Janmashtami fair will be Planning, the statement given by the collector
ખુશખબર /
રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર: જન્માષ્ટમીનો મેળો યોજાવા અંગે કલેક્ટરે આપ્યું મહત્વનું નિવેદન
Team VTV07:05 PM, 04 May 22
| Updated: 08:38 PM, 04 May 22
કોરોનાની સ્થિતિ આગામી સમયમાં સામાન્ય રહી તો લોકમેળાનું આયોજન કરાશે તેમ રાજકોટ કલેક્ટર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.
કોરોનાની સ્થિતિ સામાન્ય રહી તો લોકમેળો યોજાશે
રાજકોટ કલેક્ટર દ્વારા અપાયું નિવેદન
સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનું લોકોમાં અનેરું મહત્વ
સૌરાષ્ટ્રભરમાં અનેરું મહત્વ ધરાવતા રાજકોટ ખાતેના જન્માષ્ટમીના મેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના કહેરના ગ્રહણને લઈને રાજકોટમાં જન્માષ્ટમીના મેળાના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી. જેને હવે મંજૂરીની મહોર લગાવી દઈ ચાલુ સાલ મેળો યોજવા અંગે રાજકોટ કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.જો કોરોનાની સ્થિતિ આગામી સમયમાં સામાન્ય રહી તો લોકમેળાનું આયોજન કરાશે તેમ કલેક્ટરે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. આથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં હાલ આનંદ છવાયો છે.
કોરોના કેડો ન છોડતા બે વર્ષથી મેળો હતો બંધ
સૌરાષ્ટ્રમાં વર્ષોથી લોકમેળાઓનું આગવું મહત્વ રહ્યું છે. શ્રાવણ મહિનામાં રાજકોટના રેસકોર્ષ મેદાનને આંગણે 5 દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા આ લોક મેળામાં ગુજરાતના અન્ય પ્રાંતો સહિત સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી 10 લાખ ઉપરાંત લોકો મેળાની મોજ માણતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાએ કેડો ન છોડતા લોક મેળાના આયોજન પણ બંધ રાખવામાં આવ્યા હતા. તેવા સંજોગો વચ્ચે હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય હોવાથી આ મામલે રાજકોટ કલેકટર નિવેદન આપી રાજકોટમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. હાલ કોરોના પોજીટીવ કેસમાં ઘટાડો હોવાથી મહામારીની સ્થિતિ કાબુમાં છે. આગામી સમયમાં પણ કોરોનાની સ્થિતિ સામાન્ય રહે તો ભાતીગળ લોકમેળાનું જાજરમાન આયોજન કરવામાં આવશે.
લોકમેળાના આયોજન અંગે તંત્ર દ્વારા હકારાત્મક વલણ
કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાથી લોકમેળાના આયોજન અંગે તંત્ર દ્વારા હકારાત્મક વલણ આપનાવવામાં આવ્યું છે.લોકમેળાના આયોજન અને આગોતરી તૈયારીઓ મામલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં અવશે અને સબંધિત વિભાગ સાથે ચર્ચા વિચારણા કરાયા બાદ કાર્યવહીઓ આરંભી દેવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાને છેલ્લા બે વર્ષથી કોરોના કહેર નડ્યા બાદ ચાલુ સાલ મેળો યોજાઇ તેવા ઉજળા સંકેતો હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.