લાનું એક પ્રખ્યાત ધાર્મિક નગર છે અને શંકરાચાર્યનું નિવાસસ્થાન છે. જોશીમઠ ચીનની સરહદે આવેલું ભારતનું છેલ્લું શહેર છે. બદરીનાથ, હેમકુંડ સાહિબ, વેલી ઓફ ફ્લાવર્સ, ઔલી વગેરે સ્થળોના કારણે પ્રવાસીઓનો મેળાવડો જામેલો રહે છે તો સાથે-સાથે સરહદી વિસ્તાર હોવાના કારણે અહીં સૈનિકોનો કાયમી વસવાટ રહે છે.
ભૌગોલિક ફેરફારોની કલ્પના કરવી સરળ નથી. કેટલાક ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારો અથવા ઘટનાઓ કુદરતી અને આકસ્મિક હોય છે, પરંતુ કેટલાકને આપણે આપણી ખોટી આદત અને આપણા સ્વાર્થ દ્વારા આમંત્રિત કરીએ છીએ. આ અંગે પણ ચોક્કસ અને અંતિમ નિષ્કર્ષ કાઢવો સરળ નથી. હા, કેટલીક વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
તમે પર્વતોમાં સતત તોડફોડ કરતા રહો કુદરતને સતત છંછેડો તો પરિણામ હાિનકારક જ આવે. આપણે એ ભૂલવું જોઇએ નહીં કે ૧૯૬૨માં ચીનના હુમલા બાદ સેના અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની ગતિવિધિઓ પણ અહીં વધી છે અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડે તે સમજી શકાય. સીમા સુરક્ષાનો મામલો હોવાના કારણે તમે તેની જરૂરિયાતને નકારી ન શકો. પ્રતિકૂળ પરિણામો વિના આ શક્ય નહોતું. જો તમે કંઈ પણ નવું બાંધકામ કરશો તો તમારે પથ્થરો તોડવા જ પડશે. ભારત સાથે ડ્રેગનના સંબંધો જોતાં આ વિસ્તાર ભારેલા અગ્નિ જેવો જ છે અને અહીં નિર્માણ કરવું જરૂરી છે, સાથે-સાથે દેશના વિકાસ માટે નવા નવા પ્રોજેક્ટનો વિકાસ પણ એટલો જ જરૂરી હતો.
કહેવત છે ને કે જે પોષતું તે મારતું, જોશીમઠ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કુદરતને જેટલી છંછેડો નુકસાન તો થશે જ અને થઇ રહ્યું છે. કુદરતના વિકરાળ રૂપ સામે માનવી વામણો છે અને રહેશે. જોશીમઠની કુદરતી સ્થિતિ અદ્ભુત છે. તે ત્રણ નદીઓ અલકનંદા, ધૌલીગંગા અને ઋષિ ગંગાની ગોદમાં આવેલું છે. ધારદાર પહાડના મસ્તક પર લગભગ ૬૦૦૦ ફૂટની ઊંચાઈ પર વસેલું આ શહેર વર્ષોથી પ્રકૃતિપ્રેમીઓ તેમજ વિશ્વભરના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જોશીમઠ એ કાયમી જમીન નથી. હજારો વર્ષો પહેલાં તે ગ્લેશિયર દ્વારા છોડવામાં આવેલા મોરેન એટલે કે રેતી, કાટમાળ, પથ્થરો વગેરે પર આવેલું છે. દેખીતી રીતે અહીં બાંધકામ કરવું આફત નોતરવા જેવું જ છે.
પ્રતિકાત્મક ફોટો
૧૯૮૦માં ત્યાં પહેલો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ આવ્યો. તેનો વિરોધ થયો પણ કામ અટક્યું નહીં. તે પછી ર૦૦૬માં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનનો એક પ્રોજેક્ટ આવ્યો. આનો પણ વિરોધ થયો હતો. વિરોધ પ્રદર્શન આજદિન સુધી ચાલુ છે. આ પ્રોજેક્ટ્સની સમસ્યા એ છે કે બાંધકામના કારણે તેના માટે મોટા પ્રમાણમાં ડિમોલિશન, બ્લાસ્ટિંગ થાય છે. આજે આપણે પાવર પ્રોજેક્ટ અને ટનલને સૌથી મોટા વિલન કહી રહ્યા છીએ.
આપણે ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તનના જોખમને પણ અવગણી શકીએ નહીં. જોશીમઠ ખૂબ જ સંવેદનશીલ ભૂકંપ ઝોનમાં આવે છે. ફક્ત જોશીમઠ જ નહીં, ઉત્તરાખંડમાં ઘણી જગ્યાઓ સંવેદનશીલ અને જોખમી છે. ચમોલીથી લઈને ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર જેવા જિલ્લામાં તિરાડો અને ભૂસ્ખલનના સમાચાર સતત આવતા રહે છે. આથી કોઇ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ આ અંગે પગલાં લેવાં જોઇએ.
જોશીમઠ સંકટ એ માનવસર્જિત ભૂલ છે કે પછી પ્રલયનો પ્રારંભ છે એ ચર્ચા પણ હવે જોર પકડતી જાય છે. કેટલાક લોકોનું માનવું છે પ્રકૃતિનું નિકંદન કાઢવામાં માણસે પાછળ વળીને જોયું નથી અને જોશીમઠ સંકટ તેનું જ પરિણામ છે. હકીકતમાં તો આ આપણી આંખ ખોલવા અને આપણને જગાડવા માટેની કુદરતી ચેતવણી છે, જેને આપણે સૌએ ગંભીરતાથી લેવી જ રહી. જોશીમઠ સંકટને સમજવાની જરૂર છે તો જ આપણને આ સંકટમાંથી ઊગરવાના ઉપાયો મળી શકશે.