શીતલહેર /
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા: સર્જાયા નયન રમ્ય દ્રશ્યો, દિલ્હીમાં યલો અલર્ટ, જુઓ PHOTOS
Team VTV08:52 AM, 16 Jan 23
| Updated: 08:54 AM, 16 Jan 23
આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હીના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ચાલો જાણીએ દેશભરમાં હવામાનની સ્થિતિ.
આ રાજ્યોમાં પડશે ફરી કડકડતી ઠંડી
લઘુત્તમ પારો બેથી ત્રણ ડિગ્રી સુધી જઈ શકે છે નીચે
દેશની રાજધાનીમાં વધી શકે છે તીવ્ર ઠંડીનો પ્રકોપ
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીથી રાહત મળી છે, પરંતુ ફરી એકવાર કડકડતી ઠંડી પાછી આવે તેવા એંધાણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીથી લઈને UP સુધીના ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીનો ડબલ એટેક થવાનો છે. હવામાનશાસ્ત્રીઓના મતે લઘુત્તમ પારો બેથી ત્રણ ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં તપમાનમાં થયો ઘટાડો
દેશના ઘણા રાજ્યો આ દિવસોમાં કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગો અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. જો દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવને કારણે ટૂંક સમયમાં જ તીવ્ર ઠંડીનો પ્રકોપ વધી શકે છે.
Delhi | People light up bonfires to find respite from the prevailing cold wave conditions in the national capital. Visuals from ITO area
કેટલું રહેશે દિલ્હીમાં તાપમાન?
દિલ્હીની વાત કરીએ તો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ હવે હાડ થીજવતી ઠંડી પડવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં તીવ્ર ઠંડીનું એલર્ટ છે, જે આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે.
રાજસ્થાનમાં ઠંડી કેમ વધી રહી છે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધ્યું છે. પ્રેરિત ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર રાજસ્થાનના ઉત્તરીય ભાગો પર બનેલું છે. જેના કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. દેશના સૌથી ગરમ શહેરો પૈકીના શેખાવતી, ચુરુ, ફતેહપુરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. આ વિસ્તારો બરફના મેદાન બની ગયા છે. તાપમાન માઈનસમાં નોંધાઈ રહ્યું છે. અહીં ઝાડ-છોડથી લઈને પાક પર માત્ર બરફ જ દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી અને કોલ્ડવેવનો પ્રકોપ ચાલુ રહી શકે છે.
આગામી 24 કલાકનું હવામાન
હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને હરિયાણાના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. કર્ણાટકના આંતરિક ભાગો અને હિમાચલ પ્રદેશના ભાગોમાં પણ શીત લહેર જોવા મળી શકે છે. પશ્ચિમ હિમાલય પર ચાલુ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ બંધ થઈ જશે, અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને બરફ પડી શકે છે.