Jammu and Kashmir Encounter between terrorists and security
જમ્મૂ-કાશ્મીર /
શોપિયામાં બીજા દિવસે પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
Team VTV07:40 AM, 02 Aug 19
| Updated: 08:10 AM, 02 Aug 19
જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સામે આવી છે. આ અથડામણમાં એક ભારતીય જવાન શહીદ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સેનાની 34RR, SOG અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા શોપિયાંના પંડુશન વિસ્તારને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળતાં સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં છેલ્લા કેટલાંક દિવસોથી સેના દ્વારા આતંકીઓ વિરુધ્ધ ઓપરેશન ઓલઆઉટ તેજ કરી દેવામાં આવ્યું છે.
શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે સતત બીજા દિવસે અથડામણ જોવા મળી છે. આ અગાઉ ગુરૂવારે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. જ્યારે બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેકટરમાં સરહદ પાસે સેનાએ આતંકીઓની ધૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મૂ-કશ્મીરના શોપિયામાં ગુરૂવારે મોડી રાતથી આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે. શોપિયામાં આતંકીઓ છૂપાયા હોવાના અહેવાલ મળતાંની સાથે જ જવાનોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરી લીધો છે.
Shopian: Exchange of fire between terrorists and security forces in Pandoshan village. More details awaited. #JammuAndKashmir
મળતા અહેવાલ મુજબ જવાનોએ 3 આતંકવાદીનો ઘેરાવ કર્યો છે. જ્યારે બીજી તરફ આતંકીઓના સર્ચ ઓપરેશન દરમિયાન શોપિયામાં IED બ્લાસ્ટ થયો છે. જેને લઇને સેના દ્વારા આતંકીઓની શોધખોળ કરી રહી છે.
15મી ઓગસ્ટ પહેલા મોટા આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ
દેશમાં 15મી ઓગસ્ટ પહેલા આતંકવાદીઓ હુમલાને અંજામ આપી શકે છે. જોકે આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો છે. કાશ્મીરની સરહદેથી 110 જેટલા પાકિસ્તાની આતંકીઓ ઘુસવાની ફિરાકમાં છે. જ્યારે બીજી તરફ ભારતીય જવાનો પણ આતંકીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવવા માટે એલર્ટ થઈ ગયા છે. બીજી તરફ આતંકીઓની ઘુસણખોરી કરાવવા માટે પાકિસ્તાનની સેના બોર્ડર પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓનું માનીએ તો 60 જેટલા આતંકવાદીઓ લોન્ચ પેડમાં તૈયાર છે.
જૈશનો ટોપ કમાન્ડરને ઠાર માર્યો
આ અગાઉ સેનાએ બિજબેહડા વિસ્તારમાં જૈશ-એ-મહોમ્મદના બે ખૂંખાર આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં જૈશ-એ-મહોમ્મદનો કમાન્ડર ફયાઝ પંજૂ પણ સામેલ હતો. જમ્મૂ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે સેનાને બિજબેહડામાં આતંકીઓ છૂપાય હોવાની બાતમી મળી હતી.