Saturday, August 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જમ્મૂ-કાશ્મીર / કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વિશ્વ સમુદાય સમક્ષ નિરર્થક ધમપછાડા

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વિશ્વ સમુદાય સમક્ષ નિરર્થક ધમપછાડા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો બક્ષતી કલમ-૩૭૦ હટાવવાના અને રાજ્યના બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન કરવાના ભારતના ઐતિહાસિક નિર્ણય પર પાકિસ્તાન હવે ગભરાટમાં આવીને જે રીતનો બકવાસ કરવા લાગ્યું છે તે જોતાં પહેલી દૃષ્ટિએ તો એવું લાગે છે કે તે જરૂર કંઇક કરવાના મૂડમાં છે.

ગભરાટમાં પાકિસ્તાને સૌપ્રથમ તો ભારત સાથે વેપારી સંબંધો કાપી નાખીને પોતાના જ પગ પર જોરદાર કુહાડો માર્યો છે. આ ઉપરાંત પાકિસ્તાને રાજદ્વારી સંબંધોનું સ્તર ઘટાડીને વધુ એક આત્મઘાતી પગલું ભર્યું છે.

ભારત કાંઇ પાકિસ્તાનને ખતમ કરવાનું વિચારતું નથી પણ પાકિસ્તાનના પ્રત્યાઘાત એવા છે કે તેની તાકાત ન હોવા છતાં તેને પ્રત્યક્ષ અને પરોક્ષ યુદ્ધની ઘેલછા ઉપડી છે. માણસ બેબાળકો અને ઘાંઘો થાય ત્યારે તેનાથી આવું થઇ જાય. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનની હાલત આવી જ છે.

ભારતે કાશ્મીર મુદ્દે લીધેલાં પગલાં બાદ ઇમરાનખાનની હાલત તો કફોડી થઇ ગઇ છે. ઇમરાને પાકિસ્તાનમાં પોતાની રહી-સહી આબરૂ બચાવવા આવાં ધમકીભર્યાં નિવેદન કર્યા વગર બીજો કોઇ આરો નથી. આ ઉપરાંત સેનાનું પણ તેના પર જોરદાર દબાણ છે. ઇમરાનખાનની સ્થિતિ લાચાર અને નિઃસહાય નેતા જેવી છે.

 


બીજી બાજુ ઇમરાનખાને એવી બડાશ હાંકી છે કે કાશ્મીર મુદ્દાને તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉછાળશે, જોકે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ બંને કાશ્મીર મુદ્દે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની જ તરફેણમાં છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે જણાવ્યું હતું કે અમેરિકાની હંમેશાં એવી નીતિ રહી છે કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષી મુદ્દો છે અને બંને દેશોએ જ આ મુદ્દે વાતચીતની શક્યતાને ધ્યાને લઇ નિર્ણય કરવો જોઇએ. અમેરિકા કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતનું સમર્થન કરે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટેનિયો ગુટેરેસે પણ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન કાશ્મીર મામલે સંયમથી વર્તે અને બંને દેશો જમ્મુ-કાશ્મીરની સ્થિતિને પ્રભા‌િવત કરે તેવાં પગલાં લેવાનું નિવારે. ગુટેરેસે શિમલા સમજૂતીને ટાંકીને એવું જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દે કોઇ પણ ત્રા‌િહત પક્ષ મધ્યસ્થતા કરી શકે જ નહીં.
 


આમ, યુએન કે અન્ય કોઇ આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દાને ઉછાળવાની ઇમરાનખાનની ગુસ્તાખી બુમરેંગ પુરવાર થશે. આમ, પાકિસ્તાનના નિર્ણયથી ભારતને કોઇ ફરક પડશે નહીં. પાકિસ્તાન જે રીતે આતંકવાદના સાપને દૂધ પાઇને ઉછેરી રહ્યું છે તે જોતાં દુનિયાનો કોઇ પણ દેશ તેને મદદ કરે તેવું લાગતું નથી.

પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર પર પ્રતિબંધ મૂકીને પોતાનું જ અહિત કર્યું છે. તેના કારણે પાકિસ્તાનની પ્રજાને જ સહન કરવાનું આવશે, કારણ કે પાકિસ્તાનના ગરીબ અને મધ્યમવર્ગના લોકો ભારતથી આયાત થતી જીવન જરૂરિયાતની ચીજવસ્તુુઓ પર સંપૂર્ણપણે નિર્ભર છે.

આમ, કલમ-૩૭૦ હટાવવાના નિર્ણય પર ગભરાટમાં આવીને પાકિસ્તાને જે આડેધડ નિર્ણય લીધા છે તે તેને જ ભારે પડે તેમ છે. એક વાત સ્પષ્ટ છે કે કાશ્મીર ભારતનું જ છે અને ભારતનું જ રહેશે. ભલે પાકિસ્તાન ગમે તેટલા ધમપછાડા કરે. ભારત સરકારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને માત કરવા માટે પહેલાંથી જ રણનીતિ તૈયાર કરી લીધી છે.

ભારતના અધિકારીઓ હાલ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના સભ્યો સાથે સતત સંપર્કમાં છે. આમ, પાકિસ્તાન રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે ક્યાંય ફાવવાનું નથી એ વાત સ્પષ્ટ છે. પાકિસ્તાને હજુ પણ જો પોતાનું અહિત કરવું ન હોય તો ભારત સાથે કાશ્મીર મામલે સકારાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ